આજના સમયની માગ છે - વિના સહકાર નહીં ઉદ્ધાર

Wednesday 02nd April 2025 05:42 EDT
 

ભારત આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે, દેશમાં ખાનગીકરણે લાખો રોજગારીના દરવાજા ખોલ્યા છે, મૂડીરોકાણમાં વિક્રમજનક વધારો થયો છે જેવા અનેક આશાસ્પદ અહેવાલો વચ્ચે સહકારી ક્ષેત્ર ક્યાંય નજરે ચઢતું નહોતું. જોકે હવે સહકારી ક્ષેત્રના ‘અચ્છે દિન’ આવી રહ્યા હોય તેવું લાગે છે. ભારતમાં સહકારી ચળવળના કેન્દ્રબિંદુસમાન આણંદમાં ત્રિભુવનદાસ પટેલ સહકારી યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરતાં સહકાર પ્રધાન અમિત શાહે દેશમાં સહકારી ધોરણે ટેક્સી સર્વિસ અને કો-ઓપરેટિવ ઇન્સ્યુરન્સ કંપની શરૂ કરવાનું એલાન કર્યું છે.
એક માટે બધા, બધા માટે એક - આ વિચારભાવના આધારિત સહકારી ચળવળના માધ્યમથી દેશના કેટલાય ઉદ્યોગોએ સીમાચિહ્ન અંકિત કર્યા છે તે વાતે ભાગ્યે જ કોઇ અસંમત થશે. ભારતના સહકારી આંદોલનના ઇતિહાસ પર નજર ફેરવીએ તો જણાશે કે ગુજરાતની શ્વેત ક્રાંતિ સહકારના માધ્યમથી સર્જાયેલા કરોડો રૂપિયાના કારોબારનું સૌથી મોટું અને ઉજળું ઉદાહરણ છે.
ત્રિભુવનદાસ કિશીભાઇ પટેલ એટલે એવું મુઠ્ઠીઊંચેરું વ્યક્તિત્વ જેમણે સરદાર પટેલ જેવા મહાન નેતાના સાંનિધ્યમાં રહીને દેશમાં સહકારિતાનો પાયો નાંખ્યો હતો. આજે ‘અમૂલ’ નામે જાણીતું સહકારી ક્ષેત્રનું સોનેરી પ્રકરણ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ત્રિભુવનદાસ પટેલના વિચારની જ દેન છે. ત્રિભુવનદાસ પટેલે નિહાળેલું સપનું ડો. વર્ગીસ કુરિયનના સબળ નેતૃત્વમાં સાકાર થયું. અસંગઠિત દૂધ ઉત્પાદકોની આર્થિક ઉન્નતિના ઉમદા ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ ચળવળ આજે ‘અમૂલ’ નામે વિશ્વમાં વિજયપતાકા લહેરાવે છે. આ સહકારી ચળવળે માત્ર દૂધ ઉત્પાદકોને જ સદ્ધર નથી બનાવ્યા, દેશના અર્થતંત્રને પણ મજબૂત કર્યું છે.
દેશમાં સહકારી પ્રવૃત્તિને ફરી ચેતનવંતી બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા હાથ ધરાયેલી ‘સહકાર સે સમૃદ્ધિ’ ઝૂંબેશ ગ્રામીણ અર્થવ્યવસ્થાને સુદૃઢ બનાવશે તો સાથોસાથ સ્વરોજગારને પણ પ્રોત્સાહન આપશે, અને આમ નાના ઉદ્યોગોનો પણ વિકાસ થશે. સરકારે હવે વિવિધ વર્ગોને તબક્કાવાર આ ઝૂંબેશ સાથે જોડવાનું શરૂ કર્યું છે. કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ જેવી પહેલથી દેશના સૌથી મોટા અસંગઠિત વર્ગનું આર્થિક શોષણ અટકવાની અને તેમને સુરક્ષા કવચ મળવાની આશા છે. આનાથી ટેક્સી-બાઇક-રિક્ષાચાલકોને વાજબી મહેનતાણું અને સન્માન મળી રહેશે તો લોકોને વાજબી દરે ટ્રાન્સપોર્ટેશન
ઉપલબ્ધ થશે.
જ્યારે કરોડોના કારોબાર ધરાવતા વિમાક્ષેત્રે સહકારી મોડેલના પ્રવેશથી સૌથી મોટો ફાયદો એ થશે કે ખાનગી ક્ષેત્રમાં કાર્યરત વીમા કંપનીઓની મનમાની પર અંકુશ આવશે. આજે વીમાકવચ સહુ કોઇ માટે આવશ્યક બની ગયું છે ત્યારે આ પગલું લાભદાયક પુરવાર થશે તે નિઃશંક છે. પ્રવર્તમાન સમયમાં મલ્ટીનેશનલ કંપનીઓએ ચીજવસ્તુઓથી લઇને સેવાઓના દરેક ક્ષેત્રે એકાધિકાર જમાવવાનું શરૂ કર્યું છે ત્યારે આવી પહેલ સમયની માગ છે.
આમ તો દેશનાં હજારો ગામડાંઓમાં ગ્રામ સેવા સહકારી સમિતિ કાર્યરત છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે તેમાં રાજકારણનું દૂષણ ઘુસવા લાગ્યું છે. સરકારે આમાંથી બોધપાઠ લેવો રહ્યો. ‘સહકાર સે સમૃદ્ધિ’નો પ્રયાસ નક્કર નિષ્ઠા અને આયોજનબદ્ધ રીતે લાગુ કરવો પડશે, જો આમ થશે તો જ સહકાર ભાવનાથી કામ કરનારી સંસ્થાઓને ખરા અર્થમાં સંજીવની મળી રહેશે. આનાથી છેવાડાના માનવીની આર્થિક ઉન્નતિ તો થશે જ, સહકાર યુનિવર્સિટીને ત્રિભુવનદાસ પટેલ નામકરણ પણ સાર્થક બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter