વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પ કામે વળગ્યા છે. ચૂંટણી પ્રચાર વેળા તેઓ જાતભાતના નિવેદનો દ્વારા અખબારોમાં છવાયેલા રહેતા હતા, હવે તેઓ ચૂંટણી વચનોનું પાલન કરીને સમાચારોમાં ચમકી રહ્યા છે. પ્રમુખપદે બેસતાં જ સૌથી પહેલાં તેમણે તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ લાગુ કરેલી ગરીબ અને સામાન્ય વર્ગની હિતકારી હેલ્થ સ્કીમ રદ કરી. પછી મેક્સિકનોની અમેરિકામાં ઘૂસણખોરી રોકવા અમેરિકા-મેક્સિકો વચ્ચે હજારો માઈલ લાંબી દીવાલ બાંધવાની જાહેરાત કરી. ઇરાન, ઇરાક, યમન, સીરિયા, સુદાન, લીબિયા અને સોમાલિયા - આ સાત દેશના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશબંધી લાદી છે. સાથે સાથે જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયાના નાગરિકોની યુએસ પ્રવેશ વેળા કડક ચકાસણીનો આદેશ આપ્યો છે. અમેરિકાભરમાં આ નિર્ણય સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ધરણાં-પ્રદર્શન કરી રહેલા વર્ગનું માનવું છે કે સાત મુસ્લિમ દેશોના નાગરિકો માટેનો નિર્ણય ધાર્મિક વિભાજનને ઉત્તેજન આપનારો છે.
ટ્રમ્પના આદેશનો શનિવારથી અમલ પણ શરૂ થઇ ગયો છે. એરપોર્ટ પર આવા સંખ્યાબંધ વિઝાધારકો કે શરણાર્થીઓને પ્રવેશતા અટકાવી દેવાયા છે. એરપોર્ટ પર પ્રવાસીઓને રોકતા નિર્ણય સામે એક યુએસ કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. લોકઆક્રોશ અને કોર્ટના હસ્તક્ષેપ પછી ટ્રમ્પને સ્પષ્ટતા કરવી પડી છે કે આદેશ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નથી, પણ તેઓ મુસ્લિમ ત્રાસવાદને અટકાવવા માગે છે, અમેરિકામાં ફ્રાન્સ જેવો આતંકી હુમલો થતો અટકાવવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે ૯/૧૧ના હુમલા બાદ અમેરિકામાં વિશાળ વર્ગ એવો છે જે મુસ્લિમોને શંકાની નજરે નિહાળે છે. આ વર્ગનું માનવું છે કે મુસ્લિમ દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે અને તેમને અમેરિકા વિરુદ્ધ ઉશ્કેરે છે. આ આશંકામાંથી લાભ લણવા જ ટ્રમ્પે પ્રચાર વેળા આવા દેશો સામે કડક કાર્યવાહીનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે કટ્ટર આતંકવાદી સંગઠન આઇએસ સામેનો જંગ તીવ્ર બનાવવાનું વચન આપ્યું હતું. આ સંદર્ભે જ આઇએસ સક્રિય હોય તેવા દેશોના નાગરિકોને વિઝા ન આપવાની જાહેરાત કરાઇ છે. આ રીતે શરણાર્થીઓના સ્વાંગમાં આતંકી ઇરાદા ધરાવતા લોકો દેશમાં ઘૂસી રહ્યા હોવાની માન્યતાના આધારે શરણાર્થીઓનું આગમન અટકાવવાનો આદેશ અપાયો છે. અમેરિકી વહીવટી તંત્રના એક ઉચ્ચ અધિકારીએ પાકિસ્તાનીઓની સામે પણ કાર્યવાહી થઇ શકે છે એવા સંકેત આપ્યો છે. જેના પગલે પાકિસ્તાને - અત્યાર સુધી ખુલ્લેઆમ ફરતા - આતંકી સંગઠન જમાત-ઉદ્-દાવાના વડા હાફિઝ સઇદને નજરકેદ કર્યો છે.
ટ્રમ્પ ભલે પોતાના નિર્ણયને વાજબી ઠરાવવા આતંકવાદનો ખતરો આગળ ધરતા હોય, પણ વાસ્તવિક્તા એ છે કે પ્રતિબંધિત દેશોની સૂચિમાં સાઉદી અરેબિયા નથી. ૯/૧૧ના આતંકી હુમલામાં મહદઅંશે આ દેશના જ આતંકીઓની સંડોવણી બહાર આવી હતી. ટ્રમ્પના વિરોધીઓનો દાવો છે કે શક્તિશાળી મુસ્લિમ દેશો પર પ્રતિબંધ નહીં મૂકવાનું કારણ એ છે કે આ દેશોમાં ખુદ ટ્રમ્પના પરિવારનો કરોડો ડોલરનો કારોબાર છે. જે સાત દેશો પર અસ્થાયી પ્રતિબંધ મૂકાયો છે તેમાં ટ્રમ્પના હિત સીધેસીધા સંકળાયેલાં નથી. આમ, હવે ખબર પડશે કે આ નિર્ણય આતંકવાદના ભયથી લેવાયો છે કે વ્યાવસાયિક હિતોને ધ્યાને રાખીને લેવાયો છે. આ નિર્ણય કોર્ટમાં ટકશે કે નહીં તે એક પ્રશ્ન છે, પરંતુ હાલ તો ટ્રમ્પે અમેરિકી પ્રજા સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયનો રોષ પણ વહોરી લીધો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની ઉપરાંત યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ નેશન્સે પણ પ્રતિબંધની શબ્દોમાં ટીકા કરી છે. જોતાં આવનારા દિવસોમાં ટ્રમ્પના વલણ પર સૌની નજર રહેશે.