મુંબઇમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના પાયા પર ઉભી થયેલી આદર્શ હાઉસિંગ સોસાયટીની ૩૧ માળ ઊંચી ઇમારત તોડી પાડવાનો મુંબઇ હાઇ કોર્ટે યથાયોગ્ય જ આદેશ આપ્યો છે. આદર્શ હાઉસિંગ કૌભાંડને ભારતમાં ઊંડી જડ ઘાલી ગયેલા ભ્રષ્ટાચારનું સૌથી કલંકિત ઉદાહરણ ગણી શકાય. સંરક્ષણ વિભાગ હેઠળની આ જમીન પર ખરેખર તો ૧૯૯૯નાં કારગિલ યુદ્ધમાં બહાદુરી દાખવનારા સૈન્ય અધિકારીઓ, શૌર્ય પુરસ્કારથી સન્માનિત અધિકારીઓ તેમજ દેશકાજે જાન ન્યોછાવર કરનાર સૈનિકોની વિધવાઓ માટે છ માળના રહેણાંક બિલ્ડીંગનું નિર્માણ થવાનું હતું. પરંતુ પછી નેતાઓ, સરકારી અધિકારીઓ તથા સૈન્યના મોટા અફસરોની મીલીભગતમાં એવું કૌભાંડ ચાલ્યું કે અહીં ૩૧ માળની વિરાટ બિલ્ડિંગ ઊભી થઇ ગઇ. નેતાઓ, પ્રધાનો, આર્મી ઓફિસરો તેમજ અન્ય વગદારોએ સત્તાનો ભરપૂર દુરુપયોગ કરીને આ સ્થળે બનેલા આલીશાન ફ્લેટ સાવ મફતના ભાવે પોતાના સગાંઓ અને - બેનામી સોદાઓના માધ્યમથી - પોતાના નામે એલોટ કરાવી લીધા. આખી બિલ્ડિંગ ઊભી થઇ ગઇ અને લોકો રહેવા પણ આવી ગયા ત્યાં સુધી રાજ્યથી માંડીને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ઊંઘતાં રહ્યાં. સંરક્ષણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં સાકાર થયેલી આ ફ્લેટ માટે નૌસેના વિભાગનું નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ કે સરકારી મંજૂરી મેળવવાની પણ તેમણે દરકાર ન કરી. દલા તરવાડી જેવો તાલ હતો. કૌભાંડમાં સામેલ ઉચ્ચ સત્તાધિશો સત્તાના મદમાં એ હદે આંધળા થઇ ગયા હતા કે તેમને કાયદા-કાનૂનની તો કોઇ તમા જ નહોતી. પણ પાપનો ઘડો ફૂટ્યા વગર થોડો રહે?! કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના ધારાધોરણોનો ભંગ કરીને અને સૈન્ય સંકુલની પાસે જ ગેરકાયદે ચણી દેવાયેલી આ ઇમારતનું કૌભાંડ બહાર આવતાં જ મહારાષ્ટ્રની તત્કાલીન અશોક ચવાણ સરકાર પણ ધરાશાયી થઇ ગઇ. આ પછી ૨૦૧૧માં કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે આ બિલ્ડિંગ તોડી પાડવાનું નક્કી કર્યું તો સ્થાપિત હિતો મેદાનમાં આવી ગયાં. બિલ્ડિંગ બની જ ગયું છે તો તેને રેગ્યુલરાઇઝ કરી દેવાની બુલંદ માગણી પણ ઉઠી. બિલ્ડિંગના તમામ દસ્તાવેજો અને મંજૂરીઓ કાયદેસર મેળવવામાં આવ્યાં હોવાની દલીલે તો સ્થાનિક સત્તાધીશો તથા રાજ્ય સરકારના અધિકારીઓની સાંઠગાંઠને વધુ ખુલ્લી પાડી. છેવટે મુંબઇ હાઇ કોર્ટે છેવટે ભ્રષ્ટાચારના પ્રતીકરૂપ આ ૩૧ માળની બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ઇમારત તોડી પાડવાનો ખર્ચ પણ સોસાયટી પાસેથી વસૂલ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, કૌભાંડમાં સામેલ તમામ રાજકારણીઓ, પ્રધાનો અને અધિકારીઓ સામે દિવાની અને ફોજદારી મુકદ્દમા ચલાવવા પણ આદેશમાં જણાવ્યું છે. અલબત્ત, સુપ્રીમ કોર્ટમાં અપીલ માટે ૧૨ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ કેસમાં રજૂ થયેલા સજ્જડ પુરાવાઓ જોતાં લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં પણ રાહત મળવાની આશા ઓછી છે.
ગરબડ-ગોટાળા અને સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન પચાવી પાડવાનો આ કંઇ પહેલો કિસ્સો નથી. દેશના કોઇ પણ રાજ્યમાં નજર ફેરવશો તો આવા ઉદાહરણ નજરે પડશે જ. હા, બેઇમાનીના પાયા પર રચાયેલી ઇમારતને જમીનદોસ્ત કરાઇ હોવાના પુરાવા જવલ્લે જ જોવા મળશે. વહીવટી તંત્રની ખામી જ ભ્રષ્ટાચારને પંજો પસારવાની તક પૂરી પાડે છે. કોઇ ગરબડની ફરિયાદ થાય છે તો પણ નિયમોમાં એટલા છીંડા હોય છે કે ફાઇલ ફરતાં ફરતાં કોર્પોરેશન, ન્યાયાલય, ટ્રિબ્યુનલ, સરકારની પાસે પહોંચતા સુધીમાં ગેરકાયદે બાંધકામ પૂરું જ નથી થઇ ગયું હોતું, પણ જે તે વિભાગ પાસેથી સ્ટે પણ મેળવી લીધો હોય છે. હાઇ કોર્ટના ચુકાદાનો અમલ આદર્શ હાઉસિંગ સોસાયટી પ્રકરણમાં સામેલ ભ્રષ્ટાચારીઓ માટે તો બોધપાઠરૂપ બની જ રહેશે, પરંતુ તંત્ર માટેય સીમાચિહનરૂપ બની શકે છે. જેના આધારે રાજકારણીઓની સાંઠગાંઠથી વગર મંજૂરીએ, ભ્રષ્ટાચારના માધ્યમથી ઉભી થયેલી હજારો ઇમારતો સામે કાર્યવાહી કરવાનો માર્ગ ખુલ્લો થશે. રાજકારણ અને ભ્રષ્ટાચારની સાંઠગાંઠ તોડવા માટે બસ જરૂરી છે ન્યાયતંત્રની સતર્કતા.