ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સવા બે વર્ષના કાર્યકાળમાં જ હોદ્દો છોડવાની ઇચ્છા જાહેર કરી છે. તેમના આ આંચકાજનક નિર્ણયે એક નહીં, અનેક પ્રશ્નો સર્જયા છે. આ માટે તેમણે પોતાની વય ૭૫ વર્ષ થઇ રહ્યાનું જે કારણ આપ્યું છે તે ભાગ્યે જ ગળે ઉતરે તેવું છે. તેમના રાજીનામાનો ઔપચારિક સ્વીકાર કરી લેવાયો છે. આનંદીબહેને તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દસકા કરતાં પણ વધુ સમય વરિષ્ઠ પ્રધાન તરીકે સુપેરે કાર્યભાર સંભાળ્યો હતો. ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવી નરેન્દ્રભાઇએ વડા પ્રધાન પદે પ્રસ્થાન કર્યું ત્યારે પોતાના અનુગામી તરીકે આનંદીબહેન પર પસંદગી ઉતારી હતી. આવા આનંદીબહેને અચાનક જ કેમ રાજગાદી છોડવાની ઇચ્છા વ્યક્ત કરી? કારણ એક નહીં, અનેક છે.
પક્ષના નેતાઓ, પ્રધાનો, કાર્યકરો કબૂલે છે કે મુખ્ય પ્રધાન તરીકે આનંદીબહેને અત્યાર સુધીમાં ઘણી જ યોજનાઓ, પગલાં અને કાર્યક્રમોની જાહેરાત કરી છે. રાજીનામાની ઇચ્છા દર્શાવ્યા પૂર્વેના ૪૮ કલાકમાં જ તેમણે ૧૫ ઓગસ્ટથી ખાનગી વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિથી માંડીને રાજ્યના કર્મચારીઓ માટે સાતમા પગાર પંચનો અમલ અને પાટીદાર આંદોલન વેળા નોંધાયેલા ૯૦ ટકા પોલીસ કેસો પાછા ખેંચવા જેવી મહત્ત્વની જાહેરાતો કરી હતી. સવા બે વર્ષમાં એક લાખ કિલોમીટરથી વધુ અંતરની મુસાફરી કરીને તેમણે વહીવટી તંત્ર અને સંગઠનને ગતિશીલ કરવા માટે અથાગ મહેનત કરી હતી. આમ છતાં પણ તેમની કાર્યરીતિ, ગમા-અણગમા, અવિશ્વાસ, પરિવારપ્રેમ જેવા કારણે તેમને પદત્યાગ કરવા ફરજ પડી છે.
સરકાર - સંગઠનની જવાબદારી મુખ્ય પ્રધાનના શીરે વિશેષ હોય છે, પરંતુ તેમણે કેબિનેટ સાથીઓને કે સંગઠનના આગેવાનોને વિશ્વાસમાં લઇને સામૂહિક રીતે આગળ વધવાને બદલે પોતાની જ એક ધરી ઊભી કરી હતી જેથી પ્રધાનોમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જેમ કે, નાણાં પ્રધાન સૌરભ દલાલને રાજ્યના ઔદ્યોગિક વિકાસ પર નજર રાખવાની જવાબદારી સોંપાઇ છે, પણ વાઇબ્રન્ટ સમિટ માટેની કમિટીમાં તેમને સ્થાન જ નથી. ગૃહ મંત્રાલયથી માંડીને વહીવટી વિભાગ, ઉદ્યોગ, મહેસૂલ, શહેરી વિકાસ, આઇટી સહિતના મહત્ત્વના વિભાગો આનંદીબહેને પોતાને હસ્તક રાખ્યા હતા. તેમનો ઇરાદો અવશ્યપણે રાજ્યને વિકાસના પંથે દોડતું રાખવાનો જ હશે, પરંતુ આમ કરવામાં તેઓ એ વિસરી ગયા કે મેરુ સર કરવો હોય તો ભેરુનો સંગ આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. તમારે જેટલું ઊંચું લક્ષ્ય હાંસલ કરવું હોય એટલો જ તમારો પાયો વિશાળ હોવો જોઇએ.
સરકાર હોય કે પક્ષ, નેતાનું સહયોગીઓ સાથેનું સંકલન નબળું પડે કે તરત તેની વિપરિત અસર પક્ષના જનાધાર પર જોવા મળતી હોય છે. પક્ષનો પાયો સંકોચાઇ રહ્યો હોવાના સંકેત ગયા વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો. રાજ્યમાં લગભગ નિશ્ચેત અવસ્થામાં રહેલી કોંગ્રેસે - ભાજપની મતબેન્ક ગણાતા શહેરી વિસ્તારોમાં - ૩૧માંથી ૨૧ જિલ્લા પંચાયતો કબજે કરી. તાલુકા પંચાયતોની વાત કરીએ તો ૨૩૦માંથી ૧૧૦ જીતી લીધી. આ પછી સમયાંતરે પાટીદાર અનામત આંદોલન અને પછી દલિત અત્યાચારની ઘટનાના પગલે ઉઠેલો તીવ્ર આક્રોશ. પાટીદાર આંદોલનને વર્ષ પૂરું થવા આવ્યું છે, પણ અનામતની આગ આજેય લપકારા મારે છે. દલિત આક્રોશ શમવાના કોઇ સંકેત જણાતા નથી.
આનંદીબહેનના એકહથ્થુ શાસને પક્ષ અને સરકારમાં તો અસંતોષ વધાર્યો જ હતો, પરંતુ તેમના આ અભિગમે પક્ષમાં જૂથવાદને વધુ મજબૂત બનાવ્યો. આનંદીબહેન સામે પક્ષમાં જ કચવાટ વધ્યો. અસંતુષ્ટ નેતાઓ અને (તેમને હોદ્દા પરથી વિદાય અપાવવા તત્પર) વિરોધીઓને જાણે એક થવાનો સોનેરી મોકો મળ્યો. અને બધાએ એકસંપ થઇને સરકારને ભીંસમાં લેવાનું શરૂ કર્યું. માહોલ એવો સર્જાયો કે ભાજપે જે ગુજરાત મોડેલને દેશવાસીઓ સમક્ષ રજૂ કરીને લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યો હતો તેના વિકાસ સામે જ પ્રશ્નો ઉઠવા લાગ્યા. આ અને આવા બધા કારણોના પરિણામે આનંદીબહેનનું રાજીનામું લગભગ નિશ્ચિત જણાતું હતું. બસ સવાલ સમયનો હતો. અને આ સમય સોમવારે આવી ગયો.
પરંતુ શું આનંદીબહેનના અનુગામી, નવા સુકાની માટે રાહ આસાન છે? ના. મુખ્ય પ્રધાન પદની સ્પર્ધામાં એકથી વધુ નેતાઓ છે. જે કોઇ પણ નેતા રાજ્યની શાસનધૂરા સંભાળશે તેની સામે કપરા લક્ષ્યાંકો છે. સૌથી પહેલાં તો રાજ્યમાં નારાજ પાટીદારોને રાજી કરવાના છે, દલિતોનો આક્રોશ શમાવવાનો છે, રાજ્ય વિકાસમાર્ગે આગેકૂચ કરી રહ્યાની પ્રજાને અનુભૂતિ કરાવવાની છે તેમજ આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને વિજયપંથે દોરી જવાનો છે. અને હા, આ બધા કામ તેમણે સરકાર અને પક્ષમાં સક્રિય તમામ જૂથોને રાજી રાખીને કરવાના છે.