આસામમાં બોડો હિંસાએ ફરી માથું ઊંચક્યું છે. કોકરાજારમાં ત્રાટકેલા બોડો ઉગ્રવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪ નાગરિકો માર્યા ગયા છે અને બીજા કેટલાય ઘાયલ થયા છે. કોકરાજારમાં બોડો સમુદાયના લોકો માટે રચાયેલી સ્વાયત્ત કાઉન્સિલ કાર્યરત છે. બોડો સમુદાય માટે સ્વતંત્રતા ઇચ્છતા જુદા જુદા સંગઠનોમાંથી કેટલાંક શસ્ત્રો છોડીને શાંતિ પ્રક્રિયામાં સામેલ થયા છે. બોડો સમુદાયનો જ એક પક્ષ અગાઉ કોંગ્રેસ સરકારમાં ભાગીદાર હતો અને હવે સોનોવાલની ભાજપ સરકારમાં પણ જોડાયો છે, પરંતુ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડનો એક છૂટો પડેલો ફાંટો આજેય સશસ્ત્ર લડતના માર્ગે આઝાદી ઇચ્છે છે. આસામમાં ભાજપ સરકાર રચાયા પછીનો આ પહેલો મોટો હુમલો છે. સોનોવાલ સરકારની કસોટી અહીંથી શરૂ થાય છે. હવે કેન્દ્ર અને રાજ્ય - બંનેમાં ભાજપ સરકાર છે એટલે કેન્દ્ર દ્વારા રાજ્યને સ્ત્રોતોની ફાળવણીમાં અન્યાય થઇ રહ્યાની કે નીતિવિષયક બાબતોમાં ઉપેક્ષાની ફરિયાદો ચાલે તેમ નથી. કોઇએ એ ન ભૂલવું જોઇએ કે ઇશાન ભારતને સળગતું રાખવામાં ચીનને પણ રસ છે.
એક સમયે આસામના ઉગ્રવાદી બાંગ્લાદેશમાં ઘુસીને ત્યાં છુપાઇ જતા હતા, પરંતુ કેટલાક સમયથી બાંગ્લાદેશ પણ આ તત્વોની સાફસૂફીમાં ભારતને સહકાર આપી રહ્યું છે. મ્યાંમારે પણ ભારતવિરોધી અલગતાવાદીઓને નાથવામાં સહકાર આપ્યો છે. આ બધું દર્શાવે છે કે પડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો કેળવીને ઉગ્રવાદીઓ માટેના આશ્રયસ્થાનો ઘટાડવાનું આ પ્રદેશમાં શક્ય છે. તો બીજી તરફ, શાસકોએ પ્રાદેશિક સ્તરે પણ નિર્ણાયક પગલાં લેવા રહ્યાં. ઉગ્રવાદી સંગઠનોમાં જોડાયેલા યુવાનોને અલગતાવાદના માર્ગેથી પાછા વાળવા માટે રોજગારીની તકો સર્જવી પડશે. લોકોને અહેસાસ કરાવવો પડશે કે તેઓ ભારતનું અભિન્ન અંગ છે, અને સરકાર તેમના હિતોના જતન-સંવર્ધન માટે પણ એટલી જ ચિંતિત છે. શાસકોએ એ ન ભૂલવું જોઇએ કે ત્રણ દસકામાં ઇશાન ભારતમાં ઉગ્રવાદી હિંસામાં ૮ હજારથી વધુ લોકો માર્યા ગયાં છે. ભારતને વધુ માનવધન ગુમાવવું પોસાય તેમ નથી.