ઇરાન સાથે ઐતિહાસિક સમજૂતી

Thursday 09th April 2015 03:20 EDT
 

અમેરિકા સહિત વિશ્વના છ દેશો (ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન તથા જર્મની) અને ઇરાને ઐતિહાસિક સમજૂતીની દિશામાં ડગલું માંડ્યું છે. વચગાળાની આ સમજૂતી અનુસાર ઇરાન તેના અણુકાર્યક્રમો સીમિત રાખશે અને બદલામાં તેની વિરુદ્ધ લાદવામાં આવેલા પ્રતિબંધો દૂર થશે. અલબત્ત, અંતિમ સમજૂતીની રૂપરેખા ભલે જૂન સુધીમાં સ્પષ્ટ થવાની હોય, પણ બન્ને પક્ષકારો આ માટે સંમત થયા છે તેના પગલે લાંબા સમયથી પ્રવર્તતો સંશય અને ભયનો માહોલ ટાઢો પડશે તેમાં બેમત નથી. 

ઇરાન હંમેશા દાવો કરતું રહ્યું છે કે પોતાની ઊર્જા જરૂરતોને સંતોષવા માટે અણુકાર્યક્રમ આવશ્યક છે, પણ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઇએઇએ)ને તેના દાવામાં ક્યારેય ભરોસો પડ્યો નહોતો. યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ સતત ચાલુ રાખનાર ઇરાન અણુબોમ્બ બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયું હોવાનું મનાતું હતું. અધૂરામાં પૂરું, ઇરાને પોતાના અણુયંત્રો પર આઇએઇએના નેજામાં આંતરરાષ્ટ્રીય દેખરેખનો ઇનકાર કરી દેતાં આ શંકા વધુ દૃઢ બની હતી. છેવટે તેના પર ભારે આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા. યુનાઇટેડ નેશન્સ (યુએન), અમેરિકા અને યુરોપિયન દેશોના આકરા પ્રતિબંધોના કારણે તે લગભગ એકલુંઅટૂલું પડી ગયું હતું. લગભગ એક દસકાની રાજકીય હુંસાતુંસી બાદ યુએનના પાંચ સ્થાયી સભ્યો (અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા) અને જર્મની સાથે સધાયેલી સહમતીના પગલે ઇરાન પર લદાયેલા આર્થિક પ્રતિબંધો દૂર કરવાનો માર્ગ મોકળો થયો છે. આર્થિક પ્રતિબંધોથી ભીંસમાં મૂકાયેલા ઇરાનના નાગરિકો પણ આ સમજૂતીનું મહત્ત્વ સમજે છે આથી જ તો સમજૂતી પર સહમતીની ઘોષણા પછી તેમણે રસ્તાઓ પર નીકળી પડીને ખુશી મનાવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમને અમેરિકા અને ઇરાનના સંબંધોની દૃષ્ટિએ ઐતિહાસિક ગણાવવામાં આવે છે. જ્યારે વાસ્તવિક્તા એ છે કે સમજૂતીની અસર માત્ર દ્વિપક્ષીય સંબંધો પર જ નહીં, પરંતુ સમગ્ર પશ્ચિમ એશિયા પર પડી શકે છે. હાલ આ વિસ્તારમાં ભારે અંધાંધૂંધી પ્રવર્તે છે. હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે કટ્ટરવાદી ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સામેના જંગમાં ઇરાન અમેરિકાને કેટલો વધુ સાથ આપશે. (પડદા પાછળ સહયોગ જોઈ શકાય છે) તો સાથોસાથ એ પણ સ્પષ્ટ નથી કે અમેરિકા-ઇરાનના સુધરી રહેલા સંબંધોને સુન્ની આરબ દેશો કેવા દૃષ્ટિકોણથી મૂલવે છે? પરંતુ આ સમજૂતી ભારત માટે અવશ્ય આનંદનો અવસર છે. આ સમજૂતીથી ભારતને અનેક લાભ થશે. સમજૂતીથી ઇરાનને પોતાનું ક્રૂડ ઓઈલ ઈન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટ કરવાની પરવાનગી મળશે. આથી ખનિજ તેલોની કિંમતમાં ઘટાડો શરૂ થવાની શક્યતા છે. પ્રતિબંધોથી અલગથલગ પડી ગયેલું ઇરાન વિશ્વબિરાદરીમાં સામેલ થતાં ભારત માટે ઇરાનના માધ્યમથી મધ્ય એશિયા સુધી પહોંચવાનું સરળ બનશે. ભારત માટે - ઇરાનનો સાથસહકાર મેળવીને - અફઘાનિસ્તાન માટે નવી વ્યૂહરચના ઘડવાનું પણ શક્ય બનશે. આમ અમેરિકાના નેતૃત્વમાં વિશ્વના છ દેશો દ્વારા ઇરાન સાથે થયેલી સમજૂતી વિશ્વશાંતિ સહિત અનેક ક્ષેત્રે ઉપકારક સાબિત થવાના ઉજળા સંજોગો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter