ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ જીતનો જશ બધા ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના અધ્યક્ષ અમિત શાહને આપી રહ્યા હોય, પરંતુ ચૂંટણીમાં ધોબીપછાડ હારનો સામનો કરનાર કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી કે આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓને ભાજપની આ જીત ગળે ઉતરતી નથી. તેમના મતે ભાજપે વોટિંગ મશીનમાં ‘ગોઠવણ’ કરીને પ્રતિસ્પર્ધીઓને પરાસ્ત કર્યા છે.
ભારતમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ યોજાય છે ત્યારે ત્યારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) વિવાદના ચકડોળે ચઢે છે. નવાઇજનક તો એ છે કે ઇવીએમમાં ઘાલમેલનો આક્ષેપ ત્યારે જ થાય છે જ્યારે કોઇ નેતા કે તેના પક્ષનો કારમો પરાજય થાય છે. આ વખતે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ થઇ અને તેમાં પરાજયનો સામનો કરનારા પક્ષો હવે દોષનો ટોપલો ઇવીએમ પર ઢોળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સૂપડાં સાફ થઇ ગયા છે તો પંજાબમાં મતદારોએ આમ આદમી પાર્ટી (‘આપ’)ને સત્તાથી દૂર રાખીને કોંગ્રેસને શાસન સોંપ્યું છે. ઉત્તર પ્રદેશના ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં બસપા ત્રીજી મહત્ત્વની પ્રતિસ્પર્ધી હતી અને સરકારની રચનામાં તે નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવા અહેવાલો હતા. જ્યારે પંજાબમાં લગભગ તમામ એક્ઝિટ પોલના તારણો ‘આપ’ની સરકાર રચાય તેવા સંકેત આપતા હતા.
મતદારોએ બન્ને પક્ષના અરમાનો પર પાણી ફેરવી નાખ્યું હોવાથી હવે તેના નેતાઓ બેબૂનિયાદ આક્રોશ ઠાલવી રહ્યા છે. બસપાનાં વડાં માયાવતીનો આક્ષેપ છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ ઇવીએમમાં ઘાલમેલ કરીને જીત્યો છે. જો આવું ન હોય તો મુસ્લિમોની બહુમતી ધરાવતી બેઠકો પર ભાજપ જીતે જ કેમ? ચૂંટણી પંચ જો બેલેટ પેપરથી મતદાન કરાવે તો ભાજપ અવશ્ય હારી જાય. આ જ પ્રકારે ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે પંજાબમાં કોંગ્રેસ અને ભાજપે ઇવીએમમાં ચેડાં કરીને વિજય મેળવ્યો છે. જો આમ ન હોત તો એક્ઝિટ પોલમાં સત્તાની નજીક પહોંચેલી ‘આપ’ ૨૨ બેઠકોમાં જ સમેટાઇ જાય તેવું કેમ બને? કુછ તો ગરબડ હૈ... બન્ને નેતાઓએ આક્ષેપો તો ભરપુર કર્યા છે, પણ ઇવીએમમાં ઘાલમેલ થયાનો પુરાવો એકેય નથી આપ્યો.
એટલું જ નહીં, આ જ નેતાના પક્ષોએ ભૂતકાળમાં ઇવીએમ આ બન્ને નેતાઓ પરિણામ પૂર્વે એક્ઝિટ પોલના તારણોને ખોટા ઠરશે તેવી ભારપૂર્વક દલીલ કરી રહ્યા હતા. હવે તેમને એક્ઝિટ પોલના તારણો સ્વીકારવામાં વાંધો નથી.
સમય સાથે ભારતીય મતદારોની માનસિક્તામાં પરિવર્તન આવ્યું છે, પરંતુ નેતાઓની માનસિક્તા એ જ જૂનીપુરાણી રહી છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિજય મળે તો પોતાના નેતૃત્વને અને યોજનાઓને જશ આપવો, અને પરાજય મળે તો તરત બલિનો બકરો શોધવો. ભારતના રાજનેતાઓએ હાર પચાવતા શીખવાની જરૂર છે. ચૂંટણી જંગ હોય કે રમતગમતનું મેદાન - વિજેતા તો એક જ હોવાનો. ગમેતેટલા ઊંચા અવાજે બોલવાથી કે મનઘડંત આરોપો કરવાથી ખોટી વાત સાચી સાબિત થઇ જતી નથી.
ચૂંટણી પંચથી માંડીને આધુનિક ટેક્નોલોજીના નિષ્ણાતો એકથી વધુ વખત કહી ચૂક્યા છે - અને આજે પણ કહી રહ્યા છે - કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં ઘાલમેલ થવાની કોઇ શક્યતા નથી. સૌથી પહેલી વાત તો એ કે આ મશીનોને દેશની જરૂરત અનુસાર તૈયાર કરાયા છે. ઇવીએમના સોફ્ટવેર દેશની જાહેર ક્ષેત્રની બે કંપનીઓએ તૈયાર કર્યા છે. આમાં એ પ્રકારની ચીપ લગાવાઇ છે કે જે એક વખત ઉપયોગ થયા બાદ આપોઆપ જ નક્કામી થઇ જાય છે. આ મશીનો કોઇ વાયર કે અન્ય પ્રકારે અન્ય મશીન સાથે જોડાયેલા રહેતા ન હોવાથી તેમાં રેકોર્ડ થયેલો ડેટા ચોરી શકાય કે તેમાં ઘાલમેલ થવા સંભાવના નથી. વળી, મશીન અને તેના સોફ્ટવેર બનાવનારી ટીમ પણ સંપૂર્ણ અલગ હોય છે. મશીનની વહીવટી સુરક્ષાની વાત કરીએ તો આ મશીનોને સાચવવાથી માંડીને તેને મતદાન મથકે સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે. સમગ્ર વ્યવસ્થાની ત્રણ સ્તરે તપાસ થાય છે. અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ તમામ સ્તરે ચૂંટણીમાં ભાગ લઇ રહેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ હોય છે અને તેઓ જ સમગ્ર પ્રક્રિયાને પ્રમાણિત પણ કરતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી થાય છે. એટલું જ નહીં, અંતિમ તથા ત્રીજા તબક્કાની તપાસ મતદાનના દિવસે ઉમેદવાર કે તેના એજન્ટ સમક્ષ ૧૦૦ મતદાન કરીને મશીનમાં કોઇ ગરબડ નથી તેની ખાતરી કરાવાય છે. મતદાન બાદ ગણતરી સુધી મશીનોની સુરક્ષા સશસ્ત્ર સૈનિકો કરે છે. અને જે તે રાજકીય પક્ષના એજન્ટ પણ ચોવીસેય કલાક નજર રાખે છે. આ તમામ પ્રક્રિયા એ હદે પારદર્શક હોય છે કે તેમાં ઘાલમેલને કોઇ અવકાશ હોતો નથી. આથી જ ઇવીએમથી મતદાનની પદ્ધતિને જ્યારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે ત્યારે ત્યારે કોર્ટે પારદર્શી વ્યવસ્થા માટે ચૂંટણી પંચની પ્રશંસા કરી છે. રાજકીય પક્ષોએ આ તથ્યોને નજર સમક્ષ રાખીને પરાજયને પચાવતા શીખવું જોઇએ. તેઓ ઇવીએમ કે ચૂંટણી પદ્ધતિ સામે સવાલ ઉઠાવીને કેન્દ્રીય ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને તટસ્થતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આવું નકારાત્મક વલણ લોકતંત્રના હિતમાં નથી.