ઈસુના નવા વર્ષ ૨૦૧૯નું આગમન થઈ ગયું છે. દર નવા વર્ષે સંકલ્પો કરવાની એક પ્રથા બની છે. તેનું પાલન કે અમલ થતો નથી તે અલગ બાબત છે. આપણે આ નૂતન વર્ષે કેટલાક વિશેષ સંકલ્પ કરીએ અને તેનું પાલન કરવાના પ્રયાસ પણ અવશ્ય કરીએ. આ સંકલ્પ આપણે વ્યક્તિગત અને સમાજની દષ્ટિએ કરવાના છે. આપણા માટે યુકે કર્મભૂમિ છે તો ભારત જન્મભૂમિ છે. બંને આપણાં વતન છે. આપણે બંને દેશ તેમજ સમગ્ર વિશ્વના નાગરિકો પ્રત્યે સદ્ભાવ અને સોહાર્દની ભાવના કેળવીએ અને દેશના કાયદાઓનું પાલન કરીએ.
ભારતની જ વાત કરીએ તો આજકાલ દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે અને તેમાં કેવી રીતે રહી શકાય તેમ કહેવાની જાણે ફેશન ઉભી થઈ છે. થોડા સમય અગાઉ અભિનેતા આમીર ખાને આવો બળાપો કાઢ્યો હતો અને તાજેતરમાં જ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ આવી જ વાત કરીને શાંત જળમાં પથરો નાખવાની ચેષ્ટા કરી છે. એક વાત એ પણ સાચી છે કે દરેક નાગરિકને પોતાનો મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે પરંતુ, છૂટીછવાઈ ઘટનાઓને આપણે સાર્વત્રિક અથવા સર્વમાન્ય સિદ્ધાંત તરીકે ગણાવી ન શકીએ. તકલીફ એ છે કે આવી ચેષ્ટાને આપણે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય તરીકે ખપાવી દઈએ છીએ અને બીજા મતને અસહિષ્ણુતા તરીકે નિહાળીએ છીએ. જો ભારત અને ખાસ કરીને હિન્દુધર્મીઓ અસહિષ્ણુ જ હોત તો આટલા વિદેશી આક્રમણો અને ગુલામી સહન કરવાનો ઈતિહાસ રચાયો ન હોત. યુગોથી ભારતીય સમાજનો મુદ્રાલેખ જ ‘વસુધૈવ કુટુમ્બકમ્’નો અને ‘સર્વધર્મ સમભાવ’નો રહ્યો છે, જ્યાં અસહિષ્ણુતાને જરા પણ સ્થાન નથી.
આ બાબતે આપણે ભગવાન રામને અનુસરવાનું રહે છે, જેમણે રાજા તરીકે એક સામાન્ય પ્રજાજનના મંતવ્યને ધ્યાનમાં લઈને અગ્નિપરીક્ષામાંથી પાર ઉતરનારી પત્ની અને રાજરાણી સીતામાતાનો ત્યાગ કરી દીધો હતો. આપણે આટલી ઊંચી કક્ષાએ જઈ શકતા નથી તેમ છતાં, વ્યક્તિ અને સમાજમાં જેટલી અસહિષ્ણુતા, કટ્ટરવાદિતા હોય તેનો ત્યાગ કરવા આગળ વધીશું તેવો સંકલ્પ અવશ્ય કરી શકીએ. જો આ કરી શકીશું તો મહાત્મા ગાંધીના સ્વપ્નનું રામરાજ્ય સ્થાપવા તરફ એક કદમ આગળ વધ્યા ગણાઈશું.