ઉત્તર પ્રદેશમાં હોસ્પિટલ તંત્રની જીવલેણ નિષ્ક્રિયતા

Tuesday 15th August 2017 13:48 EDT
 

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કર્મભૂમિ ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં એક સપ્તાહમાં ૭૦થી વધુ બાળકોના અપમૃત્યુની ઘટનાથી સમગ્ર ભારત સ્તબ્ધ છે. બાળકોના પરિવારજનોનું આક્રંદ દેશભરમાં પડઘાઇ રહ્યું છે. જોકે આટલી કરુણ ઘટના છતાં રાજ્ય સરકાર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ગોરખપુરથી લઇને લખનઉ અને દિલ્હી સુધી હાહાકાર મચ્યો છે, પણ સરકાર જાત બચાવવાના કામે લાગી છે. મુખ્ય પ્રધાન ઘટનાના ચાર દિવસ બાદ હોસ્પિટલે પહોંચ્યા અને આકરી ટીકાનો સામનો કરી રહેલી સરકારને ક્લિન ચીટ આપી દીધી. હોસ્પિટલના વડાને સસ્પેન્ડ કર્યા ને જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપીને સંતોષ માન્યો છે. હોસ્પિટલને ઓક્સિજન સપ્લાય કરતી કંપનીએ ૬૯ લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી હોવાથી પુરવઠો અટકાવી દીધો હતો. કંપનીનો દાવો છે કે અનેક રિમાઇન્ડર છતાં સત્તાધિશોએ તેની વાત કાને ધરતા નહોતા. તંત્ર કહે છે કે બિલ પેમેન્ટની કામગીરી પ્રોસેસમાં હતી, તેને જલ્દી નાણાં ચૂકવાઇ જવાના હતા. એક વાત એવી પણ છે કે કંપની પાસેથી કમિશન પડાવવા બિલ પેમેન્ટ અટકાવાયું હતું. ઘટનાના કારણ અંગે ભલે જેટલા મોઢા એટલી વાતો હોય, પરંતુ એ હકીકત છે કે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૭૦થી વધુ માસૂમો મોતના મુખના હોમાઇ ગયા છે.
બાળકોના મૃત્યુ ઓક્સિજનના અભાવે જ થયા હોવાનું સ્પષ્ટ છે ત્યારે સરકાર જવાબદારીમાંથી છટકી કેવી રીતે શકે? બાળકોની મૃત્યુના દોષનો ટોપલો ગેસ સપ્લાયર કંપની કે હોસ્પિટલ મેનેજમેન્ટ પર નાખીને સરકાર છટકી શકે નહીં. રાજ્યના આરોગ્ય પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહનું નિવેદન તો પીડિત પરિવારોના ઘા પર મીઠું ભભરાવે તેવું છે. તેમના મતે હોસ્પિટલમાં રોજ સરેરાશ ૧૭થી ૧૮ દર્દી મૃત્યુ પામે છે. ઓગસ્ટમાં તો બાળકોના મૃત્યુનું પ્રમાણ વધુ જ હોય છે. મતલબ કે બાળકોના મૃત્યુ ઓક્સિજનના અભાવે નથી થયા. જો બાળકોના મૃત્યુ ઓક્સિજનના અભાવે નથી થયા તો પછી તપાસ પૂર્વે જ હોસ્પિટલના વડાને કેમ સસ્પેન્ડ કરી દેવાયા છે? હોસ્પિટલમાં ગેસ સપ્લાય કરતી કંપની પર દરોડાઓ કેમ પડાયા છે?
સ્પષ્ટ છે કે તંત્ર સક્રિય હોવાની છાપ ઉપસાવીને સરકારને લોકોના આક્રોશથી બચાવવાના આ હવાતિયા છે. સૌથી નવાઇજનક બાબત તો એ હતી કે ઘટનાના ૧૨ કલાક પછી પણ સરકારમાં બેઠેલા પ્રધાનોને કરુણાંતિકાની જાણકારી પણ નહોતી. અને સરકાર એવો આક્ષેપ કરી રહી છે કે મીડિયા મારીમચડીને ગેરમાર્ગે દોરતી માહિતી પ્રસારિત કરી રહ્યું છે. આ તો નિર્લજ્જતાની હદ જ છે.
મુખ્ય પ્રધાન પાંચ મહિનામાં ચાર વખત આ હોસ્પિટલની મુલાકાત લઇ ચૂક્યા છે. ઘટના બન્યાના થોડાક કલાકો પૂર્વે પણ તેઓ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા, છતાં આ કરુણાંતિકા સર્જાઇ છે. તો રાજ્યની બીજી હોસ્પિટલોની હાલત વિશે તો કલ્પના જ કરવી રહી. જે સરકારને પાંચ મહિના પહેલાં જ સબ કા સાથ, સબ કા વિકાસ માટે મત મળ્યો હોય તેની પાસેથી વિકાસની વાત તો ઠીક સહુ કોઇના જીવની સુરક્ષાની અપેક્ષા તો રાખી જ શકાયને?! યોગી સરકારને જેટલી પ્રચંડ બહુમતી મળી છે તેટલી જ લોકોની અપેક્ષાઓ પણ વધી છે. સૂત્રોથી ચૂંટણી જીતી શકાય છે, પણ સરકાર ચલાવવા તો વહીવટી ક્ષમતા-સજ્જતા પણ જોઇએ. આટલી શરમજનક ઘટનાની જવાબદારીનો દોષનો ટોપલો હોસ્પિટલના વડા પર નાખીને પોતાની લાજ બચાવવાનું સરકારનં પગલું શરમજનક છે, નિંદાજનક પણ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter