ભારતીય તિરંગો સાત દસકાથી દેશની આન-બાન-શાન બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના એક માત્ર (બંધારણીય) અપવાદને બાદ કરતાં તમામ રાજ્યોમાં તિરંગો ભારતીયતાનું ગૌરવ લહેરાવતો રહ્યો છે. રાષ્ટ્રીય ધ્વજની સમાંતરે બીજું કંઇ હોઇ શકે જ નહીં, પરંતુ કોણ જાણે કેમ કોંગ્રેસ શાસિત કર્ણાટક સરકારે રાષ્ટ્રીય ધ્વજની સાથે અલગથી રાજય ધ્વજ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. કોઇ રાજ્યના શાસકો આવું વિચારી શકે છે તે જ આંચકાજનક છે. મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાનો દાવો છે કે ભારતીય બંધારણમાં રાજ્યને પોતાનો ધ્વજ રાખવા મનાઇ ફરમાવતી કોઈ જોગવાઈ નથી. ટૂંકમાં રાજ્ય તરીકે કર્ણાટક પોતાનો અલગ ધ્વજ રાખી શકે છે, ફરકાવી શકે છે અને તેને સલામી પણ આપી શકે છે. આ દાવા સાથે કર્ણાટક સરકારે રાજ્યનો સ્વતંત્ર ધ્વજ બનાવવા માટે પેનલ પણ રચી નાખી છે. કર્ણાટકે આ પગલું ભરીને ભારતમાં અત્યાર સુધી ક્યારેય જોવા-જાણવા મળ્યું ન હોય તેવું ગતકડું કાઢ્યું છે.
કર્ણાટકની પ્રાદેશિક સંસ્કૃતિ સ્થાનિક ભાષામાં ‘કન્નડા નાડુ’ તરીકે ઓળખાય છે. આ સંસ્કૃતિના પ્રતીકરૂપે કન્નડ ચળવળકાર વીરાસેનાઇ રામમૂર્તિએ ૧૯૬૦માં લાલ-પીળા રંગનો એક ધ્વજ તૈયાર કર્યો હતો. બસ, ત્યારથી કન્નડ પ્રજા આ ધ્વજને પોતાની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક માને છે. સિદ્ધારામૈયા હવે આ ધ્વજને રાજ્ય ધ્વજનો કાનૂની દરજ્જો અપાવવાની વેતરણમાં છે. કર્ણાટકના કોંગ્રેસી ‘ગતકડાં’ના સમર્થકોની દલીલ છે કે એક સ્વતંત્ર દેશનું કોઇ રાજ્ય અલગ ધ્વજ માટે માગણી ઉઠાવે તો તેને ‘ભાગલાવાદી તત્વો દ્વારા દેશને તોડવાના પ્રયાસ તરીકે’ મૂલવવું જોઇએ નહીં. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ હોય છે, પોતાનો ઇતિહાસ હોય છે, પોતાની ઓળખ હોય છે. રાષ્ટ્રીય ધ્વજ દેશની ઓળખ પ્રતિબિંબિત કરે છે તેમ રાજ્યનો ધ્વજ પ્રાદેશિક ઓળખને ઉજાગર કરતો હોય છે. આઝાદી પૂર્વે અંગ્રેજ શાસનમાં દરેક રાજા અને નવાબને પોતાના રાજ્ય કે રિયાસત માટે પોતાનો અલગ ધ્વજ રાખવાની છૂટ હતી. જોકે આવી દલીલ કરનારા એ ભૂલી જાય છે કે આજે ભારત એક રાષ્ટ્ર છે, સ્વતંત્ર ઓળખ અને અસ્તિત્વ ધરાવતા જુદા જુદા ટુકડાઓમાં વહેંચાયેલો દેશ નહીં.
આજે સ્વતંત્ર ભારતમાં કોઇ રાજ્યનો ધ્વજ તિરંગાનો મુકાબલો કરી શકે નહીં. અહીં સવાલ એ નથી કે રાષ્ટ્રીય ધ્વજને સર્વોચ્ચ સન્માન આપીને રાજ્ય ધ્વજને થોડોક નીચે ફરકાવી શકાય કે નહીં. પરંતુ જ્યારે બંધારણે તિરંગાને માન્યતા આપી છે ત્યારે તેની ઉપર કે નીચે કે સમાંતરે બીજો કોઇ ધ્વજ ફરકાવી શકાય જ નહીં તે સહુએ સમજવું રહ્યું. વિશ્વના દરેક દેશમાં તેના રાષ્ટ્રીય ચિહનો સર્વોચ્ચ આદર, સન્માન પામતા હોય છે. ભારતમાં રાષ્ટ્રીય ગૌરવના પ્રતીકોનું કોઇ પણ પ્રકારે અપમાન ધી પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ ૧૯૭૧ અંતર્ગત ગંભીર ગુનો છે. આવું વર્તન અક્ષમ્ય અપરાધ ગણાય છે. આમ છતાં કર્ણાટકે રાજ્ય ધ્વજ માટે હિલચાલ શરૂ કરી છે.
પ્રાદેશિક સ્વાયત્તતાનો ઝંડો ઉપાડીને ફરતા વર્ગનો દાવો છે કે વિશ્વના કંઇ કેટલાય દેશો જેમ કે અમેરિકા, જર્મની, ઇથોપિયા, નાઇજીરિયા વગેરેમાં રાષ્ટ્રીય ધ્વજની સાથે સાથે દરેક રાજ્યનો પોતાનો ધ્વજ અસ્તિત્વમાં છે. છતાંય આ દેશોની અખંડિતતા અકબંધ છે ને? જોકે આવી વાતો કરતા લોકો ભૂલી જાય છે કે ભારત બહુસાંસ્કૃતિક, બહુભાષીય દેશ છે. ભારતમાં ભાષા, સંસ્કૃતિ, ભૌગોલિક રચના ક્ષેત્રે જોવા મળતું વૈવિધ્ય વિશ્વના બીજા કોઇ દેશમાં ભાગ્યે જ જોવા મળતું હશે. વળી, આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે ભારત સ્વાતંત્ર્યકાળથી જ એક રાષ્ટ્ર, એક ધ્વજની નીતિને અનુસરતું રહ્યું છે.
સિદ્ધારામૈયાનો દાવો છે કે તેઓ રાજ્ય ધ્વજ થકી પ્રાદેશિક સંસ્કૃતિને આગવી ઓળખ અપાવવા માગે છે, પરંતુ તેમના ઇરાદા વિશે અનિચ્છાએ પણ શંકા થઇ જાય તેવું છે. વિતેલા ચાર વર્ષના શાસનમાં ક્યારેય તેમણે ન તો આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો છે અને ન તો ભારત સરકાર સમક્ષ. હવે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે જ તેમણે રાજ્ય ધ્વજનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સમયગાળો જ કોઇને પણ તેમના ઇરાદા વિશે શંકા કરવા પ્રેરે છે. સિદ્ધારામૈયા રાજ્ય ધ્વજના મુદ્દા થકી ચૂંટણી વેળા મતદારોને આકર્ષવામાં કેટલા સફળ થાય છે એ તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો તેમણે આ મુદ્દો ઉઠાવીને વીંછીનો દાબડો ખોલી નાખ્યો છે.