ભારતના અનેક નાના-મોટા રાજ પરિવારોની જેમ આ ‘મહારાજા’ પણ આર્થિક કંગાલિયતનો સામનો કરી રહ્યા છે. આઝાદીવેળા આ રાજ પરિવારો અધધધ સંપત્તિમાં આળોટતાં હતાં. આજે તેમને અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ બન્યું છે. આવી જ હાલત ‘મહારાજા’ એર ઇંડિયાની છે. બંનેની કંગાળ હાલતનું કારણ એક જ છેઃ અણઘડ આર્થિક આયોજન. તમારે પાસે ગમેતેટલી સંપત્તિ કેમ ન હોય, આયોજન સુચારુ ન હોય તો બધું ફનાફાતિયા થઇ જાય. સરકારી માલિકીની એરલાઇન્સની પણ કંઇક આવી જ હાલત છે. એક સમયે એર ઇંડિયાના ‘મહારાજા’ની આકાશમાં આણ વર્તાતી હતી, આર્થિક સદ્ધરતા હતી, પણ સમય સાથે બધું બદલાયું. ઉદારીકરણનો યુગ તો આવ્યો, પણ સરકારી માનસિકતામાં ‘ઉદારીકરણ’ ન આવ્યું.
પરિણામે આજે એવા સંજોગો સર્જાયા છે કે એક સમયે દૂઝણી ગાય જેવી એર ઇંડિયાને ભારત સરકાર વેચી મારવા માટે તૈયાર થઇ ગઇ છે. કોઇ ખરીદદાર મળતો હોય તો સરકાર એર ઇંડિયાનો સોદો કરવા ઇચ્છતી હોવાની વાત નાણાં પ્રધાન અરુણ જેટલીએ કરી છે.
રાજકીય હસ્તક્ષેપ અને ગેરવહીવટની ખતરનાક ભેળસેળ જાહેર ક્ષેત્રની શ્રેષ્ઠ કંપનીઓને કઇ રીતે ખાડે ધકેલે છે તેની ઝલક એર-ઇંડિયાની દયનીય સ્થિતિમાં જોવા મળે છે. એક સમયે એર ઇંડિયાને શ્રેષ્ઠ સરકારી જાહેર સાહસોની યાદીમાં સ્થાન મળતું હતું. આજે ‘મહારાજા’ની હાલત બદતર છે કેમ કે એક પછી એક ઉડ્ડયન પ્રધાનો અને ચેરમેનોએ તેને પ્રોફેશનલ રીતે ચલાવવાને બદલે ખાનગી પેઢી હોય એ રીતે સંચાલન કર્યું. દૂરંદેશી વગરના મનઘડત નિર્ણયો લીધા. આડેધડ ભ્રષ્ટાચાર આદર્યાં. જેમ કે, સ્થાનિક કેરિયર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર, જથ્થાબંધ નવા વિમાનોની ખરીદીમાં વિલંબ, મેનેજમેન્ટ જાણે ખાનગી એરલાઇન્સ માટે કામ કરતું હોય તેમ કમાઉ દીકરા જેવા રૂટ બંધ કરવાના નિર્ણય (અમદાવાદ-લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટની વાત યાદ અપાવવી જરૂરી છે?) વગેરે જેવા કારણોસર એર ઇંડિયા પરનો આર્થિક બોજો વર્ષ - પ્રતિ વર્ષ વધતો જ ગયો.
એક સમયે ભારતના આકાશમાં રાજ કરતી એર ઇન્ડિયાનો બજાર હિસ્સો આજે ઘટીને ૧૪.૧ ટકા થઇ ગયો છે. ૫૦ હજાર કરોડ રૂપિયાનું જંગી દેવું છે. આ દેવાંનો તોતિંગ બોજા આખરે તો ભારત સરકારની કેડે જ આવે તેમ છે. સમય સાથે તાલ ન મિલાવી શકેલી એર ઇન્ડિયાને વેચી નાખવાની લાગણી-માગણી આજકાલથી નહીં, પણ વર્ષોથી વ્યક્ત થતી રહી છે. નાણાં પ્રધાને ખુદ કબૂલ્યું છે તેમ ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયી સરકાર વખતે પોતે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો હવાલો સંભાળતા હતા તે સમયે જ એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો તખતો તૈયાર થઇ ચૂક્યો હતો. જોકે પછી મામલો ક્યાં અટકી પડ્યો તે અંગે કોઇ મગનું નામ મરી પાડતું નથી. અલબત્ત, વાજપેયી સરકાર વેળાના સમય-સંજોગો અને આજની મોદી સરકારના સમય-સંજોગોમાં આભજમીનનું અંતર છે. આજે ભારત સરકાર પાસે સંપૂર્ણ બહુમતીની સાથોસાથ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ છે. સરકારનો અભિગમ સ્પષ્ટ છેઃ અર્થતંત્રને નક્કર પ્રગતિના પંથે દોરી જાય તેવો આર્થિક વિકાસ હાંસલ કરવો હશે તો સરકારી તિજોરી પરનો બિનજરૂરી નાણાંકીય બોજ ઘટાડવો પડશે અને ખોટના ખાડામાં પડેલા જાહેર સાહસોને કાં તો સ્વનિર્ભર બનાવવા પડશે અથવા તો વેચી નાખવા પડશે.
વર્ષ ૨૦૦૭-૦૮થી એર ઈન્ડિયાએ સતત ખોટ નોંધાવી છે. એપ્રિલ-૨૦૧૨માં સરકારે આ જાહેર સાહસને આર્થિક ટેકો પૂરો પાડવા નવ વર્ષના સમયગાળામાં ૩૦ હજાર કરોડ રૂપિયાની સહાય કરવાની યોજના બનાવી હતી. જોકે આમાંથી ૨૫ હજાર કરોડ રૂપિયા જેટલો મોટો હિસ્સો ખર્ચાઇ જવા છતાં હજી સુધી તેનો કોઈ લાભ દેખાતો નથી. આથી ઉલ્ટું એર ઈન્ડિયાને મળતો ટ્રાફિક ઘટી રહ્યો છે. અઢી દાયકા પહેલા ભારતનાં આકાશમાં રાજ કરનાર આ એરલાઇન ‘મહારાજા’માંથી રંક બની તેનો સાક્ષી આખો દેશ છે. જે ક્ષેત્રમાં સૌથી વધુ વ્યવસાયિક અભિગમની જરૂરત છે તેમાં સરકારનું રોકાણ જ ગેરવાજબી જણાય છે. માથે ૫૦ હજાર કરોડ રૂપિયાનું તોતિંગ દેવું ઉઠાવીને ચાલતી આ કંપનીને હવે નફાનાં રનવે ઉપર ટેકઓફ કરાવવું લગભગ અસંભવ બની ગયું છે. આ સંજોગોમાં સરકાર માટે એર ઇંડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને આગળ ધપાવવામાં ખાસ વિચારવાપણું નથી. એર ઇન્ડિયાને અલીગઢી તાળાં જ મારી દેવાં પડે તેના કરતાં તેનું ખાનગીકરણ થઇ જાય તો સારું છે, આખરે સરકારને કંઇક રકમ તો મળશે.
એક તરફ સરકારને શ્રેણીબદ્ધ વિકાસકાર્યો હાથ ધરવા માટે વિપુલ નાણાંકીય સ્રોતોની જરૂરત હોય અને બીજી તરફ ખાનગી કંપનીઓ પણ બજારની જરૂરત સંતોષવા માટે સક્ષમ હોય તો એવા ક્ષેત્રમાં સરકારી મૂડીરોકાણની કોઇ તાર્કિકતા રહેતી નથી. આમ છતાં સરકાર આવા ક્ષેત્રે નાણાં ઠાલવતી જ રહે તો તે કરદાતાઓનાં નાણાનો વેડફાટ જ ગણાશે. આ બાબત ધ્યાને રાખીને સરકારે એર ઈન્ડિયામાંથી વહેલામાં વહેલી તકે રોકાણ પાછું ખેંચવું જ જોઇએ અને ફાજલ પડેલા આ નાણાંનો ઉપયોગ વ્યાપક જનહિતલક્ષી વિકાસકાર્યોમાં થવો જોઇએ.