પાકિસ્તાનસ્થિત શીખ ધાર્મિક સ્થળ કરતારપુરની મુલાકાત લઈ શકાય તે માટેના ખાસ કોરિડોરનો શિલાન્યાસ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના હસ્તે કરવામાં આવ્યો છે. પંજાબના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ઉપરાંત, ભારત સરકારના બે પ્રધાન હરસિમરતકોર બાદલ અને હરદીપસિંહ પૂરીએ આ કાર્યક્રમાં હાજરી આપી હતી. ભારત તરફથી પણ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સહિતના મહાનુભાવોના હસ્તે ભારતીય સીમામાં શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ કોરિડોર આગામી વર્ષમાં તૈયાર થઈ જશે તેમ મનાય છે. ભારત અને પાકિસ્તાનની પ્રજાઓ વચ્ચે સંપર્ક સર્જાય તે માટે આ સારું પગલું છે પરંતુ, તેનો વિવાદ ઉભો કરવો તે સારું નથી.
જોકે, કોઈ પણ પ્રસંગ હોય પાકિસ્તાની નેતાઓ વિવાદ સર્જવામાં પાછા પડતા નથી. કરતારપુર શિલાન્યાસ સમયે પણ આમ જ થયું છે. ઈમરાન ખાને ભારત સાથે શાંતિ અને કાશ્મીર વિવાદના ઉકેલના પ્રયાસનો રાગ એકસાથે આલાપ્યો હતો. તેમણે ફ્રાન્સ અને જર્મની વચ્ચે મિત્રતા થઈ શકતી હોય તો પાકિસ્તાન અને ભારત વચ્ચે શા માટે નહિ તેવો પ્રશ્ન ઉભો કર્યો હતો. ઈમરાન ખાને સમજવું જોઈએ કે ફ્રાન્સ અને જર્મનીમાં અલગ રાજસત્તાઓ હતી, જેમની વચ્ચે સતત યુદ્ધો થતાં હતા. તેમની વચ્ચે આશરે ૧૦૦૦ વર્ષ જૂની દુશ્મનાવટનો ઈતિહાસ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સ્થિતિ ન હતી. અખંડ ભારતનું વિભાજન મોહમ્મદઅલી ઝીણાની જીદના કારણે ધર્મના ધોરણે કરવામાં આવ્યું હતું.
ઈમરાન ખાને વધુમાં એમ જણાવ્યું છે કે ભારત સાથે મધુર સંબંધો બાંધવામાં તેમની સરકાર, આર્મી અને પાકિસ્તાનના બધા રાજકીય પક્ષો એકસમાન વલણ ધરાવે છે અને બહાર આતંકવાદ ફેલાવવાના થાણા બનવાનું તેમના દેશના હિતમાં નથી. જો ઈમરાન આ સમજતા હોય તો ભારતવિરોધી ઝેર ઓકતા આતંકવાદી હાફીઝ સઈદને ક્લીન ચીટ શા માટે અપાય છે. સઈદ અંગે તો તેઓ કહે છે કે તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લદાયો છે અને આ બધા પ્રશ્નો કે સમસ્યા મને વારસામાં મળેલાં છે. એક જ શ્વાસમાં ખાને કહ્યું હતું કે જો માનવી ચંદ્ર પર ડગ માંડી શકતો હોય તો આપણે ઉકેલી ન શકીએ તેવી કોઈ સમસ્યા જ નથી. જો તેઓ આમ માનતા જ હોય તો સમસ્યાઓ વારસામાં મળી છે કે ભારત એક પગલું ભરશે તો હું બે પગલાં ભરીશના ઠાલાં ગાણાં ગાવાનો અને રોદણાં રોવાનો કોઈ અર્થ ખરો?
ભારતના સંબંધો નેપાળ, શ્રી લંકા કે માલદીવ્ઝ જેવાં પડોશીઓ સાથે સારા જ છે. પાકિસ્તાન સાથેના સંબંધો શા માટે સારા નથી તે સમગ્ર વિશ્વ જાણે છે. માત્ર સારી સ્પીચ આપવાથી સંબંધો સુધરી જતા નથી. ઈમરાન ખાને સત્તા સંભાળ્યા પછી ત્રાસવાદની તાલીમ, જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કે પાકિસ્તાની સૈન્યની ગોળાબારી ઘટી નથી. પાકિસ્તાન ખાલિસ્તાનવાદીઓ પંજાબમાં અશાંતિ સર્જે તે માટેના પ્રયાસો કરી રહ્યું છે અને કોરિડોર સમારોહમાં આતંકી હાફિઝ સઈદનો સહયોગી અને ખાલિસ્તાની અલગાવવાદી નેતા ગોપાલ ચાવલાની હાજરી તેનો પુરાવો છે. ચાવલા પાકિસ્તાની આર્મી ચીફ કમર બાજવા સાથે હાથ મિલાવતા જોવા મળ્યો હતો. ભારત-પાકના સત્તાવાર સમારંભમાં તેની ઉપસ્થિતિ શા માટે ન અટકાવાઈ તેનો કોઈ ખુલાસો હજુ આવ્યો નથી.
ખાસ તો પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીના નિવેદને પણ ભારે વિવાદ સર્જ્યો છે. ઈમરાન સરકારને ૧૦૦ દિવસ પૂર્ણ થયા નિમિત્તે એક કાર્યક્રમમાં કુરેશીએ કરતારપૂર કોરિડોરમાં ભારત સરકારના બે પ્રધાનોની ઉપસ્થિતિને ભારતને ફસાવવા ઈમરાન ખાને નાખેલા ગૂગલી બોલનું પરિણામ હોવા સાથે સાંકળી હતી. તેમણે દાવો કર્યો હતો કે અત્યાર સુધી પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર ન થનારા ભારતે વડા પ્રધાન ખાનના ગૂગલીના કારણે બે પ્રધાનોને કરતારપૂર મોકલવા પડ્યા હતા. હકીકત તો એ છે કે ભારતીય પ્રધાનોને દેશના શીખબંધુઓની ધાર્મિક લાગણીને માન આપવા પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. તેમાં કોઈ શાંતિવાર્તા કે વાટાઘાટોનો એજન્ડા જ ન હતો. આથી જ, ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે કુરેશીના વક્તવ્ય વિશે સ્પષ્ટતા કરવા ઈમરાન ખાનને જણાવ્યું છે.
બીજી તરફ, ઈમરાન ખાને ભારતીય રાજકારણમાં વિવાદ સર્જી શકે તેવું નિવેદન આપ્યું છે કે તેઓ ભારતની સાથે વાતચીત થઈ શકે તે માટે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીની રાહ જોવા પણ તૈયાર છે. ખરેખર તો ઈમરાને સમજવું જોઈએ કે ભારતમાં સરકાર કોઈ પણ હોય વિદેશનીતિ સાતત્યપૂર્ણ રહી છે. દરેક સરકારોએ સ્પષ્ટ કહ્યું જ છે કે પાકિસ્તાન આતંકવાદ સાથે છેડો ન ફાડે ત્યાં સુધી તેની સાથે અર્થપૂર્ણ વાટાઘાટો શક્ય નથી. મોદી સરકારની પણ આ જ નીતિ છે. ઈમરાને તો મજાકમાં એમ પણ કહી દીધું કે બે દેશો મિત્ર બને તે માટે નવજોત સિદ્ધુ ભારતના વડા પ્રધાન બને ત્યાં સુધી રાહ જોવી નહિ પડે તેવી આશા રાખું છું. વાસ્તવિકતા તો એ છે કે જ્યાં સુધી ત્રાસવાદ પાકિસ્તાનની વિદેશનીતિનું કેન્દ્ર બની રહેશે ત્યાં સુધી તો બંને દેશ વચ્ચે સંબંધ સુધરવાની આશા કે શક્યતા નથી. આ માટે તો આપણે એટલું જ કહી શકીએ કે કૂતરાની પૂંછડી ગમે તેટલા વર્ષ જમીનમાં દાટી રાખો તો પણ તે વાંકી જ રહેવાની!
પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલા કરતારપુરમાં પ્રથમ શીખગુરુ નાનકસાહિબે બે દાયકા વીતાવ્યા હતા અને અહીં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના સ્મરણાર્થે ગુરુદ્વારા દરબાર સાહિબનું નિર્માણ કરાયું હતું. ભારતીયો આ ધર્મસ્થળની મુલાકાત લઈ શકે તે માટે લાંબા સમયથી કરાયેલી માગણીનો પાકિસ્તાન દ્વારા અત્યાર સુધી રચનાત્મક પ્રતિસાદ અપાયો ન હતો. હવે આ કોરિડોરના નિર્માણથી શ્રદ્ધાળુઓ પાસપોર્ટ કે વિઝા વિના ગુરુદ્વારાને માથુ ટેકવી એક દિવસમાં પરત ફરી શકશે. ભારતના પંજાબના ડેરા બાબા નાનક ટાઉનથી કરતારપુર વચ્ચે અંદાજે ચાર કિ.મી.નું અંતર છે. કરતારપુર કોરિડોરના પગલે જમ્મુ-અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં શારદાપીઠ માર્ગને પણ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકાય તે દિશામાં પ્રયાસ કરવાની માગણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે કાશ્મીરી પંડિતોએ તેમને મળીને વડા પ્રધાન સાથે આ મુદ્દો ઉઠાવવા જણાવ્યું હતું.