કર્ણાટકના કોંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ વીરશૈવ-લિંગાયત પંથને હિન્દુઓથી અલગ ધર્મનો દરજ્જો આપીને વિવાદનો મધપૂડો છેડ્યો છે. વિધાનસભા ચૂંટણી માથે મંડરાઇ રહી છે ત્યારે કોંગ્રેસ સરકારે લિંગાયતોની મતબેન્ક મજબૂત બનાવવા આ દાવ ખેલ્યો છે. લિંગાયત પંથના કેટલાક ફિરકાઓ લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવાની વર્ષોથી માગણી કરી રહ્યા હતા.
રાજકારણીઓને ક્યારેય ધર્મ પ્રત્યે આસ્થા હોતી જ નથી. તેમને તો બસ પોતાની મતબેન્ક મજબૂત કરવામાં જ રસ હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કર્ણાટક સરકારનો આ નિર્ણય છે. લિંગાયત સમાજની વસ્તી મુખ્યત્વે દક્ષિણ ભારતમાં છે અને કર્ણાટકમાં આ સમુદાયનો ભારે પ્રભાવ છે. રાજ્યની વસતીમાં લગભગ ૧૮ ટકા લિંગાયત હોવાથી દરેક ચૂંટણીમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગણ અને આંધ્ર પ્રદેશમાં પણ લિંગાયતોની નોંધપાત્ર સંખ્યા છે. આમ કર્ણાટકમાં સત્તાના સૂત્રો હાંસલ કરવા તત્પર ભાજપ મતદારો અને ખાસ તો લિંગાયત સમુદાયને સંદેશ આપવા માંગતો હતો કે આગામી મુખ્ય પ્રધાન પણ ઉત્તર કર્ણાટકથી હશે. જોકે લિંગાયતને અલગ ધર્મની માન્યતા આપી શાસક કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે.
સિદ્ધારામૈયા જાણે છે કે સત્તાના સિંહાસન સુધી પહોંચવું હોય તો લિંગાયતોનું સમર્થન અનિવાર્ય છે. ૮૦ના દશકાના પ્રારંભે રામકૃષ્ણ હેગડેએ લિંગાયત સમાજનો વિશ્વાસ જીત્યો અને રાજ્યની શાસનધુરા સંભાળી. હેગડેના નિધન પછી બી. એસ. યેદિયુરપ્પા લિંગાયતોના નેતા બન્યા. ૨૦૧૩માં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ભાજપે યેદિયુરપ્પાને મુખ્ય પ્રધાન પદેથી હટાવ્યાં તો નારાજ લિંગાયત સમાજે ભાજપને મત ન આપ્યા. પરિણામે કોંગ્રેસ ફરી સત્તામાં આવી. હવે ભાજપ ફરી લિંગાયત નેતા યેદિયુરપ્પાના નેતૃત્વમાં ચૂંટણી જંગ જીતવા ધારે છે. લિંગાયતો વર્ષોથી ભાજપના સમર્થક રહ્યા છે, અને કોંગ્રેસ તેમને તોડીને પોતાના પક્ષે કરવા માગે છે. આથી સિદ્ધારામૈયાએ ડિસેમ્બર ૨૦૧૭માં વિદ્વાનોની સમિતી રચી. લિંગાયત પંથને અલગ ધર્મનો દરજ્જો આપવા મુદ્દે અભિપ્રાય માંગ્યો. ઇચ્છિત અભિપ્રાય મેળવ્યો ને ગણતરીના દિવસોમાં નિર્ણય પણ લેવાઇ ગયો.
આ સમુદાયના લોકો લિંગ એટલે કે શિવના ઉપાસક છે હોવાથી લિંગાયત તરીકે ઓળખાય છે. અલબત્ત, લિંગાયત સમુદાય શિવની પૂજા નથી કરતો, પરંતુ શરીર પર ઈષ્ટલિંગ ધારણ કરે છે. તે ઈંડાના આકારની બોલ જેવી આકૃતિ હોય છે જેને તેઓ દોરાથી શરીર પર બાંધે છે. લિંગાયત આ ઈષ્ટલિંગને આંતરિક ચેતનાનું પ્રતિક માને છે. ભાજપના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર યેદીયુરપ્પા સહિતના ઘણા નેતા લિંગાયત પંથના છે. લિંગાયત સમાજ સૈકાઓ પહેલાં હિંદુ વૈદિક ધર્મનું જ પાલન કરતો હતો, પરંતુ કેટલાંક કુરિવાજોને દૂર કરવા અને સમાજને તેનાથી બચાવવા ૧૨મી સદીમાં સમાજ-સુધારક સંત બસવન્નાએ લિંગાયત સંપ્રદાય સ્થાપ્યો હતો. ભગવાન બસવેશ્વરા તરીકે પણ પૂજાતા અને બ્રાહ્મણ કુળમાં જન્મેલા એ સંત જ્ઞાતિ-જાતિ પ્રથાના વિરોધી હતા. તેમને મૂર્તિપૂજા ઉપરાંત પરંપરાગત પૂજાવિધી પણ માન્ય નહોતી. તેઓ જ્ઞાતિપ્રથા નાબૂદી અને નારીશક્તિ સન્માનના આજીવન હિમાયતી રહ્યા હતા. આવા ક્રાંતિકારી સંતે શરૂ કરેલા લિંગાયત સંપ્રદાયમાં ઘણા પેટા પંથ છે. તેમાંનો એક ફાંટો વીરશૈવ છે.
અલબત્ત, વીરશૈવ અને લિંગાયત એક હોવાની પ્રચલિત માન્યતા સાથે લિંગાયત લોકોનો એક સમૂહ સહમત નથી. તેમના મતે વીરશૈવ સંપ્રદાયનું અસ્તિત્વ સમાજસુધારક બસવન્નાના પૂર્વેથી છે. આ વિરોધાભાસના કારણો પણ છે. વીરશૈવ ભગવાન શિવની પૂજા કરે છે. વીરશૈવ ફિરકાના લોકો અનેક હિન્દુ વિધિ અનુસરે છે જે સંત બસવન્નાએ માન્ય રાખી નથી. આ ફિરકાના લોકો લાંબા સમયથી લિંગાયત માટે લઘુમતીનો દરજ્જા માગતા હતા. જોકે તેમને હિન્દુ સમુદાયનો એક હિસ્સો ગણીને માગણી નકારાતી હતી. આ જ કારણસર ૨૦૧૩માં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કેન્દ્રની યુપીએ સરકાર અને તે પૂર્વે કર્ણાટક હાઇ કોર્ટે લિંગાયતને હિંદુઓથી અલગ ગણવાનો ઇન્કાર કર્યો હતો.
રાજકારણના ખંધા ખેલાડી સિદ્ધારામૈયાએ ઘણા સમય પહેલાથી જ લોકલાગણી ઉશ્કેરવાનું શરૂ કરી દીધું હતું. જેમ કે, કર્ણાટક ગૌરવને જાગ્રત કરવાના નામે રાજ્યનો અલગ રાષ્ટ્રધ્વજ તૈયાર કરાવીને ભારત સરકારને મંજૂરી માટે મોકલ્યો છે. આ જ પ્રકારે પત્રકાર ગૌરી લંકેશ હત્યાકેસમાં લાંબા સમય સુધી કંઇ કાર્યવાહી ન કર્યા બાદ હવે ચૂંટણી માથે છે ત્યારે કથિત હત્યારાઓને પકડ્યા છે. જેથી મુદ્દો મતદાન સુધી ચર્ચામાં રહે. આ ગૌરી લંકેશ પણ લિંગાયત સમુદાયનાં હતાં. હવે સિદ્ધારામૈયાએ લિંગાયતોને મુખ્ય હિન્દુ પ્રવાહથી અલગ કર્યા છે.
ભાજપે આ નિર્ણયને આકરા શબ્દોમાં વખોડતાં આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ સમાજને તોડવાનું કામ કરે છે. બેંગ્લૂરુના સાંસદ અને મોદી સરકારમાં સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારે તો સિદ્ધારામૈયાને આધુનિક યુગના રોબર્ટ ક્લાઇવ ગણાવ્યા છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે પ્રકારે ક્લાઇવે ૧૭૫૭માં ઇસ્ટ ઇંડિયા કંપનીનો ભારતમાં પાયો મજબૂત બનાવવા ભાગલા પાડો, રાજ કરોની નીતિ અપનાવી હતી તેવું જ સિદ્ધારામૈયા કરી રહ્યા છે, પણ તેમનો આ નિર્ણય બૂમરેંગ સાબિત થવાનો છે. સિદ્ધારામૈયા અને કોંગ્રેસને આ નિર્ણય કેવો ફળે છે એ તો ૧૫ મેના રોજ ચૂંટણી પરિણામ વખતે ખબર પડી જ જશે, પણ અત્યારે તો મત માટેની લાયમાં સિદ્ધારામૈયા અને કોંગ્રેસે હિન્દુ ધર્મના ભાગલા પાડી નાખ્યા છે તે હકીકત છે.