ભારતમાં હવે ૧૨ વર્ષથી નાના બાળકો સાથે દુષ્કર્મ આચરનાર હેવાનોને મૃત્યુદંડ જેવી કઠોર સજાની જોગવાઇ અમલી બની છે. બળાત્કારીઓને આકરી સજાની જોગવાઇ ધરાવતા આ વટહુકમને શનિવારે મોદી સરકારે બહાલી આપી ને બીજા દિવસે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી દીધી. અગાઉ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (‘પોક્સો’) એક્ટ અંતર્ગત આવા કેસમાં દોષિતોને ઓછામાં ઓછી ૧૦ વર્ષ કેદની સજા હતી. હવે ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ ૨૦૧૮ અંતર્ગત માસુમો પર જાતીય જુલ્મ ગુજારવાના કેસમાં દોષિતોને ઓછામાં ઓછી ૨૦ વર્ષની કેદથી માંડીને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઇ થઇ છે. આરોપી આગોતરા જામીન પણ નહીં મેળવી શકે.
૧૨ વર્ષથી નાની વયના બાળકો પર બળાત્કાર કે તેમની જાતીય સતામણીના કિસ્સાઓમાં આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવવાની માગણી કરતી એક અરજી સર્વોચ્ચ અદાલતમાં થઇ હતી. દિલ્હીમાં ૨૮ વર્ષના પિતરાઇ ભાઇએ માત્ર આઠ મહિનાની બાળકી પર દુષ્કર્મ આચર્યું તે સંદર્ભમાં આ અરજી થઇ હતી. છેલ્લા કેટલાક અરસામાં દેશના વિવિધ ભાગમાં માસૂમ બાળાઓ સાથે બનેલી ઘટનાઓએ ભારતીયોને હચમચાવી નાખ્યા છે. કઠુઆ (જમ્મુ-કાશ્મીર)માં આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ અને હત્યાની ઘટના બની છે તો દક્ષિણ ગુજરાતના સુરતમાં ૧૧ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેને રહેંસી નંખાયાના સમાચાર છે. મોદી કેબિનેટે દુષ્કર્મીઓને મૃત્યુદંડની સજા ફરમાવતા વટહુકમને બહાલી આપી લગભગ તે જ કલાકોમાં એક યુવાને માત્ર ચાર મહિનાની બાળકી પર દુષ્કર્મ ગુજારીને હત્યા કર્યાના સમાચાર આવ્યા હતા. આ તમામ ઘટનાઓમાં માસુમ બાળાઓ પર હત્યા પૂર્વે એવા એવા અત્યાચાર ગુજારાયા છે કે જે સાંભળીને ગમેતેવો પથ્થરદિલ ઇન્સાન પણ ખળભળી ઉઠે.
બાળકો પરના જાતીય અત્યાચારો વાસના અને વિકૃતિની પરાકાષ્ટા સમાન હોય છે. આવું કૃત્ય કરનારા માણસને તો હેવાન સાથે જ સરખાવી શકાય. છતાં કડવી હકીકત એ છે કે બહુ ઓછી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. બાળવિકાસ માટે કામ કરતી સંસ્થાઓથી માંડીને કાયદો-વ્યવસ્થાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના મતે બાળકો સાથે જાતીય દુર્વ્યવહારના જેટલા કિસ્સા બહાર આવે છે તેના કરતાં ઘણા વધુ કિસ્સા પોલીસ સુધી પહોંચતા જ નથી. બાળકો પરના જાતીય અત્યાચારમાં મોટા ભાગે સ્વજન કે અન્ય પરિચિત વ્યક્તિની સંડોવણી જ બહાર આવતી હોય છે.
પાટનગર દિલ્હીમાં નિર્ભયાકાંડ બન્યો ત્યારે પણ ભારતમાં આજના જેવો જ આક્રોશ પ્રવર્તતો હતો. લોકો રસ્તા પર ઉતરી પડ્યા હતા, અને ધરણાં-વિરોધ પ્રદર્શન થકી તેમની નારાજગીને વાચા આપી હતી. શાસકોએ સમાજ માટે લાંછનરૂપ આવી ઘટનામાં સંડોવાયેલા નરાધમો સામે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારી હતી. આપણે જોઇએ છીએ કે ના તો આવી ઘટના ઓછી થઇ છે કે ના તો કેસોની સુનાવણી ઝડપી બની છે. વર્ષ ૨૦૧૬માં ભારતમાં ૬૪,૧૩૮ બાળકી પર જાતીય દુષ્કર્મ થયું હતું, પરંતુ સજા માત્ર ત્રણ ટકા દોષિતોને થઇ છે. આ શું દર્શાવે છે? ગુનાહિત માનસ ધરાવતા લોકોને કાયદાનો કોઇ ડર નથી અને નઠારા તત્વો કાનૂની માયાજાળનો ગેરલાભ ઉઠાવતા રહે છે. સરકારે તો કાનૂની જોગવાઇ વધુ આકરી બનાવવા માટે કામ કર્યું, હવે સંબંધિત વિભાગોએ પોતાની જવાબદારી અસરકારક રીતે નિભાવવી રહી.
કઠુઆ હોય કે દેશનો કોઇ અન્ય ભાગ, આવા કિસ્સામાં રાજકીય રોટલા શેકાવાનું બંધ થવું જોઇએ. બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિ અને તેના પરિજનો આમ પણ તીવ્ર વેદના અને વ્યથા અનુભવતા હોય છે આવા સમયે શાસક-વિપક્ષે આક્ષેપ - પ્રતિઆક્ષેપથી દૂર રહેવું જોઇએ. તેમનું એકમાત્ર લક્ષ્ય પીડિતા અને તેના પરિવારજનોને શક્ય તેટલો વહેલો ન્યાય અપાવવાનું હોવું જોઇએ. એટલું જ નહીં, રાજકીય નેતાગીરીએ તેમની ભાષા પર પણ સંયમ રાખવો રહ્યો. કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારનું તાજેતરનું નિવેદન બેજવાબદારીભર્યું છે. ભારત જેવા મોટા દેશમાં એકાદ-બે દુષ્કર્મના કિસ્સા તો બનતા રહે, તેમાં હોબાળો ન મચાવવો જોઇએ... ગંગવારના આ શબ્દો આપણા માનવંતા નેતાઓની સંવેદનશીલતા દર્શાવે છે. નેતાઓથી માંડીને સમાજે આવી ઘટનાઓ પ્રત્યે તેની માનસિક્તા પણ બદલવી રહી. અન્યથા ગમેતેટલા આકરા કાયદા નિરર્થક જ સાબિત થશે.