ભારત સરકારે કાશ્મીર મુદ્દે એક અત્યંત સકારાત્મક જાહેરાત કરી છે. કાશ્મીરમાં શાંતિ સ્થાપવા ફરી એક વખત મંત્રણાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. સરકારે મંત્રણા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના પૂર્વ વડા દિનેશ્વર શર્માને પ્રતિનિધિ નિયુક્ત કર્યા છે. શર્મા જ નક્કી કરશે કે અલગતાવાદીઓ સાથે ચર્ચા કરવી છે કે નહીં. વાતચીત માટે સમયમર્યાદા પણ નક્કી કરાઇ નથી. એક વર્ગ ભારત સરકારના આ નિર્ણયને મોડું મોડું પરંતુ આવકાર્ય પગલું ગણાવી રહ્યા છે, તો વળી બીજા વર્ગને આશંકા છે કે મંત્રણા સફળ બનાવવા સરકારને આતંકવાદીઓ સામે નરમ વલણ અપનાવવા ફરજ પડી શકે છે. જોકે વીતેલા સપ્તાહો-મહિનાઓનો ઘટનાક્રમ સરકારના વિલંબને વાજબી ઠેરવવાની સાથોસાથ તમામ શંકા-કુશંકાનો છેદ ઉડાડી દે છે. શ્રેણીબદ્ધ પગલાં દર્શાવે છે કે સરકાર લાંબા સમયથી આ માટે પૂર્વતૈયારી કરતી હતી.
મંત્રણાની જાહેરાતના આગલા દિવસે - ૨૪ ઓક્ટોબરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનનના વડા સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ શાહિત યુસુફની ૨૦૧૧ના હવાલા ફંડિંગ કેસમાં ધરપકડ કરાઇ છે. આ પછી બીજા પુત્ર મુઇદ યુસુફના ઘરે દરોડા પડ્યા. ૨૫ ઓક્ટોબરે અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાનીના વિશ્વાસુ દેવેન્દ્ર સિંહ સામે કેસ નોંધાયો. સુરક્ષા દળો કેટલાક દિવસોમાં આતંકવાદીઓના અડ્ડા પર તૂટી પડ્યા છે. કાશ્મીરમાં સક્રિય ૧૫ ટોચના આતંકવાદીને એક વર્ષમાં વીણી વીણીને ઠાર મરાયા છે. ૨૬ ઓક્ટોબરે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીને કાશ્મીર પેકેજના અમલની કામગીરી વધુ ઝડપી બનાવવા જણાવ્યું છે. એક તરફ ઇંડિયન આર્મીમાં ૨૦૦ કાશ્મીરી યુવાનોને સામેલ કરાયા છે તો બીજી તરફ, રાજ્યમાં ધરણાં-વિરોધ પ્રદર્શન વેળા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ પાંચ વર્ષ કેદ અને દંડની જોગવાઇ લાગુ કરાઇ છે. સ્પષ્ટ છે કે પથ્થરબાજોને ધ્યાનમાં રાખીને આ કાનૂની જોગવાઇ કરાઇ છે.
આ પગલાં દર્શાવે છે કે કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ કે અલગતાવાદીઓ સામે કોઇ ઢીલાશ દાખવાશે નહીં. સાથોસાથ વિકાસ યોજના અને વડા પ્રધાને જાહેર કરેલા કાશ્મીર પેકેજને ઝડપભેર લાગુ કરવાના પ્રયાસો તો ચાલુ જ રહેશે. આમ સ્પષ્ટ થાય છે કે કાશ્મીર મુદ્દે અપનાવાયેલી વ્યૂહાત્મક રણનીતિના ભાગરૂપે મંત્રણાની આ પ્રક્રિયા શરૂ કરાઇ છે.
રાજનાથ સિંહે મંત્રણાની જાહેરાત કરતાં ચર્ચાનો દોર સત્વરે શરૂ થવાનો અને કાશ્મીરી યુવા પેઢી પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની વાત કરી છે. કાશ્મીરમાં છેલ્લા ત્રણ દસકાથી અશાંતિનો ચરુ ઉકળી રહ્યો છે. હજારો લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે અને અસંખ્ય પંડિત પરિવારોને પહેર્યા કપડે ઘરબાર છોડીને વિસ્થાપિત થવું પડ્યું છે. અલગતાવાદીઓએ સર્જેલા આતંકના માહોલથી ધરતી પરના સ્વર્ગની હાલત નરક જેવી બની છે. એક સમયે હજારો-લાખો પર્યટકોની અવરજવરથી ધમધમતી રહેતી કાશ્મીર ખીણ આજે સૂની પડી છે. દલ લેકમાં ખામોશ ઉભેલા શિકારા પ્રવાસ-પ્રયર્ટન પર જ આજીવિકા રળતી કાશ્મીરી પ્રજાની બદહાલી દર્શાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર વિકાસ કાર્યોમાં અન્ય રાજ્યો કરતાં પાછળ હોવાથી સ્થાનિક યુવા પેઢીને પોતાનું ભાવિ ધૂંધળું જણાઇ રહ્યું છે. આ સંજોગોમાં મંત્રણાનો માર્ગ ફરી ખોલવાનો સરકારનો નિર્ણય કાશ્મીરીઓ માટે આશાનો સંચાર કરે તેવો છે.
શર્મા આઇબીના વડા તરીકે કાશ્મીરમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચૂક્યા હોવાથી અહીંના સંજોગોથી તેમજ ભૂતકાળમાં મંત્રણા વેળા આવેલા અવરોધોથી પણ વાકેફ છે. પ્રવર્તમાન માહોલ જોતાં મંત્રણામાં રાજકીય પક્ષો અને અલગતાવાદીઓના બદલે આમ પ્રજાજનોને, તેમનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને મહત્ત્વ અપાય તે વધુ જરૂરી છે. રાજકીય પક્ષો અને અલગતાવાદીઓ ક્યારેય પોતાનો સ્વાર્થ છોડીને આગળ વધી શકવાના નથી. પોતાના હિતોને નુકસાન થઇ રહ્યું છે તેવું લાગશે કે તરત જ તેઓ મંત્રણાને ખોરંભે પાડવાના કામે લાગી જશે. બીજી તરફ એ પણ હકીકત છે કે કાશ્મીરમાં આતંકવાદથી સૌથી વધુ નુકસાન, પીડા પ્રજાએ જ ભોગવ્યા છે. આ બધું જોતાં યુવા પેઢીને વિશ્વાસમાં લઇને મંત્રણાને કોઇ તાર્કિક અંત સુધી પહોંચાડી શકાય તેમ છે.