કાશ્મીર ખીણમાં છાશવારે નાના-મોટા હુમલા કરીને નિર્દોષ નાગરિકોથી માંડીને સુરક્ષા દળના જવાનોનું લોહી વહાવતા રહેલા આતંકવાદીઓને હવે ભાગવું ભારે પડી રહ્યું છે. આતંકનો સફાયો કરવાના મનસૂબા સાથે ભારતીય સુરક્ષા દળોએ આક્રમક અભિગમ અપનાવ્યો છે. છેલ્લા એક વર્ષમાં જુદા જુદા આતંકી સંગઠનોના પાંચ ટોચના ત્રાસવાદી સહિત ૧૨૦થી વધુ આતંકવાદીનો વીણી-વીણીને સફાયો કરી નંખાયો છે. ઈંડિયન આર્મી, પેરામિલિટરી ફોર્સ અને સ્ટેટ પોલીસે ખીણ પ્રદેશમાં સક્રિય ૨૫૮ આતંકવાદીઓની યાદી તૈયાર કરીને ‘ઓપરેશન ઓલઆઉટ’ શરૂ કર્યું છે તેના પરિણામ જોવા મળી રહ્યા છે.
સુરક્ષા દળોએ ગયા સપ્તાહે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના હાકિરપોરા ગામે એક ઓપરેશન હાથ ધરીને લશ્કરે-તોયબાના ટોચના કમાન્ડર અને પાકિસ્તાની નાગરિક અબુ દુજાના સહિત બે આતંકીને ઠાર માર્યા છે. એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલો દુજાના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં હતો અને તેના માથા સાટે ૧૦ લાખ રૂપિયાનું ઇનામ હતું. છેલ્લા આઠ વર્ષથી કાશ્મીર પ્રદેશમાં સક્રિય દુજાના સુરક્ષા દળો પરના અનેક હુમલાઓમાં સીધો સંડોવાયેલો હતો. તેની સામે આતંકી હુમલા ઉપરાંત બેન્ક લૂંટ સહિતના ૨૦ જેટલા કેસો નોંધાયેલા હતા. સાત કલાક ચાલેલા આ ઓપરેશનમાં અન્ય એક ટોચનો આતંકી આરીફ લેલહારી પણ ઠાર મરાયો છે. ભારતીય સુરક્ષા દળોએ ગયા વર્ષના અંત ભાગમાં હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીને તો ત્રણેક મહિના પૂર્વે - બુરહાન વાનીનું સ્થાન લેનાર - સબ્જાર ભટ્ટને ઠાર કર્યો હતો. એમ કહેવાય છે કે બુરહાન વાની અને ભટ્ટ કરતાં પણ અબુ દુજાના વધુ ખૂંખાર હતો. તે અલ કાયદાના આતંકી જાકિર મુસાના ઇશારે ત્રાસવાદી હુમલા કરતો હતો.
છેલ્લા કેટલાક સમયથી આતંકવાદીઓએ સ્થાનિક પોલીસને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત સુરક્ષા દળો સામે ધરણાં - વિરોધ પ્રદર્શન અને પથ્થરમારાની ઘટનાઓમાં પણ તીવ્ર વધારો નોંધાયો હતો. અલગતાવાદીઓના ઇશારે છાશવારે લોકો રસ્તા પર ઉતરી પડતાં હતાં અને તેની આડમાં આતંકવાદીઓને નાસી છૂટવાનો મોકો મળી જતો હતો. આ તમામ ઘટનાઓની તપાસના છેડાં ખીણ પ્રદેશમાં સક્રિય આતંકવાદીઓ સુધી પહોંચતા હતા. આ પછી સ્થાનિક પોલીસ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત બનાવાયું. તેનું પરિણામ એટલે દુજાના જેવા આતંકીઓનો સફાયો, અને સરદહપારથી થતી ઘૂસણખોરીમાં ઘટાડો. સોમવારે જ સુરક્ષા દળોએ કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં પાંચ પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યા છે. જ્યારે પુલવામાના સમ્બુરામાં લશ્કરે-તૈયબા સાથે સંકળાયેલા અબૂ ઈસ્માઇલ ગ્રૂપના એક આતંકીને ઠાર કર્યો છે.
‘ઓપરેશન ઓલઆઉટ’ની સફળતાના મૂળમાં સ્થાનિક પોલીસ અને ગુપ્તચર તંત્રનું પાયામાં યોગદાન છે. આ એક આવકારદાયક બાબત હોવા છતાં સ્થાનિક પ્રજાનો આતંકવાદી તત્વો પ્રત્યેનો ઝૂકાવ ચિંતાજનક ગણી શકાય. સુરક્ષા દળો સામેના વિરોધ પ્રદર્શનમાં, પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો જરૂર થયો છે, પણ આવી ઘટનાઓ સાવ બંધ થઇ નથી. દુજાના સામેની કાર્યવાહી વેળા પણ સ્થાનિક લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને તેમની કામગીરી અવરોધવા પ્રયાસ કર્યો હતો. સ્થિતિ એટલી સ્ફોટક અને નાજુક બની હતી કે ટિયરગેસ અને પેલેટ ગનના ઉપયોગ છતાં ટોળું ન વિખેરાતાં છેવટે જવાનોએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક નાગરિકનું મૃત્યુ થયું હતું અને છને ઇજા થઇ હતી. આવી ઘટનાઓ સુરક્ષા દળો અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ રચવામાં અવરોધક બની રહી છે. જે સુરક્ષા દળો પ્રજાના જાનમાલની સુરક્ષા માટે આતંકવાદીઓ સામે લડી રહ્યા છે તેમને પ્રજાજનો (અલગતાવાદીઓથી દોરવાઇને) પોતાના દુશ્મનો માની રહ્યા છે. આ પરિસ્થિતિના નિવારવા માટે સરકારે આતંકવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી આક્રમક બનાવવાની સાથોસાથ સ્થાનિક પ્રજાજનો સાથેના સંપર્કો મજબૂત બનાવવાની દિશામાં પણ નક્કર પગલાં ભરવાની જરૂર છે.