કાશ્મીરમાં સક્રિય રાષ્ટ્રવિરોધીઓ પ્રત્યે નરમાશ કેવી?

Tuesday 04th April 2017 12:41 EDT
 

જમ્મુ અને કાશ્મીરમાં ખીણ પ્રદેશમાં વધુ એક વખત અશાંતિનો માહોલ સર્જાયો છે, અને આવા માહોલ દરમિયાન - છેલ્લા કેટલાક સમયથી બનતું રહ્યું છે તેમ - ફરી એક વખત સુરક્ષા દળોની પેલેટ ગન સમાચારોમાં ચમકી છે. અલબત્ત, આ વખતે સુપ્રીમ કોર્ટના એક સૂચનના કારણે પેલેટ ગન ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે સૂચવ્યું છે કે કાશ્મીર ખીણમાં તોફાની પ્રદર્શનકારીઓને અંકુશમાં રાખવા માટે સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતી પેલેટ ગનનો વિકલ્પ શોધવો જોઇએ, જેથી કોઇને ગંભીર શારીરિક નુકસાન ન પહોંચે. માનવીય દૃષ્ટિકોણથી વિચારતાં સર્વોચ્ચ અદાલતનું આ સૂચન ચોક્કસ આવકાર્ય છે, પરંતુ આ કિસ્સામાં આંધળે બહેરું કુટાઇ રહ્યું હોય તેવી છાપ ઉપસે છે. વિરોધ પ્રદર્શનકારી કંઇ સામાન્ય દેખાવકારો નથી. તેઓ તેમની નાની-મોટી માગણી મંજૂર કરાવવા રસ્તા પર ઉતરી પડ્યા છે તેવુંય નથી. કાશ્મીર ખીણમાં પેલેટ ગનનો ઉપયોગ એવા લોકો સામે થઇ રહ્યો છે, જેઓ સુરક્ષા દળો પર પથ્થરમારો કરી તેમની કામગીરી અવરોધી રહ્યા છે. પથ્થરમારો કરી અશાંતિ ઉભી કરવાનું એક અને એકમાત્ર કારણ એ હોય છે કે આતંકવાદીઓને ભાગવાનો મોકો મળી રહે.
ભારતની સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધિશો એક યા બીજા સમયે, એક યા બીજા કેસની સુનાવણી વેળા એવો મત દર્શાવી ચૂક્યા છે કે લોકતંત્રમાં સહુને શાંતિપૂર્વક વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ કાશ્મીરમાં થઇ રહેલો વિરોધ ‘શાંતિપૂર્ણ’ તો નથી જ, રાષ્ટ્રવિરોધી પણ છે. સુરક્ષા દળો દ્વારા પેલેટ ગનના ઉપયોગથી કેટલાય બાળકોને ઇજા થવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી છે, પરંતુ કોર્ટે આ બાબત ધ્યાને લેતી વખતે આ ટીનેજર્સ કોણ છે અને સુરક્ષા દળો પર પથ્થરમારો કેમ કરી રહ્યા છે તેના કારણો પણ ધ્યાને લેવા જોઇએ. એટલું જ નહીં, કોર્ટે એ પણ જાણવું જોઇએ કે આ ટીનેજર્સ કોની ઉશ્કેરણીથી પથ્થરમારો કરી રહ્યા છે?
ગયા સપ્તાહે ખાનગી ટીવી ન્યૂઝ ચેનલ પર દર્શાવાયેલા સ્ટિંગ ઓપરેશનના ક્લિપિંગ્સમાં બહુ ચોંકાવનારી હકીકત રજૂ થઇ હતી. જેમાં કેટલાક કાશ્મીરી યુવાનોને એવું કહેતા દર્શાવાયા છે કે ખીણ પ્રદેશમાં અશાંત માહોલ દરમિયાન તેઓ સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને તગડી કમાણી કરી લે છે. આ પથ્થરબાજોને નાણાં કોણ આપે છે? સ્વાભાવિક છે કે દેશપ્રેમી લોકો તો નહીં જ આપતા હોય. સુરક્ષા દળોની તપાસમાં પણ બહાર આવ્યું છે કે જ્યારે જ્યારે ચોક્કસ બાતમીના આધારે આતંકીઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધરાય છે ત્યારે ત્યારે યુવાનોનાં ટોળાં પથ્થરમારો કરવા રસ્તા પર ઉતરી પડે છે, અને આતંકવાદીઓને નાસવાનો મોકો મળી જાય છે.
છેલ્લા એક જ સપ્તાહમાં સુરક્ષા દળો પર એકથી વધુ વખત પથ્થરમારાની ઘટનાઓ બની છે, ક્યાંક આતંકવાદીઓ નાસવામાં સફળ પણ રહ્યા છે અને સુરક્ષા દળો પર બે દિવસમાં બે વખત આતંકી હુમલા થયા છે. આ ઘટનાક્રમોની હારમાળાને એકબીજા સાથે સાંકળીને જોવામાં આવે તો ગંભીર અને ચિંતાજનક ચિત્ર ઉભું થાય છે. કાશ્મીર ખીણ પ્રદેશમાં ભારત-વિરોધી પરિબળો વધુ સક્રિય થયાનો આ સંકેત છે.
પેલેટ ગનનો અસરકારક વિકલ્પ શોધવાના તર્ક સામે ભારત સરકારે પણ પોતાની પણ દલીલો રજૂ કરી છે. સરકારનું કહેવું છે કે દિલ્હીમાં બેસીને કાશ્મીર ખીણમાં પ્રવર્તમાન સ્થિતિનો અંદાજ લગાવી શકાય નહીં. સરકારે એવો પણ મુદ્દો ભારપૂર્વક રજૂ કર્યો છે કે સુરક્ષા દળો ક્યા શસ્ત્રો વડે લડે તે મામલે કોર્ટ હસ્તક્ષેપ ન કરવો જોઇએ.
સુરક્ષા દળ પર હુમલા કરનારાઓને શું સામાન્ય દેખાવકારો માનવા જોઇએ? આ મુદ્દા પર અગાઉ પણ એક કરતાં વધુ વખત દલીલ થઇ ચૂકી છે. દેખાવકારો એ હોય છે કે જે પોતાની માગણીના સમર્થનમાં ધરણાં-પ્રદર્શન કરે છે. આવા પ્રદર્શનકારીઓને ઈજા ન પહોંચે તે જોવાની જવાબદારી સરકારની છે. પરંતુ દેશની અખંડિતતા, કાયદો-વ્યવસ્થાના રક્ષણ માટે તૈનાત સુરક્ષા દળો પર પથ્થરમારો કરનારાઓને પ્રદર્શનકારી માનવા જોઇએ? મૂછનો દોરો માંડ ફૂટ્યો હોય તેવો ટીનેજર જ્યારે કોઇની ચઢામણીથી પ્રેરાઇને સુરક્ષા દળો પર હુમલા કરતા રહે તો શું તેઓ માર ખાતા રહે? આ સવાલોના જવાબ શોધ્યા વગર પેલેટ ગનનો ઉપયોગ કરવા - ના કરવાના મુદ્દે ચર્ચા અયોગ્ય છે. આ બહુ જ સંવેદનશીલ મુદ્દો છે અને ભારત સરકારની સાથે સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ગંભીરતા સમજવી જોઇએ. પડોશી દેશમાંથી, સીમા પારથી આવેલા આતંકવાદીઓ છાશવારે ભારતીય સુરક્ષા દળો પર હુમલા કરતા રહે છે. આવા આતંકવાદીઓને સાથ આપનારા અલગતાવાદીઓ સાથે શા માટે નરમ વલણ દાખવવું જોઇએ? ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરનારાઓ કે દેશની આન-બાન-શાન સમા તિરંગાને સળગાવનારાઓની સામે આકરું વલણ દાખવું જ રહ્યું. રાષ્ટ્રવિરોધી પરિબળોને તે વળી કેવા માનવાધિકારો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ અને કાશ્મીરને જોડતી એશિયાની સૌથી લાંબી ચેનાની-નાશરી ટનલનું લોકાર્પણ કરતાં યોગ્ય જ હાકલ કરી છે કે કાશ્મીરી યુવાનોએ ટેરરિઝમ છોડીને ટુરિઝમ અપનાવું જોઇએ. અલગતાવાદના અવળા રવાડે ચઢેલી કાશ્મીરી યુવા પેઢીએ સમજવું રહ્યું કે રાજ્યમાં ટુરિઝમ ઉદ્યોગ વિકસે, વિસ્તરે અને કાશ્મીર
‘ધરતી પરના સ્વર્ગ’ની તેની ઓળખ પુનઃ હાંસલ કરે તેમાં જ તેમનું અને તેમના પરિવારજનોનું હિત સચવાયેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter