અલગતાવાદના આતંકનો ભોગ બનીને વર્ષોથી વિસ્થાપિત જીવન વીતાવી રહેલા કાશ્મીરી પંડિતો માટે વતનમાં આશાનું કિરણ ઊગ્યું છે. દસકાઓથી કાશ્મીરમાં અલગતાવાદી ચળવળનું નેતૃત્વ કરી રહેલી ઓલ પાર્ટી હુર્રિયત કાઉન્સિલના ઉદારવાદી જૂથે કાશ્મીરી પંડિતોની વતન-વાપસીનું સમર્થન કર્યું છે. તેમનું માનવું છે કે પંડિતો કાશ્મીર ખીણ પ્રદેશની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. જૂથના પ્રમુખ મીરવાઇઝ ઉમર ફારુકનું કહેવું છે કે કાશ્મીર મુદ્દો અને કાશ્મીરી પંડિતોની ઘરવાપસીને એકમેક સાથે કોઇ નિસ્બત જ નથી. કાશ્મીર મુદ્દાના ઉકેલમાં ભલે ગમેતેટલો સમય લાગે, એ પ્રશ્ન ઉકેલાય ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો કાશ્મીરી પંડિતોના પુનરાગમન માટે પ્રયાસો શરૂ થઇ જવા જોઇએ. તેમનું તો ત્યાં સુધી કહેવું છે કે સહુ કોઇએ સાથે મળીને એવા પગલાં લેવા જોઇએ કે જેથી પંડિત પરિવારોને પણ અહેસાસ થાય કે કાશ્મીરનો બહુમતી મુસ્લિમ સમુદાય તેમનું પુનરાગમન ઇચ્છે છે.
કાશ્મીરી પંડિતોને પહેર્યા કપડે ખીણ પ્રદેશ છોડી જવો પડ્યો તેનું મુખ્ય નિમિત્ત ગણાતી અલગતાવાદી ચળવળમાં સામેલ ટોચના નેતાના આ શબ્દો છે. પંડિત પરિવારોનો એક વર્ગ - મીરવાઇઝના આ શબ્દોને - કાગડો રામ બોલ્યો જેવા ગણાવી રહ્યો છે તો બીજા વર્ગનું માનવું છે કે મીરવાઇઝના શબ્દોમાં ભરોસો મૂકીને આવશ્યક પગલાં લેવા જોઇએ.
કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ નામંજૂર કરનારી હુર્રિયત કાઉન્સિલે આટલાં વર્ષોમાં પહેલી વાર કાશ્મીરી પંડિતોના ખીણ પ્રદેશમાં પુન: વસવાટ માટે મંત્રણાની ઓફર કરી છે. મીરવાઇઝના શબ્દો આ મુદ્દે તેમની ગંભીરતા દર્શાવે છે. તેમણે પંડિતોના પુનરાગમન માટે કરેલા સૂચનો નજરઅંદાજ થઇ શકે તેવા નથી. મીરવાઇઝનું કહેવું છે કે હુર્રિયત કાઉન્સિલ, જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) અને પંડિતોએ સાથે બેસીને મંત્રણા કરવી જોઇએ અને પંડિત પરિવારોના ખીણમાં પુનરાગમન આડે કઇ કઇ અડચણો છે તે રજૂ કરવી જોઇએ. મીરવાઇઝને આજે આટલા વર્ષે સમજાયું છે કે પંડિતો વગર કાશ્મીર અધૂરું છે, તેઓ ખીણ પ્રદેશની અભિન્ન સંસ્કૃતિ છે.
પરંતુ પંડિત પરિવારોના દિલોદિમાગમાં છવાયેલા ખૌફનું શું? અઢી દસકા પૂર્વે ભયાનક અમાનુષી અત્યાચારનો ભોગ બનીને ખીણ છોડી ચૂકેલા પંડિતો આ ઓફર સ્વીકારવા અંગે ખચકાટ અનુભવે તે બહુ સહજ છે. બહુમતી પંડિત પરિવારોએ ઘરબાર અને જમીન-જાયદાદ તો વતન છોડ્યું ત્યારે જ ગુમાવી દીધા છે. હવે તેમના માટે જિંદગીની સલામતી સૌથી મોટી ચિંતા છે.
કાશ્મીરમાં પાકિસ્તાનતરફી તત્વોએ પગદંડો જમાવ્યો છે. ખીણ પ્રદેશમાં છાશવારે પાકિસ્તાની ઝંડા ફરકે છે અને ક્યારેક ક્યારેક આઇએસના ઝંડા પણ ફરકતા દેખાય જાય છે. આ તોફાની તત્વો શાંતિને પલિતો ચાંપવાની તાકમાં જ હોય છે. નાની-અમસ્તી ઘટના બની નથી કે તેઓ રસ્તા પર ઉતરી પડે છે. આવા પાક. સમર્થિત કટ્ટરવાદી તત્વો પંડિત પરિવારોનું સ્વાગત બંદૂકો અને ગ્રેનેડોથી જ કરશે એ નક્કી છે. કાશ્મીર મુદ્દાને સતત સળગતો રાખવા ઇચ્છતા આવા પરિબળો મીરવાઇઝ કે તેના જેવા ઉદારવાદી નેતાઓની લાગણી-માગણીને કેટલી ધ્યાને લેશે તે સવાલ છે. તો બીજી તરફ, પંડિતોને ચુસ્ત સુરક્ષા પૂરી પાડી શકવાની મહેબુબા મુફ્તી સરકારની ક્ષમતા પર પણ કોઇ ભરોસો મૂકી શકાય તેમ નથી. ભારતીય સૈન્યે અનેક જવાનોનું બલિદાન આપીને કાશ્મીરનું જતન કર્યું છે તે સાચું, પણ હજારો પરિવારોનો સહીસલામત વસવાટ માત્ર લશ્કરી કાર્યવાહીથી શક્ય નથી. પંડિતોના પુનઃ વસવાટ માટે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સુમેળ અનિવાર્ય છે.
મીરવાઇઝ પણ પંડિતોના મનમાં છવાયેલા ડર, આશંકાથી વાકેફ છે, અને આથી જ તેમણે સૂચવ્યું છે કે આને દૂર કરવાનો સૌથી અકસીર ઉપાય આમ પ્રજાજનો વચ્ચે વ્યક્તિગત સંપર્ક વધારવાનો છે. તેમની વાત ઘણા અંશે સાચી પણ છે. વીતેલા પખવાડિયે તુલમુલ અને ગંદરબાલમાં યોજાયેલા બે પારંપરિક કાર્યક્રમોમાં હજારો પંડિતો અને સ્થાનિક પ્રજાજનો ઉમટી પડ્યા હતા. મિલન-મુલાકાતનો આ સિલસિલો ચાલુ રહ્યો તો જતેદહાડે નિરાશ્રિત પંડિતો માટે સારા દિવસો આવી શકે છે. દસકાઓના દંશ રાતોરાત નાબૂદ નથી થતા એ સાચું, પણ એ દંશને દૂઝતાં રાખવામાં પણ કોઇ સાર નથી એ પણ એટલું સાચું છે.
કાશ્મીરી પંડિતોની જીવનક્ષિતિજે ઉગેલું આશાનું કિરણ કેવો અને કેટલો પ્રકાશ પાથરશે અને તેમનું જીવન કેટલું ઉજાળશે એ તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો અનિશ્ચિતતાના કાળાડિબાંગ વાદળોની કોરે દેખાતા ઉજાસને તમામ રાજકીય પક્ષોએ મતભેદો ભૂલીને એક અવાજે વધાવી લે તેમાં જ પંડિત પરિવારો અને દેશનું હિત સમાયેલું છે.