જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ ગૃહમાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરીને કાશ્મીરી પંડિતોને ઘરવાપસી માટે અપીલ કરી છે. કાશ્મીરી પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા શાસક અને વિપક્ષના સભ્યોએ વિધાનસભા ગૃહમાં એક અવાજે (એક અપક્ષને બાદ કરતાં) કાશ્મીરી હિન્દુઓના હિતની વાત કરી છે તેની સહુ કોઇએ નોંધ લેવી જ રહી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ એ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રયાસ ખરેખર બહુ જ સારો છે, પરંતુ માત્ર પ્રસ્તાવ પસાર કરી દેવાથી ખીણપ્રદેશમાં પંડિત પરિવારો પુનઃવસન માટે આવી પહોંચશે તે માની લેવું જરા વધુ પડતું જણાય છે. કારણ સ્પષ્ટ છે, અને સહુ કોઇ જાણે પણ છે. લગભગ ૨૭ વર્ષ પહેલાં, દોઢ લાખથી વધુ કાશ્મીરી પંડિતો અલગતાવાદીઓના જોરજુલમ - ધાકધમકીથી ત્રાસીને તેમના ઘરબાર છોડીને ખીણ પ્રદેશમાંથી ભાગી ગયા હતા. આ વિસ્થાપિત પરિવારો આજેય અહીં-તહીં વસવાટ કરીને જીવન વ્યતીત કરી રહ્યા છે. અઢી દસકા કરતાં પણ વધુ લાંબા અરસામાં અનેક વખત એવા આશાસ્પદ સંજોગો સર્જાયા હતા, જે નિહાળીને પીડિતો એવું માનવા પ્રેરાયા હતા કે તેમની સમસ્યાનો નિવેડો હાથવેંતમાં જ છે, પરંતુ અફસોસ... આજ સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.
જોકે આ વખતે મામલો કંઇક અંશે અલગ છે. આ પહેલો અવસર છે કે જ્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં - બન્ને જગ્યાએ ભાજપ સરકારનું શાસન છે. ભાજપ લાંબા સમયથી કાશ્મીરી પંડિત પરિવારોની ઘરવાપસીની માગણી કરતો રહ્યો છે. ભાજપે ધરણા-પ્રદર્શનથી માંડીને છેક સંસદ ગૃહ સુધી આ મુદ્દાને ચગાવવામાં કોઇ કસર બાકી રાખી નથી. હવે અસરકારક પગલાં લેવાનું કામ ભાજપનું છે. તેણે દેશને દેખાડવું જોઇએ કે તે માત્ર નારેબાજી કરીને બેસી રહેનારો પક્ષ નથી. વિધાનસભામાં સર્વસંમત પ્રસ્તાવ સારું પગલું અવશ્ય છે, પરંતુ આ કિસ્સામાં માત્ર આટલાથી કામ ચાલે તેમ નથી. શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો ખીણ પ્રદેશમાં ખરેખર કાશ્મીરી પંડિતોની ઘરવાપસી કરાવવા ઇચ્છતા હોય તો તેમણે રાજ્યમાં પહેલાં જેવો માહોલ સર્જવો પડશે. ખીણ પ્રદેશમાં વસતાં બહુમતી સમુદાય અને લઘુમતી સમુદાય વચ્ચે વિશ્વાસનો માહોલ ઉભો કરવો પડશે. અને અવિશ્વાસનો અવરોધ ઓળંગીને બન્ને સમુદાય વચ્ચે સંપર્કનો સેતુ રચવાનું કામ એટલું આસાન તો નથી જ. પાકિસ્તાનના ઇશારે જમ્મુ-કાશ્મીરમાં સતત અશાંતિ ફેલાવતા રહેલા પરિબળો અગાઉ પણ નહોતા ઇચ્છતા કે રાજ્યમાં માહોલ સામાન્ય બને, અને આજે પણ તેમની માનસિક્તા બદલાઇ ગઇ હોય તેવું માનવાને કોઇ કારણ નથી. આવા લોકો કાશ્મીરી પંડિત પરિવારોની ઘરવાપસીમાં અવરોધ કરવામાં કોઇ કસર નહીં જ છોડે.
તો પછી આ સમસ્યાનું નિવારણ શું? કાશ્મીરી પંડિતોની ઘરવાપસીના પ્રયાસોને પડતાં મૂકી દઇને અલગતાવાદીઓ સામે શરણાગતિ સ્વીકારી લેવી જોઇએ? બિલ્કુલ નહીં. કાશ્મીરી પંડિતોની ઘરવાપસીની યોજના સફળ બનાવવા માટે પહેલાં તો રાજ્યમાં સક્રિય આવા ભાગલાવાદી તત્વોને ઝેર કરવાની જરૂર છે. જ્યાં સુધી આવા અલગતાવાદી તત્વો સક્રિય હશે ત્યાં સુધી વિધાનસભામાં આવા પ્રસ્તાવો મંજૂર થતાં રહેશે, અને ફાઇલમાં બંધ થતા રહેશે. શાસકોએ યાદ રાખવું રહ્યું કે બહુમતી કાશ્મીરી પ્રજાજનો આજે પણ ભારત, ભારતીયતા સાથે જોડાયેલા રહેવા તત્પર છે, પંડિત પરિવારોને આવકારવા તૈયાર છે, પરંતુ પાકિસ્તાન-પ્રેરિત અલગતાવાદ, આતંકવાદના ડરથી તેઓ જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરતાં, પંડિત પરિવારોને આવકારતાં ખચકાય રહ્યા છે.