ભારતની સુપ્રીમ કોર્ટે આખરે અસાધારણ કદમ ઉઠાવીને કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ વિવાદિત કૃષિ કાયદા અમલી બનાવવા સામે રોક લગાવી છે. દેશભરના અને ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ કૃષિ કાયદાઓ તદ્દન રદ કરવાની કરેલી જોરદાર માગણી પર હાલ તો ઠંડુ પાણી રેડાઈ ગયું છે તેમ કહી શકાય કારણકે સુપ્રીમ કોર્ટે આ વિવાદનું નિરાકરણ લાવવા કાયદાઓના લાભ અને નુકસાનની સમીક્ષા કરવા ચાર સભ્યોની સમિતિની જાહેરાત પણ કરી દીધી છે. આમ છતાં, સુપ્રીમ કોર્ટે યોગ્ય સ્પષ્ટતા પણ કરી છે કે કૃષિ કાયદાને સસ્પેન્ડ કરાયા છે પરંતુ, અનિશ્ચિતકાળ સુધી નહિ.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નરેન્દ્ર મોદી સરકારને ભારે ઝાટકો વાગ્યો હોવાનું કહી શકાય પરંતુ, ખેડૂતોને મદદરુપ થવાના હોય તેવા કાયદાઓમાં પીછેહઠ નહિ કરવાનું સરકારનું વલણ ભલે યોગ્ય હોય તેમ છતાં, સુપ્રીમ કોર્ટના અગાઉના સૂચન અનુસાર થોડા મહિના સુધી આ કાયદાઓને મુલતવી રાખવામાં જરા પણ વાંધો ન હતો. સરકારે કૃષિ કાયદાઓને લાભકારી ગણાવ્યા છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ચાર સભ્યો - એચ.એસ. માન, પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ ધનવંતની કમિટી કાયદાના લાભાલાભ પણ જોશે અને તેનો રિપોર્ટ કોર્ટને સુપરત કરશે.
ખેડૂતો ૨૬ નવેમ્બરથી કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સરહદે આંદોલન ચલાવી રહ્યા છે. કાયદા રદ ન થાય ત્યાં સુધી ઘરવાપસી નહિનાં સૂત્રો ધરાવતાં ખેડૂત આંદોલનને લાંબો સમય થવા છતાં સરકાર અને ખેડૂતો પોતાની વાત પર મક્કમ છે. આંદોલન દરમિયાન ઠંડીથી ૩૦ ખેડૂતોના મૃત્યુ બાદ પણ નવા કૃષિ કાયદા પર થઇ રહેલા સંઘર્ષનો અંત આવે એમ જણાતું ન હોવાથી જ સુપ્રીમ કોર્ટે આ માર્ગ અપનાવ્યો હોય તેમાં કોઈ શંકા નથી. આ મુદ્દે ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ સાચું જ કહ્યું છે કે કોર્ટને કાયદાની માન્યતા તેમજ નાગરિકોના જીવન અને સંપત્તિ બાબતે પણ ચિંતા છે અને સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરી રહ્યા છીએ. વિરોધ પ્રદર્શનમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની પણ સામેલગીરી અને દેશમાં કોરોના કટોકટી હોવાથી આવી ચિંતા થવી સ્વાભાવિક છે. કોર્ટની ચિંતાનો સાનુકૂળ પડઘો પાડતા ખેડૂત નેતાઓએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પરત મોકલવા તૈયારી દર્શાવી છે તે સારી બાબત છે.
સુપ્રીમ કોર્ટે સરકાર આ મામલો હાથ ધરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને મંત્રણાઓ દ્વારા નિરાકરણમાં લાંબો સમય ખેંચ્યો હોવાનું જણાવી સરકારના કાન આમળ્યા છે તે નિઃશંક છે. ખેડૂતોની એક દલીલ છે કે ઘણા નેતાઓ મંત્રણા કરવા આવી ગયા છે પરંતુ, વડા પ્રધાને આવી તસ્દી લીધી નથી. આ મુદ્દે ચીફ જસ્ટિસે સ્પષ્ટ કહ્યું છે કે વડા પ્રધાનને વાતચીત કરવા અમે કહી શકીએ નહિ. કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સમક્ષ રજૂઆત કરવા બાબતે પણ ખેડૂત નેતાઓની જિદ છે કે તેઓ સમિતિ પાસે નહિ જાય. સુપ્રીમ કોર્ટે આવી જિદને ચલાવી લીધી નથી.
નવા કૃષિ કાયદા અંતર્ગત ખેડૂતોને ફાર્મિંગ કોન્ટ્રાક્ટ થાય તો કોર્પોરેટ્સ ખેડૂતોની ઊપજને ખરાબ ગણાવી દેશે અને દેવું ભરવા તેમની જમીન વેચી દેવી પડે તેનો ભય છે. આ મુદ્દે પણ કોર્ટે સધિયારો આપ્યો છે કે કોન્ટ્રેક્ટ કરતી વખતે કોઈપણ ખેડૂતની જમીન વેચવામાં નહિ આવે તેવો વચગાળાનો આદેશ આપી શકાશે.
સરકારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જ ઉતાવળે કૃષિ બિલ્સ પસાર કરાવી લીધા તે હવે નડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરીથી આંદોલન સમાપ્ત થઈ જાય તેવા એંધાણ હાલ જણાતા નથી કારણકે આંદોલનકારીઓનું વલણ સ્પષ્ટ છે કે પ્રતિબંધ છતાં આંદોલન યથાવત રહેશે. કેન્દ્રીય મિનિસ્ટર્સ વચ્ચે નવેસરથી મંત્રણાઓ યોજાવાની છે પરંતુ, ખેડૂત નેતાઓ પરિણામ અંગે ઉત્સાહી જણાતા નથી.