કોંગ્રેસઃ ફરી બેઠાં થવાની મથામણ

Wednesday 21st January 2015 12:21 EST
 

કોંગ્રેસ વર્કિંગ કમિટિ (સીડબ્લ્યુસી)ની બેઠકમાં નિર્ણય થયો છે કે પક્ષ એક વિરોધ પક્ષ તરીકે હવે આક્રમક વલણ અપનાવશે. બેઠકના અહેવાલો તો એવું પણ જણાવે છે કે પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા લગભગ તમામ નીતિવિષયક નિર્ણયોના વિરોધમાં જનઆંદોલન કરવાનો આદેશ આપ્યો છે. પક્ષ, ખાસ તો, પાયાના કાર્યકરોને સક્રિય બનાવવા માટે જમીન અધિગ્રહણનો વટહુકમ તથા ખેડૂત સંબંધિત પ્રશ્નોને લઇ દેશવ્યાપી આંદોલન શરૂ કરવા માગે છે. રાજકીય વ્યૂહકારો માને છે કે કોંગ્રેસને ચેતનવંતી કરવા માટે આ બધા મુદ્દા કારગત નીવડી શકે છે કેમ કે તે ખેડૂતો અને ગ્રામીણ મજદૂરોને સંગઠિત કરવાની તાકાત ધરાવે છે. અલબત્ત, કોંગ્રેસ પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવવા તૈયાર છે તે સાચું, પણ ખાટલે મોટી ખોડ છે સબળ નેતૃત્વનો અભાવ. પક્ષની ટોચની નેતાગીરીથી માંડીને પાયાના કાર્યકરને એકતાંતણે બાંધી શકે તેવું નેતૃત્વ કોણ પૂરું પાડશે? સોનિયા ગાંધી પૂરાં દમ-ખમથી સક્રિય જણાતાં નથી, અને રાહુલબાબા પ્રભાવક નેતૃત્વ પૂરું પાડી શક્યા હોત તો કોંગ્રેસની આજે આ અવદશા જ ન હોતને?
સોનિયા ગાંધીએ હાલમાં જ પક્ષના બધા પ્રદેશ અધ્યક્ષોને પત્ર પાઠવીને પક્ષની વિચારધારા, સંગઠનાત્મક સુધારા અને સંગઠનમાં જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા વિશે તેમના અભિપ્રાયો માગ્યા હતા. આ પત્ર જોતાં જણાય છે કે કોંગ્રેસ હજી પણ પરાજયનાં મૂળ કારણોનો સીધો મુકાબલો કરવા ઇચ્છતી નથી. સીડબ્લ્યુસીની બેઠકમાં સામાન્ય ચૂંટણીમાં પક્ષની કારમી હાર અને રાજ્યોમાં તેની નબળી સ્થિતિના મુદ્દા ચર્ચાયા ખરા, પણ આ માટે જવાબદારી નક્કી કરવાનું પક્ષે ટાળ્યું છે. કોંગ્રેસની પ્રવર્તમાન સ્થિતિ જોતાં લાગે છે કે પક્ષ હજી પાંચ વર્ષ બેઠો થઇ શકે તેમ નથી. આમ આદમીનો જ નહીં, પણ રાજકીય અભ્યાસુઓનો પણ આ મત છે. અત્યંત પ્રતિકૂળ સમયગાળામાં કોંગ્રેસને સલામત રાખવાની જવાબદારી અધ્યક્ષ હોવાના નાતે સોનિયા ગાંધીની છે તે સાચું, પણ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે હવે માત્ર તેમનાથી જ કામ ચાલે તેમ નથી. આ માટે પક્ષના ટોચના નેતૃત્વથી માંડીને પાયાના કાર્યકરે કમર કસવી પડશે, ધરમૂળથી સર્વગ્રાહી પ્રયાસો કરવા પડશે. આંદોલનનો કાર્યક્રમ હોય કે
પક્ષના પુનરુદ્ધારની યોજના - બધું કાગળ
પરથી આગળ વધારીને તેનો વાસ્તવિક અમલ કરવો પડશે. શેરીથી સંસદ સુધી પક્ષ સક્રિય દેખાશે તો જ તેનું રાજકીય ભવિષ્ય છે તે પક્ષના નેતૃત્વે સમજવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter