વાળ્યા ન વળે તે હાર્યા વળે. ભારતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે રજૂ કરેલી મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ) પ્રસ્તાવનો કંઇક આવો જ તાલ થયો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે એકસંપ થઇ રાજ્યસભા અધ્યક્ષ વેન્કૈયા નાયડુ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ અધ્યક્ષે મેરિટના ધોરણે દરખાસ્ત ફગાવી દીધી છે. કાનૂની અને બંધારણવિદો સાથે સલાહમસલત કર્યા બાદ અધ્યક્ષે નિર્ણય જાહેર કર્યો છે કે ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા નક્કર કારણ - મજબૂત આધાર જોઇએ. પ્રસ્તાવમાં આવું કંઇ નથી. મહાભિયોગ પ્રસ્તાવનું સૂરસૂરિયું નક્કી હોવા છતાં વિપક્ષ આ મામલો રાજ્યસભા અધ્યક્ષ સમક્ષ લઇ ગયા. અને પીછેહઠ છતાં હજુ નમતું જોખવાના મૂડમાં નથી. કોંગ્રેસ હાઇકમાન્ડે જાહેરાત કરી છે કે તે અધ્યક્ષના ચુકાદાને કોર્ટમાં પડકારશે. જોકે બંધારણવિદોના મતે ત્યાં પણ કોંગ્રેસની અપીલ ટકવાની શક્યતા નહીંવત્ છે.
નીચાજોણું થવા છતાં, કાનૂનવિદોના નકારાત્મક અભિપ્રાય છતાં કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ સહિતના કોંગ્રેસીઓ શા માટે વાત પડતી મૂકવા તૈયાર નથી? તેઓ મહાભિયોગ પ્રસ્તાવના માધ્યમથી શાસક ભાજપને ભીડવવા માગે છે. તેઓ પ્રસ્તાવ થકી એવી છાપ ઉપસાવવા પ્રયત્નશીલ છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ સરકારના પ્રભાવમાં આવીને કામ કરી રહ્યા છે. તેઓ એવું દર્શાવવા પ્રયત્નશીલ છે કે સરકાર ન્યાયતંત્ર પર પ્રભાવ પાડવા પ્રયાસ કરી રહી છે. પરંતુ આવા ગતકડાં કરવા જતાં સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી સિબ્બલ અને તેમના સાથી એવા પીઢ કોંગ્રેસી નેતા આઝાદ એ ભૂલી જાય છે કે આવા મુદ્દે ભાષણબાજીમાં આક્ષેપો કરવા એક વાત છે અને તેના આધારે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવો બીજી વાત છે. મહાભિયોગ પ્રસ્તાવ પરની કાર્યવાહી વાતોના વડાંના આધારે નહીં, પરંતુ નક્કર પુરાવાઓના આધારે હાથ ધરાય છે. વળી, ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની પ્રક્રિયા એટલી અટપટી અને લાંબી છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં હજુ સુધી તો આવો કોઇ પ્રસ્તાવ સફળ થયો નથી. ભૂતકાળમાં એકથી વધુ ન્યાયમૂર્તિઓ સામે મહાભિયોગ પ્રક્રિયા અવશ્ય થઇ છે પરંતુ મોટા ભાગના કેસોમાં ન્યાયમૂર્તિએ કાં તો અગાઉ જ રાજીનામાં આપી દીધાં છે અથવા તો મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં પૂરતું સમર્થન મેળવી શક્યો નથી. ખરેખર તો આવા પ્રસ્તાવ ગૃહમાં ચર્ચાબાજીનો મુદ્દો બની રહે છે.
એક કડવી સચ્ચાઇ એ પણ છે કે કોંગ્રેસમાં જ આ મુદ્દે મતભેદ પ્રવર્તે છે. કાનૂનવિદ્ સલમાન ખુરશીદ અને અભિષેક મનુ સિંઘવી જેવા નેતાઓ મહાભિયોગ દરખાસ્તની વિરોધમાં છે. ખુદ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પ્રસ્તાવમાં હસ્તાક્ષર કર્યા નથી. સોલી સોરાબજી જેવા કાયદાવિદે તો પ્રસ્તાવ સામે જ પાયાનો સવાલ ઉઠાવ્યો છે કે હાઇ કોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ કોઇ ગેરવર્તણૂક કરી હોય તો તેની સામે મહાઅભિયોગ પ્રસ્તાવ લાવી શકાય તો આ કેસમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કરેલી ગેરવર્તણૂક કઇ છે? પ્રશ્નો ઘણા છે, પણ તેના જવાબ કોઇ નથી. કોંગ્રેસ અને તેને મહાભિયોગ પ્રસ્તાવમાં સમર્થન આપનાર રાજકીય પક્ષોએ સમજવું રહ્યું કે શાસક પક્ષને કે ચીફ જસ્ટિસને નિશાન બનાવવા જતાં સમગ્ર ન્યાયતંત્ર પર આંગળી ચીંધવાનું કોઇના હિતમાં નથી.