આખરે કોરોના વાઈરસના મ્યુટન્ટ વેરિએન્ટ એટલે કે નવા સ્ટ્રેને ઈંગ્લેન્ડમાં તરખાટ મચાવતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને કઠોર લોકડાઉન લાદવાની ફરજ પડી છે. આ લોકડાઉનની વિષમ અસર મંદીની માંદગીમાંથી માંડ બેઠાં થયેલાં અર્થતંત્ર પર પડશે તેમાં કોઈ શંકા નથી. સ્ટે-એટ-હોમ લોકડાઉન ઓછામાં ઓછું ફેબ્રુઆરી સુધી તે અમલમાં રહેશે અને તે પછી પણ લંબાવાય તેવી દહેશત છે.
હકીકત એ છે કે યુકેમાં કોરોનાથી મૃત્યુઆંક ૭૬,૦૦૦ને પાર થઈ ગયો છે અને દિવસેદિવસે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. આમ, પરિસ્થિતિ વણસી જવાથી તાબડતોબ લોકડાઉન લાદવાની ફરજ પડી છે કારણકે એક દિવસ અગાઉ જ જ્હોન્સને પેરન્ટ્સને તેમના બાળકોને સંક્રમણના જરા પણ ભય વિના શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો અને માત્ર ૨૪ કલાકમાં તેમનું વાજુ વાગતું બંધ થઈ ગયું છે. હવે તો તેમણે ઉનાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા બાબતે પણ આશંકા વ્યક્ત કરવી પડી છે. કોરોનાના નવા સ્ટ્રેને માત્ર બ્રિટનમાં આતંક ફેલાવ્યો છે એવું નથી. યુરોપના ફ્રાન્સ અને ઈટાલી સહિતના દેશો, સાઉથ આફ્રિકા, નાઈજિરિયા તેમજ યુએસએ અને છેલ્લે ભારતમાં પણ વાઈરસના મ્યુટન્ટ પ્રકારે દેખા દીધી છે.
જ્હોન્સને રાષ્ટ્રને જે સંબોધન કર્યું તેમાં મહત્ત્વની એક વાત વેક્સિનેશનની સફળતા વિશે હતી. તેમણે કહ્યું કે વેક્સિન રોલ આઉટ- ઉત્પાદન અને વિતરણ યોજનાબદ્ધ રીતે ચાલશે તો લોકડાઉન લંબાવવાની જરુર પડશે નહિ. યુકેમાં ફાઈઝર વેક્સિન પછી ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા વેક્સિનના ઉપયોગની પણ મંજૂરી આપી દેવાઈ છે તે જોતાં રસીકરણ પૂરજોશમાં ચાલશે તેમાં શંકાને કારણ નથી. આમ છતાં, વેક્સિનની માનવી પરની વ્યાપક અસર કે આડઅસર વિશે પૂરતી જાણકારીનો અભાવ છે. આ સંદર્ભમાં નવા કોરોના સ્ટ્રેન સામે વર્તમાન રસી કારગત નીવડશે નહિ તેવી બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી પણ ચિંતાજનક ગણાવી શકાય. જોકે, આ વેકસીન નવા સ્ટ્રેન સામે અસરકારક નહિ નીવડે તેવા કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી છતાં, અંતિમ સ્થિતિ તો સંપૂર્ણ અભ્યાસ પછી જ જાણી શકાશે. બાયોટેક અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા આ નવા વેરીએન્ટ પર વેક્સિનની ચકાસણી શરુ કરાઈ છે પણ તેનું પરિણામ મળતા છ સપ્તાહ જેવો સમય લાગી શકે છે.
ભારતની વાત કરીએ તો પૂનાના સિરમ ઈન્સ્ટિટ્યૂટની ઓક્સફર્ડના સહયોગ સાથેની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની સૌપ્રથમ સ્વદેશી કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દેવાઈ છે અને હવે ઉત્પાદન પૂરજોશમાં શરુ કરાવા સાથે જાન્યુઆરીમાં જ રસીકરણ આરંભાય તેવા સંકેતો અપાયા છે. વેક્સિનનું ટ્રાન્સપોર્ટેશન, સંગ્રહ અને લોકોને વેક્સિન આપવાના સંદર્ભે યોજનાઓને આખરી સ્વરુપ આપી દેવાયું છે. કાગળ પર તો રસીકરણ માટેની યોજનાઓ બરાબર જણાય છે પરંતુ, આ તો નીવડે વખાણ જેવી વાત કહેવાય.
ભારત અને યુકે વચ્ચે દેખીતો તફાવત એ જોઈ શકાય છે કે જ્હોન્સને લોકડાઉન લાદ્યું કે વેક્સિનેશન શરુ કરાવ્યું ત્યારે વિરોધપક્ષોએ વિરોદ કરવા ખાતર પણ વિરોધ નથી કર્યો. લેબરનેતા કેર સ્ટાર્મરે તો લોકડાઉન આવશ્યક હોવાનો મત જાહેર કર્યો છે તો રસીકરણના અમલમાં ઢીલાશ બાબતે ટોરી સરકારના કાન પણ આમળ્યા છે. બીજી તરફ, ભારતમાં આવી માનવીય કટોકટી મુદ્દે પણ વિરોધપક્ષો સરકારને સહકાર આપવા આગળ આવતા નથી. કરોડો લોકોનું જીવન બચાવી શકે તેવી વેક્સિનને મંજૂરી આપવા બાબતે પણ સમાજવાદી પક્ષના સર્વેસર્વા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ કોરોના વેક્સિનને ભાજપની વેક્સિન ગણાવી તેનો બહિષ્કાર કરવાની વાત કરે ત્યારે તેમના બુદ્ધિઆંક પર સવાલ ઉઠે તેમાં નવાઈ ન કહેવાય. સમાજવાદી પક્ષના જ અન્ય નેતે તો કોરોનાની વેક્સિન લોકોને નપુંસક બનાવી દેશે તેવો વાણીવિલાસ કર્યો છે. આપણા દેશને બચાવવાની વાત હોય ત્યારે સરકારને સાથ આપવાનું રાજનેતાઓ સમજે તો સારું છે.