કોરોનાજંગમાં વેક્સિન ડિપ્લોમસી

Thursday 01st April 2021 05:12 EDT
 

ભારતીય સંસ્કૃતિનો મહામંત્ર છે કે મને હજો તે મારા પડોશીને પણ હજો. કોરોના મહામારીકાળના વિશ્વમાં ભારત ‘વૈશ્વિક ફાર્મસી’ સ્વરુપે પ્રસ્થાપિત થઈ ગયું છે અને સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ વેક્સિનેશન અભિયાનની સાથોસાથ ભારત વિશ્વની વેક્સિન જરુરિયાતોને પણ પૂરી પાડે છે. ‘નેબરહુડ ફર્સ્ટ’ પોલિસી અંતર્ગત ભારતે શ્રીલંકા, બાંગલાદેશ, ભૂતાન, નેપાળ અને માલદિવને વેક્સિનનો પુરવઠો મોકલ્યો છે તો અન્ય મિત્ર રાષ્ટ્રોને પણ વેક્સિન પુરવઠો પહોંચાડવામાં આવરી લીધાં છે. વિશ્વના ૭૩ દેશોમાં ભારતમાં ઉત્પાદિત વેક્સિન કોરોના વાઈરસ વિરુદ્ધના જંગમાં અગ્રેસર છે.
એક સમયે શસ્ત્રો અને નાણાસહાયની રાજનીતિ મુખ્ય હતી અને હવે મહામારી કાળમાં વેક્સિન ડિપ્લોમસીએ આકાર લીધો છે. ચીન અને ભારત એશિયા અને વિશ્વમાં પોતાનો પ્રભાવ જમાવવા મથામણ કરી રહ્યાં છે ત્યારે વેક્સિન ડિપ્લોમસીએ મજબૂત સ્થાન હાંસલ કર્યું છે. જોકે ભારતે વેક્સિન ઉત્પાદનના મામલે મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે જ્યારે ચીનના વેક્સિન તરફ ભરોસાની દૃષ્ટિએ જોવાતું નથી. આ ઉપરાંત, તાજેતરની ક્વોડ બેઠકમાં ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે વેક્સિન તૈયાર કરે અને અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ માટે આર્થિક મદદ પૂરી પાડે તેવી રુપરેખા ઘડાયા પછી તો ભારતની વેક્સિન ડિપ્લોમસી વધુ રંગ લાવશે.
આમ તો વિદેશ નીતિના ભાગરુપે વેક્સિન ડિપ્લોમસી નવી નથી. રશિયા અને અમેરિકા વચ્ચે પણ શીતયુદ્ધ યુગમાં વેક્સિન ડિપ્લોમસીનો પ્રયોગ થયો હતો. ૧૯૫૬માં રશિયા અને અમેરિકાના વાયરોલોજિસ્ટોએ પોલિયોની વેક્સિનને વધારે કારગર બનાવવા માટે સાથે કામ કર્યું હતું. અમેરિકામાં પોલિયોની જે વેક્સિનને મંજૂરી મળી હતી એની ટ્રાયલ રશિયાના બાળકો પર કરવામાં આવી હતી.
ભારતે પાડોશી દેશોમાં પણ વેક્સિનના લાખો ડોઝ મોકલવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગલાદેશની મુલાકાત લીધી તે વેળાએ પણ બાંગલાદેશને ૧૨ લાખ વેકિસન ડોઝની ભેટ આપી છે. આમ, વેક્સિન ડિપ્લોમસીના આધારે પડોશી દેશો સાથે સંબંધો સુધારવાની નક્કર પહેલ કરવામાં આવી છે. ભારતની સદ્ભાવનાને પાડોશી દેશો બિરદાવી રહ્યાં છે તેની સાથોસાથ આ દેશોમાં ચીનના વધી રહેલા વર્ચસ્વને તોડવામાં પણ ભારતને મદદ મળી રહી છે. સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા અને એસ્ટ્રાઝેનેકાની કોવિશીલ્ડ વેક્સિન ભૂતાન, માલદીવ, બાંગલાદેશ અને નેપાળને મોકલાઈ છે. નેપાળ સાથે સરહદી તણાવ વચ્ચે પણ ભારતે નેપાળને વેક્સિન આપવામાં ઉદારતા દાખવી છે. વાસ્તવમાં ચીને નેપાળને સિનોફોર્મ વેક્સિન આપવાની બાંહેધરી આપી હતી પરંતુ, તેમાં વિલંબ થવાથી ભારતે તક જોઇને નેપાળને વેક્સિન મોકલી આપી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે અગાઉ બાંગલાદેશ, નેપાળ, ભૂતાન, માલદીવ, સેશેલ્સ, મોરિશિયસ, મ્યાનમાર અને શ્રીલંકાને ૫.૪ મિલિયન તેમજ અફઘાનિસ્તાનને પણ ૫ લાખ વેક્સિન ડોઝ મોકલાયા છે.
વાસ્તવિકતા એ છે કે ચીને શ્રીલંકા, ઈન્ડોનેશિયા, ઈરાન, નેપાળ જેવા દેશોને માળખાકીય વિકાસનું ગાજર લટકાવી નાણાકીય મદદ શરુ કરી હતી. ધ સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ અનુસાર ચીનની એકતરફી ‘વન બેલ્ટ, વન રોડ - OBOR’ યોજનામાં ભાગીદાર બનેલા આઠ દેશ- જિબુતી, કિર્ગિસ્તાન, લાઓસ, માલદીવ, મંગોલિયા, મોન્ટેનેગ્રો, પાકિસ્તાન અને તઝાકિસ્તાન ચીનના જંગી કરજ હેઠળ દબાઈ ગયા છે. પોતાના પ્રભાવને વધારવા માટે ચીને ઉધારની રણનીતિને ઝડપથી આગળ વધારી હતી. હવે હાલત એવી થઈ છે કે ચીનપણ કોરોના મહામારીના કારણે વધારાના નાણા આવા પ્રોજેક્ટ્સ માટે ફાળવી શકે તેમ નથી.
જોકે, ભારતમાં હવે કોરોના વાઈરસની ત્રીજી લહેરે માથું ઉચક્યું છે અને સંક્રમિત કેસીસની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતે ‘ઘરના છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને ત્યાં આટો’ની પરિસ્થિતિથી દૂર રહેવું જોઈશે. ભારતમાં વિશ્વનું સૌથી વ્યાપક વેક્સિનેશન ઝડપથી આગળ વધી રહ્યું છે અને ભારતના નાગરિકોને પૂરતાં પ્રમાણમાં વેક્સિન ડોઝ મળી રહે તે જોવાની વિશેષ જરુરિયાત છે. આથી, ભારતે આંતરિક અને વૈશ્વિક વેક્સિન જરુરિયાતો વચ્ચે સંતુલન સાધવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter