કોરોનાને મહાત કરવા સાથ-સહકાર આવશ્યક

Tuesday 03rd November 2020 13:30 EST
 

આખરે યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પાંચ નવેમ્બરથી ઈંગ્લેન્ડમાં એક મહિનાનું સંપૂર્ણ લોકડાઉન લાદવાની ફરજ પડી છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણનું બીજું મોજું તબાહી મચાવી શકે તેવા ભય અને વિજ્ઞાનીઓની સલાહથી પ્રેરિત આ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. બાકી તો, વડા પ્રધાન જ્હોન્સન તો સ્થાનિક અને ટિયર સિસ્ટમના નિયંત્રણોની જ તરફદારી કરતા રહ્યા છે. સેકન્ડ લોકડાઉનમાં લોકોને હળવામળવા પર તેમજ હોસ્પિટાલિટી અને હાઈ સ્ટ્રીટ્સ પર ફરી નિયંત્રણો લાદવા પડ્યા છે. માત્ર ઈંગ્લેન્ડની આ વાત નથી, યુકેના અન્ય દેશો તેમજ યુરોપના ફ્રાન્સ, જર્મની સહિતના દેશોએ પણ નવેસરથી લોકડાઉન લાદવાની ફરજ પડી છે.
વાસ્તવિકતા એ પણ છે કે જો નવેસરથી લોકડાઉન લદાય નહિ અને કોરોના વાઈરસનું સંક્રમણ વકરે તો NHS પૂરતી સુવિધાના અભાવે સંક્રમણનો સામનો કરવા અક્ષમ રહે તેવો પણ ભય સેવાય છે. જો આમ થાય તો દર્દીઓના મોતનું પ્રમાણ વધી જવાની શક્યતા રહે તે સ્વાભાવિક છે. જ્હોન્સનને બે મોરચે લડવાનું થયું છે. લોકડાઉન મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીમાં નારાજ જમણેરી જૂથની બળવાખોરીનો સામનો પણ કરવો પડે તેમ છે. અત્યારે તો, લોકડાઉન લંબાવવું પડે તો નિર્ણય કોમન્સમાં મતદાન થકી લેવાશે તેમ જણાવી તેમણે બાજી સુધારી લીધી છે.
બીજી તરફ, સેકન્ડ લોકડાઉનના નિર્ણયની યોગ્યતા સામે પણ પ્રશ્નો કરાઈ રહ્યા છે. કેબિનેટ સમક્ષ જે ચાર્ટ્સ અને ગ્રાફ્સ રજૂ કરાયા તે સાચા નહિ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. દૈનિક ૪,૦૦૦ દર્દીના મોત થવાની આગાહી કેટલી સાચી તેનો પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. બીજી તરફ, લેબરનેતા સર સ્ટાર્મરે સેકન્ડ લોકડાઉન લાદવામાં આટલો વિલંબ શાથી કરાયો તેવો અણિયાળો પ્રશ્ન પણ પૂછી લીધો છે. સાચી વાત એ છે કે ઈંગ્લેન્ડમાં લોકો કોવિડ-૧૯ના કારણે મોતને ભેટી રહ્યા છે અને હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. લોકોની દીવાળી અને ક્રિસમસ બગડવાની પૂરી આશંકા છે કારણકે એક મહિનાનું લોકડાઉન વધુ લંબાવવું પડે તેવી પણ શક્યતા છે.
યુકે હજુ પહેલા રાષ્ટ્રીય લોકડાઉનની વિષમ અસરોમાંથી બહાર આવી શક્યું નથી. હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રો માંડ શરુ કરાયા હતા ત્યાં બંધ કરવાનો વારો આવ્યો છે. અર્થતંત્ર સામે નવા પડકારો ઉભાં થતા રહ્યાં છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે ફર્લો સ્કીમને નવેમ્બર મહિના માટે લંબાવી છે. આ જ રીતે જ્હોન્સને સ્વરોજગારી લોકોને સેકન્ડ લોકડાઉનના ગાળામાં નાણાકીય સપોર્ટ તરીકે નફાના ૪૦ ટકાના બદલે ૮૦ ટકા સુધી સપોર્ટ આપવાની જાહેરાત કરી છે જેનો લાભ લાખો સેલ્ફ-એમ્પ્લોઈડ વર્કર્સને મળશે. વિશ્વબેન્કે પણ કહ્યું છે કે હાલ નાણા સામે નહિ જોતા લોકોના મહામૂલા જાન બચાવવાની આવશ્યકતા મોટી છે. આથી જ, બોરિસ સરકારે ૧૦૦ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવાની તૈયારી કરી જ લીધી છે.
સરકાર જ્યારે મંદી તરફ સરકતાં અર્થતંત્ર અને લોકોના જીવનને બચાવવા તડામાર તૈયારી કરી રહી હોય ત્યારે દેશના નાગરિક તરીકે આપણે ‘વિના સહકાર નહિ ઉદ્ધાર’ના ધોરણે સંપૂર્ણ સહકાર આપવો જોઈએ. આપણે વધારે કશું કરવાનું નથી. દેશના લોકોએ લોકડાઉનના નિયમોનું પાલન કરવું જરુરી છે. સ્વાતંત્ર્યના નામે સ્વચ્છંદતાભર્યું વર્તન કરીએ તે કેટલા અંશે યોગ્ય ગણાય?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter