ભારતમાં આજકાલ દેશપ્રેમ શબ્દ કે દેશપ્રેમની ભાવના આજકાલ બહુ ચર્ચામાં છે. નોટબંધીના માહોલે તો આ ચર્ચાને વધુ ઉગ્ર બનાવી છે. તેનો વિરોધ કરનારા દેશવિરોધી છે, અને સમર્થન કરનારા દેશપ્રેમી. આવા બે ભાગમાં વહેંચાયેલા માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે ધ્યાનાકર્ષક ચુકાદો આપ્યો છે. એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ફિલ્મ શરૂ થતાં પૂર્વે દરેક સિનેમાગૃહમાં રાષ્ટ્રગીત વગાડવાનું ફરજિયાત કર્યું છે. સાથે જ કોર્ટે સુચના આપી છે કે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે દરેક દર્શકોએ ઉભા રહેવું પડશે. આગામી પહેલી જાન્યુઆરીથી આ આદેશ લાગુ થશે.
સર્વોચ્ચ અદાલતનો ચુકાદો માથા પર, પરંતુ કાનૂનની ધાક દેખાડીને રાષ્ટ્રગીતને સન્માન અપાવવું દેશ માટે શરમજનક ઘટનાથી લેશમાત્ર ઓછું તો નથી જ. રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવાની પ્રત્યેક નાગરિકની નૈતિક જવાબદારી છે, ત્યારે આ મુદ્દે કોઇ કોર્ટને હસ્તક્ષેપ કરવો પડે તે વાજબી નથી. ભારતમાં વર્ષોપૂર્વે ફિલ્મ પૂરી થતાં સમયે રાષ્ટ્રગીત વગાડવાની પરંપરા હતી. ધીરે ધીરે આ પરંપરા ખતમ થઇ ગઇ. કારણ? રાષ્ટ્રગીત વખતે લોકો ઉભા રહીને તેનું સન્માન જાળવતા નહોતા! રાષ્ટ્રગીત વાગતું રહેતું હતું અને દર્શકો સિનેમાગૃહની બહાર નીકળવા લાગતા હતા. સુપ્રીમ કોર્ટે હવે ફિલ્મ શરૂ થતાં પૂર્વે રાષ્ટ્રગીત વગાડવાનું ફરજિયાત કર્યું છે. જોકે અહીં મહત્ત્વનો સવાલ એ છે કે શું રાષ્ટ્રગીત વાગતું હશે તે સમયે દર્શકો તેને યથોચિત સન્માન આપશે ખરાં? ફિલ્મ શરૂ થતાં પૂર્વે દર્શક સિનેમાગૃહમાં આવતાંજતાં રહે છે. રાષ્ટ્રગીત વાગતું હોય તે સમયે સિનેમાહોલમાં પ્રવેશ કરનારા દર્શક કેવી રીતે ઉભા રહેશે? અને ઉભા ન રહ્યા તો આ અપમાન માટે જવાબદાર કોણ? કોર્ટે આ મહત્ત્વના મુદ્દે પોતાનો ચુકાદો ફરમાવતા પહેલાં ઊંડો વિચારવિમર્શ કર્યો હોત તો વધુ સારું હતું. સિનેમાગૃહની વાત તો દૂર છે, સ્વાતંત્ર્ય દિન કે પ્રજાસત્તાક પર્વે પણ લોકો રાષ્ટ્રગીતના ગાન વખતે ઉભા થવાનું જરૂરી સમજતા નથી. રાષ્ટ્રગીત વાગતું હશે ત્યારે ઊભા ન થનાર દર્શક વિરુદ્ધ કાર્યવાહી કોણ કરશે અને કેવી રીતે?
રાષ્ટ્રભક્તિની ભાવના થોપી બેસાડવાથી નહીં, પરંતુ આંતરિક ભાવથી પેદા થાય છે. જેમને રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજને સન્માન આપવું જ છે, તેમને કાનૂનનો ડર દેખાડવાની જરૂર જ નથી. પરંતુ જે લોકો રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજને આદર-સન્માન નથી જ આપવા માગતા તેમને કાનૂનના જોરથી પણ નહીં જ ડરાવી શકાય. ભારતની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સારો તો છે, પરંતુ તેના અમલ, પાલન અંગે આશંકા અવશ્ય છે.