સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના આક્રમણને એક વર્ષ વીતી ગયું છે ત્યારે વાસ્તવિકતા એ છે કે આપણે તો વિષચક્રમાંથી બહાર નીકળ્યાં વિના ઠેરના ઠેર આવીને ઉભાં છીએ. આ માહોલમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ત્રાટકશે તેવી ચેતવણી આપી છે તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈશે. દુનિયાભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ તો બ્રાઝિલમાં જોવાં મળી છે જ્યાં માત્ર ૨૪ કલાકમાં ૯૦,૦૦૦થી પણ વધુ કેસ નોંધાયા હતા. યુરોપિયન દેશોમાં કોરોનાની નવી લહેરનું જોખમ સર્જાયું છે તેમજ ફ્રાન્સ, પોલેન્ડ, ઈટાલી અને જર્મની સહિતના ઘણા દેશોએ નવેસરથી લોકડાઉનની દિશામાં વિચારવાની શરુઆત કરવી પડી છે. ખાટલે મોટી ખોડ તો છે કે યુરોપીય દેશો હજુ હુંસાતુંસીમાંથી બહાર આવતા નથી અને નાગરિકોને વેક્સિનેશન બાબતે ગંભીરતા દર્શાવતા નથી.
યુરોપમાં વણસેલી હાલત યુએસ માટે બોધપાઠ સમાન છે. યુએસમાં પણ નવા વેરીઅન્ટના કેસો ઝડપથી વધી રહ્યા છે અને સીડીસીના જણાવ્યા અનુસાર આ મહિનાના અંતે તે મુખ્ય સ્ટ્રેઇન બની રહેશે. ફ્રાન્સમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇને દેખા દીધી છે જે નાકમાંથી સ્વાબ દ્વારા કરાતા ટેસ્ટમાં ઝડપાતો નથી. આનો અર્થ એ કે નવો સ્ટ્રેઇન પકડમાં આવ્યા વિના પુરા ફ્રાન્સમાં ફેલાઇ રહ્યો છે. જર્મનીમાં કોરોનાના વધતાં કહેરના કારણે લોકડાઉન ૧૮ એપ્રિલ સુધી લંબાવી દેવાયું છે અને અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર ચડાવવા અનલોકિંગ પ્રક્રિયા શરુ કરવાનો નિર્ણય ટાળી દેવાની ફરજ પડી છે.
પ્રથમ લોકડાઉનની વર્ષી નિમિત્તે જ્હોન્સને યુકે ધીમા પગલે સામાન્ય પરિસ્થિતિ પર જઈ રહ્યું હોવાનો આશાવાદ તો વ્યક્ત કર્યો પરંતુ, નિરાશા પણ ત્રીજી લહેરની ચેતવણીરુપે છલકાઈ હતી. કોરોના મહામારીને એક વર્ષ થયું ત્યારે વિચારીએ કે સમાજમાં શું પરિવર્તન આવ્યું છે. વેક્સિન અતિ ઝડપે વિકસાવાઈ તે વિજ્ઞાનના વધેલા મહત્ત્વને દર્શાવે છે. લોકોને કોરોના વાઈરસ એટલે શું તેની જાણકારી ન હતી ત્યારે વિશ્વના વિજ્ઞાનીઓએ તક ઝડપી લીધી અને લોકોની ઈમ્યુનિટી વધારી વાઈરસનો સામનો કરી શકાય તેવી વેક્સિન આજે હાજર છે જેને વિકસાવતા સામાન્ય સંજોગોમાં ૧૦ વર્ષ થઈ જતાં હોય છે. વેક્સિનેશન બાબતે બ્રિટન વિશ્વમાં સૌથી આગળ રહ્યું છે તેને ગૌરવ લેખાવી શકાય.
આ એક વર્ષના ગાળામાં ઘણું થઈ ગયું છે. ભારતની પાંચ કંપનીઓ વેક્સિનને વિકસાવવામાં અગ્રેસર રહી અને પરિણામે ભારત ‘વૈશ્વિક ફાર્મસી’ તરીકે સ્થાપિત થઈ શક્યું છે. અન્ય બાબત એ પણ ધ્યાનમાં લેવી આવશ્યક છે કે વિશ્વના અર્થતંત્રોને બારે માર પડ્યો છે. દેવું કરીને પણ ઘી પીવાની ચાર્વાકનીતિ જ દુનિયાને ક્મ લાગી છે. બ્રિટને પણ નાગરિકોની આર્થિક હાલત વધુ ખરાબ ન થાય તે માટે લગભગ ૪૦૦ બિલિયન પાઉન્ડનું કરજ કરવાની હામ ભીડી છે. આ જંગી દેવાંમાંથી બહાર આવવામાં યુકેને એક દશકો લાગી જશે તેમ કહેવાય છે. ભારતની વાત કરીએ તો કોરોનાને કારણે વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવામાં તેને ત્રણ વર્ષનો ધક્કો વાગ્યો છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે ભારત ૨૦૨૮માં વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની સિદ્ધિ હાંસલ કરશે તેવી આગાહી છેક ૨૦૧૭માં કરી હતી પરંતુ, હવે ૨૦૩૧-૩૨માં ભારતનું અર્થતંત્ર જાપાનની બરાબરી કરશે તેમ કહેવાયું છે.
આપણે હાલમાં જ બ્રિસ્ટોલમાં રમખાણો નિહાળ્યા. સરકારી બિલનો વિરોધ કરવા ૩૦૦૦થી વધુ લોકો કોરોના વાઈરસની તમા રાખ્યા વિના જ ટોળે વળ્યાં હતા. આવી હાલતમાં ત્રીજી લહેરને મોકળું મેદાન ન મળે તો જ નવાઈ કહેવાય. ભારતમાં પણ ચૂંટણીઓ અને કુંભમેળા તેમજ અન્ય ઉત્સવોને માણવામાં લોકો અને સત્તાધારીઓ કોરોનાના કહેરને ભૂલી જાય ત્યારે ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ સિવાય બીજું શું કહી શકીએ?