ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના બિનસત્તાવાર સ્ટ્રેટેજિક ગ્રુપ ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ (QUAD)ની પ્રથમ વર્ચ્યુઅલ શિખર પરિષદ ૧૨ માર્ચે યોજાઈ હતી જેમાં, અમેરિકાના પ્રમુખ જોસેફ આર. બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિદ સુગા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. આ શિખર પરિષદમાં કોરોના મહામારીનો સામનો કરવા વેક્સિનના ઉત્પાદનમાં સહકાર સાધવાનો પણ નિર્ણય લેવાયો છે. ભારતની વેક્સિન ઉત્પાદનક્ષમતાને વધારવા અમેરિકા સહિતના સભ્યો સંસાધનો ફાળવશે જેથી ઈન્ડો-પાસિફિક વિસ્તારના દેશોને મદદ થઈ શકે. એક સમયે ક્વોડનું વિશેષ મહત્ત્વ ન હતું પરંતુ, ચીનની વિસ્તારવાદી નીતિ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રભુત્વ હાંસલ કરવાની ચાલાકી સામે અમેરિકાની આગેવાની હેઠળના આ જૂથમાં ભારતનું મહત્ત્વ વધી ગયું છે. એક સમયે એશિયા-પેસિફિક રીજિયન તરીકે ઓળખાતો આ વ્યૂહાત્મક વિસ્તાર હવે ઇન્ડો-પેસિફિક નામે ઓળખાય છે અને તે ચીનના પેટમાં દુઃખે છે કારણકે તેનાથી ભારતનું મહત્ત્વ વધે છે. વડા પ્રધાન મોદીએ બેઠકમાં સ્પષ્ટ કહ્યું છે કે ઈન્ડો-પેસેફિક વિસ્તાર ફ્રી ફોર ઓલ રહે એ આપણી પ્રાથમિકતા છે. આનો ઘા ચીનને વાગ્યો છે. તેણે એટલે સુધી કહ્યું છે કે ક્વોડની બેઠકથી ભારતને ચીનની એક પણ ઈંચ જમીન પર કબ્જો કરવામાં મદદ મળવાની નથી. આ તેનો બળાપો જ છે કારણકે ભારતની નીતિ ચીનની તો શું કોઈ અન્ય દેશની ભૂમિ પર કબજો જમાવવાની નથી.
ભારતની એક્ટ ઇસ્ટ વિદેશ નીતિમાં પ્રાથમિકતા ધરાવતા આસિયાન દેશો પણ ચીનથી પરેશાન છે. આર્થિક વિકાસ અને ટેકનોલોજીના મામલે પછાત આસિયાન દેશોને ભારત ઘણી રીતે મદદરૂપ થઇ શકે છે.
આ વૈશ્વિક નેતાઓમાં પ્રાદેશિક અને દરિયાઇ સુરક્ષા અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા ઉપરાંત, સ્વતંત્ર અને સમાવિષ્ટ ઈન્ડો-પાસિફિક ક્ષેત્રને જાળવવા પરસ્પર ટેકો આપવા સંમતિ સધાઈ છે. ક્વોડના ચારે દેશોએ ઈન્ડો –પાસિફિક ક્ષેત્રમાં કોઈ ધાકધમકીને વશ નહિ થવાનો મક્કમ ઈરાદો વ્યક્ત કર્યા પછી બંગાળના અખાતમાં ફ્રાન્સ સાથે મળીને સંયુક્ત નૌકાદળ કવાયત ચોથી એપ્રિલથી આરંભાશે તે પણ સૂચક છે. આ પછી, ભારત અને ફ્રાન્સની નૌકા કવાયતમાં સંયુક્ત આરબ અમિરાત (UAE)ને પણ સામેલ કરવામાં આવનાર છે.
જાપાન અને અમેરિકામાં સરકારો બદલાઈ છે પરંતુ, ક્વોડની રણનીતિ જરા પણ બદલાઈ નથી. અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડન પણ ચીન મુદ્દે પૂર્વ પ્રમુખ ટ્રમ્પની નીતિને આગળ વધારવા તૈયાર છે. યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા મિત્રદેશો છે અને તેમણે ભારતને પણ સમાવી લીધું છે તેની પાછળ આંતરરાષ્ટ્રીય તખતા પર વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતનું વધેલું મહત્ત્વ કારણભૂત છે.
ચીને તાજેતરમાં ૨૦૨૫ સુધીના આયોજનના કેટલાક પ્રસ્તાવો મૂક્યા છે. જે સીધી રીતે ભારત અને વિશ્વને પણ અસર કરી શકે છે. તિબેટથી આરંભાતી, ભારત અને બાંગલોદેશમાં થઈને વહેતી બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધવાની યોજના ભારતમાં તારાજી અને દુકાળ એક સાથે સર્જી શકે તેમ છે. આ ભારત સાથેના જળ-યુદ્ધની શરુઆત હોઈ શકે. હોંગકોંગ પર લોખંડી પકડ મજબૂત બનાવી તેને ચીનમાં ભેળવી દેવાની પણ યોજના છે. બ્રિટને ૧૯૯૭માં ચીનને હોંગકોંગ સોંપ્યું ત્યારે તેની સ્વતંત્રતા જાળવવાની મુખ્ય શરત હતી પરંતુ, ચીન આવી કેટલી શરતો, સંધિઓને ધોળીને પી ગયું છે. આ ઉપરાંત, ચીન વિશ્વના નેતાપદે અને ટેકનોલોજીમાં સુપરપાવર બનવા માગે છે જે માર્ગમાં અમેરિકા મુખ્ય અવરોધ છે. તિબેટને પચાવી પાડ્યા પછી ચીને હવે સાંસ્કૃતિક પરિવર્તનની ચાલ ખેલી છે. તિબેટમાં માર્ગો સહિતના વિકાસકાર્યો થકી તેની સાંસ્કૃતિક ઓળખનો નાશ કરવાની નેમ ચીન રાખે છે. આવા દોંગલા ચીનને અટકાવવું આવશ્યક છે અને ક્વોડ તેમાં મુખ્ય શસ્ત્ર બની રહેશે તેમાં કોઈ શંકા નથી.