લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને ત્રણ મહત્ત્વના રાજ્યો - રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો મોટો ઝાટકો વાગ્યો છે. ભાજપના રણનીતિકારો હારના કારણો શોધી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને પક્ષના કેટલાક નેતાઓ આ હાર માટે ખેડૂતોની નારાજગીને જવાબદાર ઠેરવી રહ્યાં છે. બીજી તરફ, કોંગ્રેસે સત્તામાં આવતાની સાથે જ વચન મુજબ ખેડૂતોની દેવાંમાફી શરૂ કરી દીધી છે. હવે આ ગાડરિયો પ્રવાહ આગામી લોકસભા ચૂંટણીમાં વેગ પકડશે કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરનાં ખેડૂતોના દેવાંમાફ નહિ થાય ત્યાં સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિથીં ઊંઘવા નહીં દેવાનો પડકાર ફેંકતાં વચન આપ્યું છે કે આગામી ચૂંટણીમાં જો તેમનો પક્ષ સત્તા પર આવ્યો તો તમામ કૃષિલોન માફ કરી દેવાશે. ખરાબ ઋતુચક્ર, પાક પાછળ વધુ ખર્ચ અને કૃષિપેદાશના મળતા ઓછાં ભાવ, બેન્કો અને શાહુકારોના કરજનું મોટું ભારણ જેવાં કારણોના કમરતોડ ફટકા ખાઇ રહેલા ખેડૂતો હવે સંવેદનશીલ મતબેન્ક બન્યા હોવાનું જણાય છે.
કુદરતની દયા પર જીવતા દેશના ગરીબ ખેડૂતોને રાહત આપવા દેવું માફ કરવું એ મોટાં ગુમડાં પર બેન્ડ-એઈડ લગાવવા જેવું છે. પીડામાં કદાચ તત્કાળ રાહત મળી શકે, પરંતુ સાચી સારવાર ગણી ન શકાય. દેવાંમાફીની અસર મર્યાદિત જ રહે છે. તેનાથી ખેતપેદાશોની ઘટતી કિંમતો અને વધતાં ખર્ચાની મૂળભૂત સમસ્યા કાબુમાં લાવી શકાતી નથી. અર્થશાસ્ત્રીઓથી માંડીને રાજકીય પક્ષો, સહુ કોઇ આ વરવી વાસ્તવિક્તા જાણે છે અને છતાં શાસક-વિપક્ષ દેવાંમાફીના વચન આપતા ફરે છે. કારણ? રાજકારણીઓ માટે આ એકદમ સરળ અને લોકરંજક ઉપાય છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાથી આજ સુધીમાં આઠ રાજ્ય સરકારો કુલ ૧.૯ ટ્રિલિયન રૂપિયાની દેવાંમાફી જાહેર કરી ચૂકી છે. આની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૧૭માં ઉત્તર પ્રદેશની ચૂંટણી વેળા થઇ હતી. વચન અનુસાર ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ખેડૂતોને ૩૬,૦૦૦ કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકાર ૩૪,૫૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. કોંગ્રેસે સત્તાપ્રાપ્તિ સાથે જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે.
કૃષિપ્રધાન ભારતની ૭૦ ટકા પ્રજા ખેતી અથવા ખેતી આધારિત મજૂરી પર નભે છે. દેશમાં દર અડધા કલાકે એક ખેડૂત આપઘાત કરે છે. આ ઉપરાંત, ખેતીની સિઝન પર આધાર રાખીને પેટિયું રળતા ખેત મજૂરોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ ઊંચું છે. દેશમાં દર વર્ષે ૧૨,૦૦૦ ખેડૂતો આત્મહત્યા કરે છે. એક બિનસરકારી આંકડા મુજબ દેશમાં રોજ અંદાજે ૩૫ ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ છેલ્લાં ૨૫ વર્ષમાં ૩.૨૫ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
મોટા ભાગના અભ્યાસો એમ કહે છે કે નાના ખેડૂતોને જો દેવાંમાફીનો લાભ મળે તો પણ તેમાંથી બચેલા નાણાનો ઉપયોગ વપરાશની પ્રવૃત્તિઓમાં કરી નાખે છે અને છેવટે તો દેવાંદાર જ રહે છે. બેન્કો પાસેથી લોન તરીકે નાણા મેળવનાર નાના ખેડૂતોની સંખ્યા ઓછી હોય છે જેની સરખામણીએ મધ્યમ અને મોટા ખેડૂતો વધુ પ્રમાણમાં બેન્ક લોન મેળવે છે. નાના ખેડૂતોને શાહુકારોની દયા પર જીવવું પડે છે. દેવાંમાફી સિવાય પણ ખેડૂતોની સમસ્યા હળવી કરવાના અનેક સારા વિકલ્પો છે.
નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે તો સ્પષ્ટ કહ્યું છે કે કૃષિક્ષેત્રની સમસ્યાઓને હળવી બનાવવાં દેવાંમાફી લાંબા ગાળાનો ઉકેલ નથી. આ ક્ષેત્ર રાજ્ય હસ્તક હોવાથી સરકાર કૃષિલોન માફ કરવાનો નિર્ણય લઈ શકે, પરંતુ તેમણે પોતાની રાજકોષીય સ્થિતિનો ખ્યાલ રાખવો જોઈએ. આમાં રાજ્યોની આર્થિક હાલત નબળી પડશે તો આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવામાં તકલીફ જ પડવાની છે. નીતિ પંચનું માનવું છે કે ગરીબ રાજ્યોમાં દેવાંમાફીથી માત્ર ૧૦થી ૧૫ ટકા ખેડૂતોને લાભ થાય છે. હકીકત એ છે કે દેવાંમાફી બાદ પણ ખેડૂતોની બદહાલી ગઇ નથી. હવે તો ખેડૂતોનું દેવું માફ કરીને રાજકીય લાભ ખાટવાની જાણે એક પરંપરા બની ગઇ છે. તાજેતરના એક સરવે મુજબ દેશના ૫૨.૫ ટકા ખેડૂતો દેવાંમાં ડૂબેલા છે.
દેશના ખેડૂતોની સ્થિતિ સુધારવી હશે તો તેમની જળસુવિધા તથા પાકપદ્ધતિની ઉપલબ્ધ સ્રોતો પ્રમાણે ગોઠવણ કરવાનો વ્યૂહ અપનાવવો જરૂરી છે. દેશમાં સિંચાઈ સુવિધાનો વ્યાપક અભાવ જોવા મળે છે જેને કારણે ચોમાસાની નિષ્ફળતા અથવા તો દુકાળની સ્થિતિમાં
પાકને વ્યાપક નુકસાન થાય છે. સિંચાઈ માટે પૂરતી વીજળી અને પાણી, પાક માટે સસ્તું ખાતર મળતું નથી.
દેશનો ખેડૂત નારાજ છે કારણ કે ખેતી કરવી વધુ મુશ્કેલ બની રહી છે. પાકની વાવણીથી લણણી સુધીના ગાળામાં તો ખેડૂતોની હાલત જર્જર થઇ ગઇ હોય છે અને તેમણે દેવાં કરીને પણ પરિવારનો ગુજારો કરવો પડે છે. નાના અને સીમાંત ખેડૂતો ખેતપેદાશો બજારમાં લઇ જાય છે ત્યારે વેપારીઓ તેમની જરૂરિયાત અને મજબૂરીનો તગડો લાભ ઉઠાવી પોતે નફો રળી લે છે. સરકારોએ ખેડૂતોની મદદ કરવા દેવાંમાફીના સ્થાને તેમને લોનની જરૂર ન પડે અને તેઓ આર્થિક રીતે સ્વાવલંબી બનવા સાથે ખેતીવાડીમાં સુગમતા પડે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.