ગુજરાત ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે વાઇબ્રન્ટ બનીને ઉભર્યું છે. આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૦૦થી વધુ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ) થયા છે. વિવિધ પક્ષકારો વચ્ચે આ સમજૂતી કરારો અમલી બન્યે રાજ્યમાં લાખો રોજગારી સર્જાવાની ઉજળી શક્યતા સર્જાઇ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વાઇબ્રન્ટના પ્રારંભ પૂર્વે ગળુ ખોંખારીને દાવો કર્યો હતો કે દેશ-વિદેશથી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાતને સફળતા મળી રહી છે. આનું શ્રેય તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિ તેમજ રાજ્ય સરકારના ઘનિષ્ઠ માર્કેટિંગને આપ્યું હતું. સાથોસાથ રાજ્યમાં ઉદ્યોગોને અનુકૂળ માહોલની પણ તેમણે વાત કરી હતી. રાજ્યમાં જંગી મૂડીરોકાણ માટે થયેલા એમઓયુના આંકડા તેમના દાવાને સમર્થન આપે છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
રિલાયન્સ ગ્રૂપે ગુજરાતની તમામ સ્કૂલ-કોલેજ અને ગામને જિયો નેટવર્કથી જોડવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રૂપે ગુજરાતમાં વધુ ૧૬ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે તો જાપાનની જગવિખ્યાત ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટર્સે ગુજરાતમાં તેના પ્લાન્ટની ક્ષમતા વધારવાની જાહેરાત કરી છે. રશિયા, રવાન્ડા જેવા દેશો અને બીજી એજન્સીઓ સાથે થયેલા શ્રેણીબદ્ધ સમજૂતી કરારો તો અલગ. આ સમજૂતી કરારોનો સમયસર અને સુચારુ અમલ થયે ગુજરાત દેશમાં ડિફેન્સ હબ - લશ્કરી શસ્ત્રસરંજામનું ઉત્પાદન કરતાં મથક તરીકે ઉભરી આવે તો નવાઇ નહીં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું તેમ દેશના અર્થતંત્રની આગેકૂચને કોઇ અટકાવી શકે એમ નથી. નીતિવિષયક બદલાવ અને અનુકૂળ માહોલથી દેશ-વિદેશના ઉદ્યોગગૃહો ગુજરાત અને ભારત પ્રત્યે આકર્ષાઇ રહ્યા છે. સંભવતઃ આ જ કારણસર ટાટા જૂથના વડેરા રતન ટાટાએ તેમના એ શબ્દોનો પુનરોચ્ચાર કર્યો હતો કે જો તમે ગુજરાતમાં (મૂડીરોકાણ ધરાવતા) ન હો તો મૂર્ખ છો. વડા પ્રધાન મોદીની નીતિ-રીતિને પ્રશંસાના ફૂલડે વધાવનારા રતન ટાટા એકલા નહોતા. રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી, અદાણી જૂથના ગૌતમ અદાણી ઉપરાંત દેશ-વિદેશથી આવેલા બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઇઓ અને રાજદ્વારીઓ પણ તેમના સંબોધનમાં મોદીની ભારોભાર પ્રશંસા કરતા સાંભળવા મળ્યા. નોટબંધી જેવો હિંમતભર્યો નિર્ણય અને દેશના અર્થતંત્રને કોરી ખાતી ભ્રષ્ટાચાર તથા કાળાં નાણાં જેવી બદી સામે આકરું વલણ અપનાવનાર વડા પ્રધાનના વખાણ થાય એ સ્વાભાવિક છે.
ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી ગુજરાતને અને દેશને ભૂતકાળમાં ફાયદો થયો છે, થઇ રહ્યો છે અને ભવિષ્યમાં પણ થશે જ તે વાતે શંકાને કોઇ સ્થાન નથી. સમિટથી ગુજરાતનું, ભારતનું નામ વિશ્વતખતે, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં જાણીતું થયું છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. ગાંધીનગરના સીમાડે સાકાર થયેલા ‘ગિફ્ટ’ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી)માં ઇન્ટરનેશનલ એક્સચેન્જનો પ્રારંભ ફાઇનાન્સિયલ સર્વીસીસના ક્ષેત્રે ગુજરાતનું સામર્થ્ય પુરવાર કરે છે. વિશ્વનું આ સૌથી ઝડપી એક્સચેન્જ ચાર માઇક્રોસેકન્ડમાં ઓર્ડર પ્રોસેસ કરશે. વડા પ્રધાને તેના ઉદ્ઘાટન પ્રસંગે ભારતનું ભૌગોલિક મહત્ત્વ દર્શાવતા કહ્યું હતું કે ઉત્તમ ટાઇમ ઝોન ધરાવતું ભારત પૂર્વથી પશ્ચિમના દેશો સુધી વેપાર ક્ષમતા ધરાવે છે.
મોદી સરકારે જ્યારથી દેશની શાસનધૂરા સંભાળી છે ત્યારથી સ્થાનિક સ્તરે વેપાર-ઉદ્યોગોમાં ચેતનાનો સંચાર કરવા ‘મેઇક ઇન ઇન્ડિયા’ પર ફોકસ કરી રહી છે. આની સાથોસાથ તેણે ગરીબી અને બેરોજગારી નાબૂદીમાં ઊંચા લક્ષ્યાંકો સિદ્ધ કરવાના છે. તો નોટબંધીથી અર્થતંત્રમાં આવેલી મંદી સામે પણ ઝીંક ઝીલવાની છે. ભારત જેવા વિશાળ દેશના અર્થતંત્રને કેશલેસ બનાવવાનો તો પડકાર છે જ. વડા પ્રધાને તેમના સંબોધનમાં સ્વચ્છ અને પારદર્શક વહીવટ પર ભાર મૂક્યો હતો. તો દેશના આર્થિક સુધારા અને ઉજળી બાજુઓ વિશ્વસમુદાય સમક્ષ રજૂ કરીને જંગી મૂડીરોકાણ માટે પણ આહવાન કર્યું છે.
ટૂંકમાં, વાયબ્રન્ટ શિખર પરિષદના માધ્યમથી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાતે મજબૂત દાવેદારી કરી છે. રાજ્યના, દેશના વિકાસને તેનાથી વેગ મળશે. અલબત્ત, ગુજરાત સરકારે જે તકો ઊભી થઇ છે અથવા તો ઉમ્મીદ જાગી છે એ નક્કર સ્વરૂપ પામે તે માટે મહેનત કરવી પડશે, તકેદારી રાખવી પડશે.
ભારત બહુવિધ ભાષા, બહુવિધ સંસ્કૃતિ સમાવતો દેશ છે તે સાચું, પરંતુ તેણે ગરીબીથી માંડીને બેરોજગારી સહિતના પડકારો સામે ઝીંક ઝીલીને આર્થિક વિકાસના મોરચે હરણફાળ ભરવી હશે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આશરો લીધા વગર છૂટકો નથી. સંભવતઃ આ જ કારણસર, દેશની ભાવિ પેઢીને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્ર પ્રત્યે આકર્ષવા માટે આ વખતે પહેલી વાર વાઇબ્રન્ટ સમિટમાં નવ નોબેલ પારિતોષિક વિજેતાઓને ગુજરાત આમંત્રવામાં આવ્યા હતા. તેમના વિચારો-જ્ઞાનનો લાભ મેળવવાનો પ્રયાસ પ્રશંસનીય રહ્યો. ખરેખર તો નોબેલ વિદ્વાનોના વક્તવ્ય અને સૂચનો વિશેષ મહત્ત્વ ધરાવે છે. વૈજ્ઞાનિક ડેવિડ ગ્રોસે સંશોધન અને વિકાસ ક્ષેત્રે અમેરિકા, ચીન જેવા દેશોની તુલનાએ ભારત ઘણું પાછળ હોવાના મુદ્દે જે અંગૂલીનિર્દેશ કર્યો છે તેને સરકારે ગંભીરતાથી ધ્યાને લેવો રહ્યો. તેમણે કહ્યું કે, અમેરિકામાં દર ૧૦ હજાર વ્યક્તિએ ૮૦ વ્યક્તિ વિજ્ઞાનની શોધ-સંશોધનની કામગીરી સાથે સંકળાયેલી છે. ચીનમાં આ આંકડો દર ૧૦ હજારે ૨૦નો છે, પણ ભારતમાં તો આ આંકડો માત્ર ચાર જ છે.
શાસકોએ યુવા પેઢીને વિજ્ઞાન-ટેક્નોલોજી ક્ષેત્રે આકર્ષવા માટે નોબેલ વિજેતા વિજ્ઞાનીઓના સ્પષ્ટ વિચારોની યોગ્ય નોંધ લઇ ખામી સુધારવા પર લક્ષ આપવું રહ્યું. ગુજરાત હોય કે ગોવા, મહારાષ્ટ્ર હોય કે મધ્ય પ્રદેશ આગેકૂચ કરવા માટે કોઇને પણ વિજ્ઞાનની ઉપેક્ષા કરવાનું પાલવે તેમ નથી.
મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વાઇબ્રન્ટ ગુજરાતને તાયફો ગણાવે છે. તો એક ટીકા એવી પણ થાય છે કે હજારો સમજૂતી કરારો અને જંગી મૂડીરોકાણની જાહેરાતો તો થાય છે, પરંતુ કરાર અને તેના અમલીકરણ વચ્ચે ખાસ્સું અંતર જોવા મળે છે. છ સમિટ દરમિયાન કુલ ૫૧,૩૭૮ એમઓયુ થયા છે, જેમાંથી ૩૪,૨૩૪ સફળ રહ્યા છે. મતલબ કે સફળતાની સરેરાશ ૬૬ ટકા છે. આ આંકડો નાનો તો નથી જ. સાચુંખોટું સરકાર જાણે, પરંતુ તેણે યાદ રાખવું રહ્યું કે સમજૂતી કરારો અને કરોડો-અબજો રૂપિયાના મૂડીરોકાણના આંકડાઓની વાતો સાથે આમ આદમીને કોઇ નિસ્બત નથી. તેને તો રોજિંદા જીવનમાં હાડમારી ઓછી થાય, રોટી કપડાં ઔર મકાન આસાનીથી મળી રહે તેમાં રસ હોય છે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન વડા પ્રધાને આ દિશામાં યોગ્ય પગલાં ભરવાનો ભરોસો આપ્યો છે તે ઉલ્લેખનીય છે.
આશા રાખીએ સમજૂતી કરારોનો સમયબદ્ધ અમલ થાય અને રાજ્ય તથા દેશમાં મૂડીરોકાણનો પ્રવાહ વધવાની સાથોસાથ લોકોના જીવનધોરણમાં પણ ગુણવત્તાયુક્ત સુધારો થાય. જો આમ નહીં થાય તો ગમેતેટલો મોટો આર્થિક વિકાસ એકડા વગરના મીંડા જેવો બની રહેશે.