ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઇ ગયા છે. રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોને પોતપોતાની રીતે મૂલવી રહ્યા છે. પરિણામોનું રાજકીય વિશ્લેષણ પણ લાંબા સમય સુધી થતું રહેશે. જોકે આ બધા છતાં એક વાત તો સ્પષ્ટ છે કે ૨૨ વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહેલો ભાજપ પોતાનો ગઢ બચાવવામાં ભલે સફળ રહ્યો, પણ ભરશિયાળે તેને પરસેવો જરૂર વળી ગયો છે. બે દસકાથી ભાજપ-શાસિત ગુજરાતને દેશભરમાં વિકાસના મોડેલ તરીકે રજૂ કરાઇ રહ્યું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વેળા આ જ વિકાસ મોડેલને આગળ કરીને ભાજપે ચૂંટણી લડી હતી અને જ્વલંત સફળતા પણ મેળવી હતી. આમ ગુજરાતને એક પ્રકારે ભાજપના અભેદ્ય કિલ્લો તરીકે જોવામાં આવતું હતું. પરંતુ આ વખતના વિધાનસભા ચૂંટણી પરિણામોએ કિલ્લામાં ગાબડું પાડ્યું છે. અઢી દસકામાં આ પહેલો પ્રસંગ હતો કે ૧૫૦ પ્લસનો દાવો કરનારા ભાજપને ૧૦૦ના આંકડે પહોંચવામાં પણ પન્નો ટૂંકો પડ્યો. મતહિસ્સો વધવા છતાં તેણે ૧૬ બેઠકો ગુમાવવી પડી છે. તેના છ પ્રધાનોને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
એવું મનાતું હતું કે ભાજપ આ વખતેય ગુજરાતમાં જ્વલંત સફળતા મેળવશે તો વિકાસનો દાવો વધુ મજબૂત બનશે અને કેન્દ્રમાં મોદી સરકારને તેની મહત્ત્વાકાંક્ષી યોજનાઓને સાકાર કરવામાં સરળતા થશે. જોકે એવું થયું નથી. જે પ્રકારે ગુજરાતની ચૂંટણીમાં એક પછી એક મુદ્દા ઉઠાવવામાં આવ્યા, ભાવનાત્મક મુદ્દે નિવેદનો થયા, વડા પ્રધાને ૩૦થી વધુ રેલી-સભાઓ યોજી અને આ પછી પણ જે પરિણામ આવ્યા તે ભાજપ માટે ચિંતાજનક છે.
ભાજપનું નેતૃત્વ એ વાતનો સંતોષ લઇ શકે કે ગુજરાતમાં ભાજપની બેઠકો ભલે ઘટી, પણ રાષ્ટ્રીય સ્તરે તેનો વ્યાપ વધ્યો છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિજય સાથે દેશમાં ભાજપશાસિત રાજ્યોની સંખ્યા વધીને ૧૯ થઇ છે, જ્યારે કોંગ્રેસનું શાસન પાંચ રાજ્યોમાં જ રહ્યું છે. તો શું નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ‘કોંગ્રેસમુક્ત ભારત’નું સપનું સાકાર થઇ રહ્યું છે? ના. ગુજરાતના પરિણામોએ પુરવાર કરી દીધું છે કે કદાચ આવું ક્યારેય નહીં થઇ શકે.
ગુજરાતના ચૂંટણી પરિણામો મરણપથારીએ પડેલી કોંગ્રેસમાં ચેતનાનો સંચાર કરશે તેમાં બેમત નથી. કોંગ્રેસ પાસે હવે યુવા નેતૃત્વ છે. રાહુલ ગાંધીએ પક્ષનું અધ્યક્ષ પદ સંભાળ્યું છે. તેમણે ગુજરાતમાં દિવસ-રાત કરેલી મહેનતના મીઠા ફળ પક્ષને મળ્યા છે. જે પ્રકારે તેમણે ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી કરી અને ચૂંટણી પરિણામો આવ્યા છે તે અવશ્ય કોંગ્રેસનો ઉત્સાહ વધારે તેવા છે. રાહુલ ગાંધી આ ચૂંટણી વેળા મંદિરોમાં પણ ગયા અને પોતાને શિવભક્ત પણ ગણાવ્યા. આમ કરીને તેમણે લોકોને શું સંદેશ આપવાનો પ્રયાસ કર્યો એ તો સમજાતું નથી, પણ કદાચ તેઓ ભાજપને તેની જ ભાષામાં જવાબ આપવા માગતા હતા. આની સાથોસાથ તેમણે ખેડૂતોની મુશ્કેલીઓ અને યુવાનોની બેરોજગારીના પ્રશ્નોને પણ ઉઠાવ્યા. કોંગ્રેસને આનો લાભ સૌરાષ્ટ્રમાં થયો. સૌરાષ્ટ્રમાં ખેડૂતોની બહુ મોટી સંખ્યા હોવાથી કોંગ્રેસને ત્યાં ઘણો ફાયદો થયો છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પક્ષની સ્થિતિમાં ખાસ કંઇ સુધારો થયો નથી તે અલગ વાત છે. આમ છતાં કોંગ્રેસે ગુજરાતમાં ૧૯૮૫ પછી સૌથી વધુ ૮૦ બેઠકો મેળવીને ઝમકદાર દેખાવ કર્યો છે તે હકીકત છે.
ચૂંટણી પરિણામો જોઇને કોંગ્રેસીઓ ભલે કોલર ઊંચા રાખીને ફરવા લાગ્યા હોય, પરંતુ આ પરિણામોમાં તેના માટે પણ બોધપાઠ છે. સવાસો બેઠકો જીતવાનો દાવો કરી રહેલી કોંગ્રેસ ૨૨ વર્ષના શાસનવિરોધી જુવાળને પણ પોતાની તરફેણમાં કરવામાં નિષ્ફળ રહી છે તે કડવી વાસ્તવિક્તા છે. નોટબંધી અને જીએસટીનો વિરોધ તેમજ પાટીદાર આંદોલનથી સર્જાયેલા માહોલે તેની બેઠકો તો વધારી છે, પરંતુ તે સત્તાની સમીપ પણ પહોંચી શકી નથી. પ્રદેશ કોંગ્રેસના મોટા માથા ગણાતા અર્જુનભાઇ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી અને સિદ્ધાર્થ પટેલનો કારમો પરાજય થયો છે.
ગુજરાતના મતદારોનો આવો મિજાજ દર્શાવે છે કે તેમણે બન્ને રાજકીય પક્ષો અને તેના નેતાઓને કટ ટુ સાઇઝ કરવામાં કોઇ કસર છોડી નથી. શાણા મતદારોએ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને પણ તેના કદનું ભાન કરાવી દીધું છે. ચૂંટણી દરમિયાન લાગતું હતું કે રાજ્યમાં હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ત્રીજો વિકલ્પ ઉભો થવાના ઉજળા સંજોગો સર્જાયા છે, પણ તેમના કમનસીબે આવું બન્યું નહીં. આ યુવા ત્રિપુટીએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને ગુજરાતના રાજકારણમાં આગવું સ્થાન ઉભું કરવાની સોનેરી તક વેડફી નાખી છે એમ કહી શકાય.
હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો તેમાં કંઇ અણધાર્યું નથી. ત્યાં છેલ્લા ત્રણ દસકાથી એક વખત કોંગ્રેસ તો એક વખત ભાજપ સત્તાના સૂત્રો સંભાળતો રહ્યો છે. રાજ્યની ૬૮માંથી ૪૪ બેઠકો જીતવા છતાં ભાજપના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલને પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના અનેક પ્રધાનોને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
બન્ને રાજ્યોના ચૂંટણી પરિણામો આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પર અસર પાડશે તેમાં બેમત નથી. કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢ સહિત આઠ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ રાજકીય પક્ષોને નવો રાજકીય વ્યૂહ અપનાવવા માટે મજબૂર કરશે.
સમગ્રતયા કહી શકાય કે ગુજરાતના ચૂંટણી પરિણામો શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સહિતના તમામ પક્ષો માટે કોઇને કોઇ સંદેશ લઇને આવ્યા છે. આ સંદેશને કોણ, કઇ રીતે વાંચી શકે છે એ તો સમય જ કહેશે.