લોહપુરુષ સરદાર પટેલે નિહાળેલું નર્મદા બંધ નિર્માણનું સ્વપ્ન સાત દસકા બાદ સાકાર થયું છે. સરદાર સરોવર નર્મદા બંધ માત્ર ગુજરાતને જ નહીં, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રને પણ અનેકાનેક લાભ આપશે. પીવાના અને સિંચાઇના પાણીની સાથે સાથે વીજળીનું પણ ઉત્પાદન થશે. ગુજરાત માટે જીવાદોરીસમાન નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું રાષ્ટ્રાર્પણ કર્યું તે પળને ઐતિહાસિક જ ગણવી રહી. વારંવાર દુષ્કાળનો ભોગ બનતા ગુજરાતમાં પાણીની કારમી તંગી ભૂતકાળ બનશે જ સાથોસાથ નર્મદાની જળ-રાશિ રાજ્યના વિકાસની નવી ભાગ્યરેખા બનશે.
ડેમ ૧૩૮.૬૮ મીટરની તેની મહત્તમ ઊંચાઇ પહોંચતા હવે કુલ ૪.૭૩ મિલિયન એકર ફૂટ જળરાશિનો સંગ્રહ થશે. ૧૪૫૦ મેગાવોટ વીજળી પેદા થશે, જેમાંથી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતને અનુક્રમે ૫૭, ૨૭ અને ૧૬ ટકા વીજળી મળશે. ગુજરાતના તમામ ડેમ કરતા નર્મદા ડેમની જળસંચય ક્ષમતા ૨૫ ટકા કરતાં પણ વધુ છે. પ્રોજેક્ટ સાકાર થતાં કુલ ૮૨૨૧ ગામ, ૧૫૯ શહેરો અને ૮ મહાનગરને પીવાલાયક શુદ્ધ પાણી આપી શકાશે. ૧૭.૯૨ લાખ હેકટરને સિંચાઇ માટે પાણી મળશે, જેનો લાભ ૧૦ લાખ ખેડૂતોને મળશે. ૩૦ હજાર હેકટરમાં પૂર નિયંત્રણનો લાભ મળશે. ૧૦ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે.
૧૯૪૬માં સરદારે બંધ નિર્માણનું સપનું સેવ્યું, ૧૯૬૧માં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ શિલાન્યાસ કર્યો, ૧૯૭૦માં નિર્માણનો પ્રારંભ અને ૨૦૧૭માં પ્રોજેક્ટ સંપન્ન થયો. વીતેલા દસકામાં નર્મદા નદીમાં ઘણાં નીર વહી ગયાં. બંધ નિર્માણ આડે અઢળક અડચણો આવી. આર્થિક અવરોધો ઉપરાંત સરકારોને બંધ મુદ્દે કાનૂની આંટીઘૂંટીઓનો પણ સામનો કરવો પડ્યો. કેટલાક સંગઠનો તો આજે પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આવા વિરોધથી માંડીને વર્લ્ડ બેંક દ્વારા લોન આપવાના ઇનકાર સુધીના અવરોધો વટાવી નર્મદા યોજના સાકાર થઇ છે. દરેક મોટા પ્રોજેક્ટ સામે આવી અડચણો આવતી જ રહેતી હોય છે અને ભવિષ્યમાં પણ આવતી રહેશે, પરંતુ હકીકત એ છે કે દેશના સૌથી ઊંચા બંધોમાંના એક સરદાર સરોવર સાથે ઇતિહાસની અનેક યાદો જોડાયેલી છે. વિશ્વકર્મા જયંતી પર્વે નર્મદા બંધ દેશવાસીઓને સમર્પિત કરતાં વડા પ્રધાને રજૂ કરેલા તથ્યો નોંધનીય છે.
આ યોજનાને વિશ્વમાં સૌથી વધુ વિરોધનો સામનો કરવો પડયો છે, છતાં યોજના સાકાર થઇ છે તે લોકશક્તિનો વિજય છે. વર્લ્ડ બેન્કે આર્થિક સહાય માટે નનૈયો ભણ્યો તો આમઆદમીથી માંડીને ધાર્મિક સંસ્થાનોએ નાણાંનો ધોધ વહાવીને સરકારી તિજોરી છલકાવી. અવરોધોના લીધે પ્રોજેક્ટ ખર્ચ વધતાં વધતાં ૬૫ હજાર કરોડ રૂપિયા થઇ ગયો, છતાં યોજના સાકાર થઇ. એન્જિનિયરીંગ માર્વેલ જેવી આ યોજના વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી યોજના છે. યોજના દરમિયાન જે વિશાળ સ્તરે લોકોનું સ્થળાંતર - પુનર્વસન થયું છે તે વિશ્વની અન્ય કોઇ યોજનામાં ભાગ્યે જ થયું હશે. આ પ્રોજેક્ટ માટે લોન આપવા ઇન્કાર કરનાર વર્લ્ડ બેંક સહિતના આંતરરાષ્ટ્રીય સંસ્થાનોએ પણ આની નોંધ લીધી છે, એટલું જ નહીં, શ્રેષ્ઠ કામગીરી તરીકે બિરદાવી પણ છે. યોજનાને ગુજરાતની જીવાદોરી ગણાવાય છે કેમ કે નરેનદ્ર મોદી કહે છે તેમ નર્મદાનું પાણી એ માત્ર પાણી નથી, પણ એ પારસમણી છે.
અલબત્ત, આ પારસમણી સ્પર્શ સમગ્ર ગુજરાતને મળે તે માટે રાજ્ય સરકારે બાકી રહેલું કેનાલ નેટવર્કીંગનું કામ ઝડપભેર સમેટવું પડશે. ડેમ સાથે સંકળાયેલી મુખ્ય નહેરનું કામ પૂરું થયું છે, પણ બ્રાન્ચ કેનાલથી માંડી માઇનોર કેનાલનું ત્રીસેક ટકા કામ બાકી છે. મતલબ કે લગભગ ૨૫ હજાર કિલોમીટરનું કેનાલ કામ અધૂરું છે. આ કામ જેટલું ઝડપથી પૂરું થશે તેટલું વહેલું સૌરાષ્ટ્ર-કચ્છના બાકી હિસ્સાને નર્મદાનું પાણી પહોંચતું થશે. જોકે આ અધૂરપ છતાં નર્મદા યોજનાનું મહત્ત્વ લેશમાત્ર ઓછું આંકી શકાય તેમ નથી.