ગુજરાતના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૧૪ વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. અમદાવાદની સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદા પર સમગ્ર દેશ નજર માંડીને બેઠો હતો. કોર્ટે ૨૪ આરોપીઓને કસૂરવાર ઠરાવ્યા છે, જ્યારે ૩૬ને નિર્દોષ છોડ્યા છે. દોષિતોને સજા હવે સંભળાવવામાં આવશે, અને જેમને નિર્દોષ મુક્ત કરાયા છે તેની પાછળના કારણ-તારણ પણ કોર્ટ હવે જાહેર કરશે. જોકે આ ચુકાદામાં સૌથી મહત્ત્વની અને નોંધનીય બાબત એ છે કે કોર્ટે તમામ આરોપીઓ પરથી પૂર્વયોજિત કાવતરાની કલમ રદ કરી છે. સાદા શબ્દોમાં કહીએ તો આ સામૂહિક હત્યાકાંડ - જે પ્રમાણે દુષ્પ્રચાર થઇ રહ્યો છે તે પ્રમાણે - પૂર્વયોજિત કાવતરું નહોતું, પણ તોફાની ટોળું ગુલબર્ગ સોસાયટીમાં ધસી ગયું અને ઉન્માદમાં હત્યાઓ થઇ.
આ ઘટનામાં માર્યા ગયેલા ૬૯ લોકોમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી પણ એક હતા. તેમના પત્ની ઝાકિયા જાફરી કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નથી. તેમના મતે આ અડધો જ ન્યાય છે અને અમે આગળ કાનૂની લડાઇ ચાલુ રાખશું. એક પીડિત પરિવારના સભ્ય તરીકે તેમનો આક્રોશ અસ્થાને નથી, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઇએ કે કોર્ટ પુરાવાને નજરમાં રાખીને ચુકાદાઓ આપતી હોય છે. અહીં લાગણી, સંબંધને કોઇ સ્થાન નથી. વળી, આ કેસમાં સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ખુદ સુપ્રીમ કોર્ટ હસ્તક હતું અને તપાસ ટીમના વડા પદે સીબીઆઇના તત્કાલીન વડા હતા.
૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશને તોફાની ટોળાએ સાબરમતી એક્સપ્રેસના કોચને આગ ચાંપી દીધી, જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા ૫૯ કારસેવકો માર્યા ગયા હતા. આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા, જેમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના અનેક લોકો માર્યા ગયા હતા. આ હકીકત છતાં કથિત બિનસાંપ્રદાયિક પરિબળો આ તોફાનોને લઘુમતી સમુદાય પરના જુલમ-અત્યાચાર તરીકે ખપાવીને ગુજરાતની છબીને બદનામ કરવાનો એક મોકો ચૂકતા નથી. આવા મુઠ્ઠીભર તત્વોના કારણે જ દેશમાં જ નહીં, વિદેશમાં પણ ગુજરાતની, ભારતની છબિ ખરડાઇ રહી છે.
લંડનથી પ્રસિદ્ધ થતાં દૈનિક ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’એ ચુકાદાનો અહેવાલ આપતાં નોંધ્યું છે કે ટ્રેનના કોચમાં ‘અકસ્માતે ફાટી નીકળેલી આગના’ કારણે રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. કેટલો તથ્યહીન અહેવાલ! એક કરતાં વધુ તપાસમાં પુરવાર થયું છે કે કોચને બહારથી બંધ કરીને જ્વલનશીલ પ્રવાહી રેડીને આગ લગાડાઇ હતી. રમખાણો માટે બહુમતી હિન્દુ સમુદાયને દોષિત ઠરાવાય છે, પણ પશ્ચિમી માધ્યમો એ ભૂલી જાય છે કે આ જ દેશની અદાલતોએ હિન્દુ-મુસ્લિમના ભેદભાવને નજરમાં રાખ્યા વગર, સંપૂર્ણ તટસ્થતા સાથે જુદા જુદા કેસમાં દોષિતોને કસૂરવાર ઠેરવ્યા છે. આ ભારતનું ન્યાયતંત્ર છે - જે લઘુમતી કે બહુમતીને નજરમાં રાખીને નહીં, પણ પુરાવાઓને તોળીને ચુકાદા આપે છે.
રાજ્યમાં સામૂહિક હિંસાની જે ઘટનાઓ બની હતી જેમાંનો એક કેસ ગુલબર્ગ સોસાયટીનો હતો. ઝાકિયા જાફરીએ ફરિયાદમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું. તેમની પણ ઉલટતપાસ થઇ હતી, અને બાદમાં એમને કિલનચીટ અપાઇ હતી. અને હા, આ સમયે કેન્દ્રમાં - ભાજપની કટ્ટર વિરોધી - યુપીએ સરકારનું શાસન હતું. તેણે ‘ન્યાયપૂર્ણ તપાસ’ માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા, છતાં તોફાનોમાં ગુજરાત સરકારની સંડોવણી સાબિત થઇ શકી નહોતી. આ પછી ગુજરાત પોલીસની તપાસથી સંતોષ ના હોવાનો મુદ્દો ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ. સુપ્રીમ કોર્ટે ‘સીટ’ને તપાસ સોંપી અને હવે તેના રિપોર્ટના આધારે કેસ ચાલ્યો છે ને ચુકાદો આવ્યો છે. આ બધું લખવાનું કારણ એટલું જ કે ૨૦૦૨ના કોમી તોફાનો ગુજરાત પરનું કલંક છે એ સાચું, પણ હવે કહેવાતા બિનસાંપ્રદાયિકોએ અને પશ્ચિમી જગતના મીડિયાએ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ.
દેશના ઘણા કોમી તોફાનોના કેસમાં વર્ષો બાદ પણ ચુકાદા આવ્યા નથી. ૧૯૮૪ના શીખવિરોધી તોફાનોનાં કેસ આજે ય ચાલુ છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંશ કેસનો ચુકાદો આવવો બાકી છે. એ હિસાબે ગુલબર્ગ કેસમાં ચુકાદો આવ્યો એ નોંધપાત્ર છે. કોમી રમખાણો કે સામાજિક સમરસતાને કલંકિત કરે તેવી ઘટનાઓ પર રાજકારણ રમવાના બદલે દોષિતોને સજા અપાવવામાં જ દેશહિત છે. ચુકાદા બાદ રાજકીય નિવેદનો થયા એનાથી કોંગ્રેસ અને ભાજપ બંનેએ દૂર રહેવા જેવું હતું. ગુજરાતમાં હવે શાંતિ છે, જુના ઘાવ ભરાઈ ગયા છે કે ભરાઈ રહ્યા છે ત્યારે એને ફરી ખોતરવા જેવી વાત ટાળવાની જરૂર હતી. રાજકીય પક્ષો આવા કિસ્સામાં પાકટતા દેખાડે એવી અપેક્ષા અસ્થાને નથી.