દસકાઓના વહેવા સાથે દુનિયામાં ઘણું બદલાયું છે. દિનપ્રતિદિન વધુને વધુ તનાવપૂર્ણ બની રહેલા સીમા વિવાદ વચ્ચે એકબીજાને ધમકી આપીને ન તો ચીનના હાથમાં કંઇ આવવાનું છે અને ન તો ભારતના હાથમાં. પહેલાં તિબેટ પછી અરુણાચલ પ્રદેશના મુદ્દે વિવાદ અને હવે સિક્કિમ સીમા પર ચીનની દખલગીરીએ બન્ને દેશો વચ્ચેનો તણાવ વધાર્યો છે. માહોલ એટલી હદે ખરડાયો છે કે ૧૯૬૨ના યુદ્ધને યાદ કરીને બન્ને દેશના નેતાઓ હાકલાપડકારા કરવા લાગ્યા છે. વિવાદના મૂળમાં છે સિક્કમ સાથે જોડાયેલી સરહદ. ભારત-ચીનને અલગ કરતી અને સિક્કિમ સાથે જોડાયેલી ૨૨૦ કિલોમીટર લાંબી સરહદ. આ પ્રદેશમાં સ્પષ્ટ સીમાંકનના અભાવે બન્ને દેશોના સૈનિકો વચ્ચે તુંતું-મૈંમૈં થયા કરે છે. અહીં ચીની જવાનોની અવળચંડાઇ નવાઇની વાત નથી. ચીની સત્તાધિશો પણ એક યા બીજી રીતે, થોડા થોડા સમયે ભારતની ઉશ્કેરણીના પ્રયાસ કરતા રહે છે. ક્યારેક તે બ્રહ્મપુત્ર નદી પર બંધ બનાવીને જળપ્રવાહ પોતાની તરફ વાળીને વિવાદને ઉગ્ર બનાવી રહ્યા છે તો ક્યારેક સિક્કિમ પ્રદેશ પોતાનો દાવો કરીને ત્યાં માર્ગનિર્માણ કરીને તેની કુટિલ ચાલ ચાલતું રહ્યું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનું નિર્માણ પણ ભારતને હેરાન કરવાનો જ એક પ્રયાસ છે. દસકાઓથી ચાલી રહેલા રાજદ્વારી વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે ભારત-અમેરિકી દ્વિપક્ષીય સંબંધોએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસે બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પૃષ્ઠ ઉમેર્યું છે. બન્ને દેશો વચ્ચે ઘનિષ્ઠતા વધી હોવાથી ચીનના (અને પાકિસ્તાનના પણ) પેટમાં તેલ રેડાયું છે. આંતરરાષ્ટ્રીય રાજદ્વારી બાબતોના નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે ભારતનું વૈશ્વિક સ્તરે વધી રહેલું શક્તિ-સામર્થ્ય હંમેશા ચીનને આંખમાં કણાની જેમ ખૂંચતું રહ્યું છે. તેમાં પણ આ તો એક ઉભરતી આર્થિક મહાસત્તાની વૈશ્વિક મહાસત્તા સાથેની નજદીકિયાં. સરહદી વિવાદ તો એક પ્યાદું છે, ચીનની અસલ ચિંતા તો આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની વધી રહેલી તાકાત છે. પાછલા એક દસકાથી ભારત આર્થિક ક્ષેત્રે પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે તો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વૈસ્વિક રાજકારણમાં આગવું સ્થાન મેળવ્યું છે. ભારતના સર્વગ્રાહી વિકાસથી ડ્રેગનની આંખમાં ઇર્ષ્યાનું ઝેર અંજાયું છે. ભારત તેનું સમોવિડયું બની રહ્યું છે તે વાત જ ચીન વાત પચાવી શકતું નથી. આથી જ ચીન દુખે છે પેટ ને કુટે છે માથું.
ચીનની મથરાવટી હંમેશા મેલી જ રહી છે, આ વાત ભારત જ નહીં, આખું વિશ્વ જાણે છે. તેની એક જ નીતિ રહી છે - મારું મારા બાપનું, તારામાંથી મારો ભાગ. આંતરરાષ્ટ્રીય કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરીને પણ તે સાઉથ ચાઇના સી પરનો પોતાનો એકાધિકાર જાળવી રાખવા આકાશપાતાળ એક કરી રહ્યું છે. આ મુદ્દે તેણે વિયેતનામ, ફિલિપાઇન્સ, તાઇવાન અને સાઉથ-ઇસ્ટ એશિયાઇ દેશો સાથે સીધો જ ઝઘડો વ્હોરી લીધો છે, પરંતુ પોતાનું જીદ્દી વલણ છોડવા માટે તૈયાર નથી. ચીન સાઉથ ચાઇના સી પર કબ્જો જમાવીને બીજા દેશોના કુદરતી સંસાધનોને પચાવી પાડવા માગે છે. તેની આવી નીતિરીતિના કારણે જ આજે નોર્થ કોરિયાને બાદ કરતાં દુનિયામાં એવો કોઇ દેશ નથી જેને ચીન પોતાનો વિશ્વાસુ સાથીદાર ગણાવી શકે.
ચીનની કુટિલતા, દોંગાઇનું વિશ્વને આજે ભાન થઇ રહ્યું છે, પણ ભારતને તો તેના વિશ્વાસઘાતી વલણનો પરચો દસકાઓ પૂર્વે જ મળી ગયો હતો. હિન્દી-ચીની ભાઇ-ભાઇની નારેબાજીના પડઘા હજુ શમ્યા પણ નહોતાં ત્યાં જ તેણે મિત્રતાની પીઠમાં વિશ્વાસઘાતનું ખંજર ભોંકી દીધું હતું. ભારત ૧૯૬૨થી જ ચીનની ચાલને સમજી પણ રહ્યું છે અને તેને યોગ્ય પ્રતિભાવ પણ આપતું રહ્યું છે, પરંતુ ચીન તેનું અડિયલ સ્વભાવ છોડવા તૈયાર નથી. એક બાજુ તે ભારત સામે દોસ્તીનો હાથ લંબાવી રહ્યું છે તો બીજી તરફ સરહદી વિવાદને વેગ આપી રહ્યું છે. ચીન સાથેના સંબંધોમાં એક વખત દગાબાજીનો ભોગ બની ચૂકેલા ભારતે દરેક પગલું સતર્ક રહીને ઉઠાવવું રહ્યું.