ભારતની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિએ ચાર માસમાં સરકારની કાર્યપદ્ધતિ અંગે ફરી એક વખત હૈયાવરાળ ઠાલવી છે. તેમનું કહેવું છે કે સરકારી વિલંબના કારણે ન્યાયતંત્રમાં નિમણૂકની કામગીરી અટકી પડી છે. ગયા એપ્રિલમાં હાઇ કોર્ટ જજોના સંમેલનને સંબોધતા ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુર - વડા પ્રધાનની ઉપસ્થિતિમાં - ભાવુક થઇ ગયા હતા. તેમણે આંખોમાં આંસુ સાથે સરકારને અનુરોધ કર્યો હતો કે કોર્ટમાં જજોની સંખ્યા વધારી દો. (કોર્ટમાં પેન્ડિંગ કેસના મુદ્દે) જવાબદારીનો બોજ ન્યાયતંત્ર પર નહીં ઢોળી દો. આ વખતે ચીફ જસ્ટિસે સરકાર પર પસ્તાળ પાડી છે. તેમનું કહેવું છે કે સરકાર ન્યાયતંત્રમાં નિમણૂક અને બદલીની ભલામણોની ફાઈલ દબાવીને બેસી રહી છે જેના કારણે ન્યાયતંત્ર પડી ભાંગવાની સ્થિતિમાં આવી ગયું છે. કોર્ટે ચેતવણી પણ ઉચ્ચારી છે કે આ અંગે આદેશ આપવા સરકાર તેને મજબૂર ન કરે અને ફાઈલ દબાવી રાખનારાઓની જવાબદારી નક્કી કરે. ચીફ જસ્ટિસના નેતૃત્વ હેઠળની ત્રણ જજની બેન્ચે જાહેર હિતની અરજી (પીઆઇએલ) પર સુનાવણી કરતાં કહ્યું હતું કે કોલેજિયમે હાઇ કોર્ટના ન્યાયાધીશોની બદલી અને નિમણૂંક માટે આઠ મહિનાથી ૭૫ નામને બહાલી આપી છે, પરંતુ તે મંજૂર થયા નથી. આ ફાઇલો કેમ અને ક્યાં અટકી છે તે સમજાતું નથી.
૧૯૭૧ના યુદ્ધના એક સૈનિકે ન્યાયતંત્રમાં ખાલી પડી રહેલી સંખ્યાબંધ જગ્યાના મુદ્દે આ પીઆઇએલ કરી છે. તેની રજૂઆત છે કે આના પરિણામે દેશભરની કોર્ટમાં ચાર કરોડ જેટલા કેસ પેન્ડિંગ પડ્યા હોવાથી સુપ્રીમ કોર્ટે આ મામલે સરકારને આદેશ કરવો જોઇએ. અરજદારની વાત બેબૂનિયાદ નથી. હાઈ કોર્ટમાં ચાલતા કેસનો સરેરાશ વેઈટિંગ પીરિયડ પાંચ વર્ષ અને સુપ્રીમ કોર્ટમાં બે વર્ષનો થઈ ગયો છે. પરિણામે સામાન્ય માનવીને ન્યાય મેળવવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ચીફ જસ્ટિસે એવો સવાલ કર્યો છે કે લોકો ૧૩-૧૩ વર્ષથી કેસની સુનાવણીની રાહ જોઇ રહ્યા છે. શું તમે ઇચ્છો છો કે આરોપી જિંદગીભર જેલમાં રહે?
ચીફ જસ્ટિસ ઓફ ઇંડિયાની નારાજગી ગેરવાજબી છે એવું પણ નથી. તેમણે જે દિવસે કોર્ટમાં આક્રોશ ઠાલવ્યો તે જ દિવસે સરકાર તરફથી રાજ્યસભામાં રજૂ થયેલા આંકડા પણ આ વાતને સમર્થન આપે છે. દેશની ૨૪ હાઇ કોર્ટોમાં ૪૭૮ જગ્યાઓ ખાલી છે અને આશરે ૩૯ લાખ કેસો પેન્ડિંગ છે. સરકારે હાઇ કોર્ટોમાં જજોની મંજૂરીપાત્ર સંખ્યા ૯૦૬થી વધારીને આ વર્ષે ૧૦૭૯ કરી છે. જોકે હજુ માત્ર ૬૦૧ જજો જ કાર્યરત છે. બાકીની ૪૭૮ જજોની જગ્યા ભરવાની છે. એક રિપોર્ટ અનુસાર, કોર્ટમાં પેન્ડિંગ કેસોમાંથી બે ટકા કેસ ૧૫ વર્ષથી વધુ જૂના છે. ૮૨ ટકા કેસ ૧૦થી ૧૫ વર્ષ જૂના છે અને ૧૨ ટકા કેસ ૫થી ૧૦ વર્ષ જૂના છે.
આ આંકડાઓ અને ભારતના સર્વોચ્ચ ન્યાયાધિશનો આક્રોશ દર્શાવે છે કે હવે ભારત સરકાર માટે ન્યાયતંત્રને ચેતનવંતુ બનાવવા માટે આવશ્યક તમામ પગલાંઓ લેવાનો સમય પાકી ગયો છે. સક્રિય ન્યાયતંત્ર વગર કોઇ પણ દેશમાં લોકતંત્ર ટકી શકે નહીં. અસરકારક શાસન પ્રણાલી અને મજબૂત ન્યાયતંત્ર એ લોકતંત્રના મહત્ત્વના આધારસ્તંભ છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં.