ભારતમાં કેન્દ્રીય ચૂંટણી પંચના સલાહસૂચનથી જ જો રાજકીય પક્ષો કે નેતાઓની નીતિરીતિ, વાણીવર્તન સુધરી જતાં હોત તો અત્યાર સુધીમાં દેશમાં રામરાજ આવી ગયું હોત તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ચૂંટણી પ્રચાર હોય કે ન હોય, નેતાઓ એક યા બીજા પ્રકારે ઉશ્કેરણીજનક નિવેદનો, ભાષણબાજી કરીને દેશમાં અશાંતિ ફેલાવતા જ રહે છે. ક્યારેક છીછરા શાબ્દિક પ્રહાર તો ક્યારેક ભડકાવનારા નિવેદનો રાજકીય માહોલને પ્રદૂષિત કરતા રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં હાલ ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તો પક્ષો અને નેતાઓ જાણે માનમર્યાદાની તમામ મર્યાદા ઓળંગી ગયા છે. ચૂંટણી પંચે તમામ પક્ષોને પત્ર લખીને ઉશ્કેરણીજનક નિવેદનો ટાળવાની સલાહ આપવી પડી છે. અલબત્ત, આ પત્રાચાર રુટિનથી વિશેષ કંઇ નથી. ભાગ્યે જ કોઇ તેને ગંભીરતાથી લે છે. દરેક ચૂંટણી ટાણે પંચ આ પ્રકારે સલાહ તો આપે છે, પરંતુ પરિણામ શું આવે છે? કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. સલાહને કોઇ ગાંઠતું નથી તેનું કારણ પણ સહુ કોઇ - પંચ અને રાજકીય પક્ષો - જાણે છે. ચૂંટણી પંચ દ્વારા લખાતા આવા પત્રોને રાજકીય પક્ષો કદાચ ફાઇલમાં પણ નહીં રાખતા હોય. આ સંજોગોમાં પક્ષો કે નેતાઓ સામે કાર્યવાહી કરવાનું તો પંચ વિચારી પણ શકે તેમ નથી. વરવી વાસ્તવિક્તા તો એ છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ સલાહ આપવા સિવાય બીજું કંઇ કરી શકતું નથી. ઉશ્કેરણીજનક ભાષણ કે નિવેદન બદલ પંચ ન તો કોઇ પક્ષની માન્યતા રદ કરી શકે છે કે ન તો કોઇ ઉમેદવારને ચૂંટણી લડતા અટકાવી શકે છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ રાજકીય પક્ષો અને નેતાઓએ બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે. આ મામલે ન તો કોઇ પક્ષ પાછળ છે ને ન તો કોઇ નેતા. વિકાસ, ભ્રષ્ટાચાર અને રોજગારની વાતો કોરાણે મૂકાઇ ગઇ છે અને ગધેડા, કસાબ, કસાઇખાના-કબ્રસ્તાન, ચાચા-ભતીજા, બુઆ-ભતીજા જેવા શબ્દો ચર્ચામાં છવાયેલા છે. ગુનાહિત છબિ ધરાવતા લોકો ચૂંટણી પણ લડી રહ્યા છે અને મતદાતાઓને ધમકાવી પણ રહ્યા છે. મત ખરીદવા માટે મતદારોને લાલચ પણ અપાઇ રહી છે. આદર્શ આચારસંહિતાનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચ આ બધો તમાશો જોવા સિવાય કંઇ કરી શકતું નથી. દરેક સરકાર ચૂંટણી પંચની સત્તા-અધિકારો વધારવાની વાતો તો કરે છે, પરંતુ ચૂંટણી પંચને અધિકાર આપવાનો સમય આવે છે ત્યારે મુદ્દો અભેરાઇએ ચઢવી દવાય છે. અપરાધીના ગળા ફરતે કાનૂનનો ગાળિયો કસવાની વાતો તો જોરશોરથી થાય છે, પરંતુ આ માટે આવશ્યક કાનૂન બનાવવા માટે કોઇ આગળ આવતું નથી. ચૂંટણી નગરપાલિકાની હોય કે વિધાનસભાની, નેતાઓ તે જીતવા માટે જે કંઇ થઇ શકે તે બધેબધું કરી રહ્યા છે. આ સંજોગોમાં ચૂંટણી પ્રચાર જાણે મજાક બનીને રહી ગયો છે. મતદાનની ટકાવારી વધવાને ભલે લોકતંત્રની જીત માનવામાં આવતી હોય, ખરેખર તો ચૂંટણીના મેદાનમાં જે કંઇ બની રહ્યું છે તે લોકતંત્રની હાર છે.