તાજેતરમાં સુનાક સરકારના ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા ઓટમ સ્ટેટમેન્ટ રજૂ કરાયું જેમાં નેશનલ ઇન્શ્યુરન્સમાં બે ટકાનો ઘટાડો કરીને જનતાને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. સુનાક સરકારનો દાવો છે કે તે ફુગાવાના દરમાં અડધો ઘટાડવાના લક્ષ્યાંકને હાંસલ કરી ચૂકી છે અને સરકારી તિજોરીની આવકમાં વધારો થવાના કારણે હવે કરવેરામાં કાપ શક્ય છે તેથી આ રાહત અપાઇ છે. સવાલ એ છે કે કરવેરામાં રાહત આપીને સમાજના એક વર્ગના ખિસ્સામાં કેટલાંક નાણા મૂકવાથી જનતાની સમસ્યાઓનો ઉકેલ આવી જશે? કોરોના મહામારી બાદ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસે બ્રિટનના મોટાભાગના પરિવારના બજેટ ખોરવી નાખ્યાં છે. મોટાભાગની જનતા માને છે કે જનતાને પીડા આપી રહેલો સૌથી મહત્વનો મુદ્દો કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ છે અને આ મુદ્દા પ્રત્યે સત્તાધારી કન્ઝર્વેટિવ અને વિપક્ષ લેબર પાર્ટી ગંભીર નથી. 2024માં સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં જનતાને કેવી રીતે રાહત અપાશે તે અંગેના નીતનવા નિવેદનો બંને પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે પરંતુ જનતાને તેમના આ નિવેદનો ગળે ઉતરી રહ્યાં નથી. કરવેરામાં કાપના બદલે એનર્જી બિલોમાં ઘટાડો, ઇંધણોની કિંમતમાં ઘટાડો, ખાદ્યપદાર્થઓમાં સોંઘવારી જેવી આશાઓ જનતા રાખી રહી છે પરંતુ આ દિશામાં કેવી નીતિ અપનાવવામાં આવશે તે અંગે બંને પાર્ટી દ્વારા ફોડ પાડવામાં આવી રહ્યો નથી. જનતા માની રહી છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાંથી મુક્તિ માટે રિશી સુનાક અને કેર સ્ટાર્મરે વધુ બોલ્ડ નીતિઓ અપનાવવાની જરૂર છે. જનતા માટે બીજો મહત્વનો મુદ્દો એનએચએસ છે. એનએચએસની ખસ્તાહાલ સ્થિતિ કેવી રીતે દુરસ્ત કરાશે તે માટે પણ બંને પાર્ટી પાસે કોઇ નક્કર નીતિનો અભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. રોટી, કપડાં, મકાન અને આરોગ્ય આ ચાર મુદ્દા જ સામાન્ય જનતા માટે અત્યંત મહત્વના છે અને તે અંગે બંને પાર્ટી દિશાવિહિન જણાઇ રહી છે.