જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળ પર માત્ર ૪૮ કલાકમાં બીજો આતંકી હુમલો થયો છે. પહેલાં રવિવારે જમ્મુ સ્થિત સુજવાન આર્મી કેમ્પને નિશાન બનાવાયો જ્યારે સોમવારે આતંકીઓએ શ્રીનગરમાં સીઆરપીએફના હેડ કવાર્ટરને નિશાન બનાવ્યું. વધુ એક જવાન શહીદ થયો. વધુ એક વખત સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનને દુઃસાહસની કિંમત ચૂકવવી પડશે. અને વધુ એક વખત ભારતીયોમાં સવાલ પૂછાઇ રહ્યો છેઃ ...પણ ક્યારે? સુજવાન હોય કે શ્રીનગર- આ હુમલા ગુપ્તચર તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. દરેક આતંકી હુમલા વખતે સરકાર દાવો કરે છે કે સુરક્ષા દળોની છાવણીઓ - સવિશેષ તો પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી ક્ષેત્રોમાં આવેલા આવા સ્થળોની સુરક્ષામાં કોઇ કસર છોડાશે નહીં. પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર રહી જતા હોય તેવું લાગે છે.
આતંકવાદીઓ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૧૫ લશ્કરી છાવણીઓને નિશાન બનાવી ચૂક્યા છે, અને તેમાં ચાર ડઝનથી વધુ જવાનો શહીદ થઇ ચૂક્યા છે. બે વર્ષ પહેલાં જાન્યુઆરી ૨૦૧૬માં ત્રાસવાદીઓએ પઠાણકોટ એરબેઝને નિશાન બનાવ્યો. તે પછી સપ્ટેમ્બર ૨૦૧૬માં ઉરીના આર્મી કેમ્પ પર ત્રાસવાદીઓ ત્રાટક્યા. હવે સુજવાનમાં આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં પાંચ જવાનો શહીદ થયા છે ને એક નાગરિકનું મૃત્યુ નીપજ્યું છે. આ જ કેમ્પ પર ૧૫ વર્ષ પહેલાં પણ આતંકી હુમલો થયો હતો, જેમાં ૧૨ જવાન શહીદ થયા હતા. આ વખતે આતંકીઓનો ઇરાદો શાળામાં ભણતાં બાળકોને બાનમાં લેવાનો હતો.
ભારતીય સુરક્ષા દળના જાંબાઝ જવાનો જાનની બાજી લગાવીને પણ માતૃભૂમિની સુરક્ષા કરી રહ્યા છે તે સાચું, પરંતુ આવી ઘટનાઓનું પુનરાવર્તન ગુપ્તચર તંત્રની ક્ષમતા-સજ્જતા સામે સવાલ ઉભા કરે છે. અહીં સવાલ એ છે કે આતંકી અફઝલ ગુરુ (૯ ફેબ્રુઆરી) અને મકબૂલ બટ (૧૧ ફેબ્રુઆરી)ની વરસીએ ત્રાસવાદીઓ ત્રાટકી શકે છે કે તેવી આશંકા હોવા છતાં આર્મી કેમ્પો તેમજ જવાનોના પરિવારોના રહેણાંક વિસ્તારોમાં વધુ સુરક્ષા બંદોબસ્ત કેમ ન ગોઠવાયો? જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા ધારાસભ્ય હજુ કેમ આઝાદ ફરે છે? રાજસ્થાનમાં પાકિસ્તાન સીમા નજીકના પ્રદેશમાં બીએસએફના વાંધા છતાં ખાણકામ માટે મંજૂરી કેમ અપાઇ? આ બધા એવા સવાલો છે જે તંત્રનો દેશની સુરક્ષા પ્રત્યેનો અભિગમ દર્શાવે છે.
કાશ્મીરમાં ત્રાસવાદીઓ વારંવાર સુરક્ષા મથકોને નિશાન બનાવી રહ્યાં છે, પરંતુ અફસોસ અને આક્રોશની વાત એ છે કે તંત્ર અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. પઠાણકોટ આતંકી હુમલા બાદ ડેપ્યુટી આર્મી ચીફ લેફટનન્ટ (રિટાયર્ડ)નાં નેતૃત્વમાં કમિટી રચાઇ હતી. તેમાં દેશભરનાં લશ્કરી મથકોની સુરક્ષા વ્યવસ્થામાં રહેલાં છીંડાઓ સામે અંગૂલિનિર્દેશ કરીને લશ્કરી મથકોને અદ્યતન સાધનો તથા સુરક્ષા પ્રણાલિથી સજ્જ કરવા સૂચવ્યું હતું. પરંતુ, આ સુચનાનોનું શું થયું તે કોઇ જાણતું નથી. હવે સુજવાન અને શ્રીનગરમાં આતંકી હુમલા બાદ નવેસરથી તપાસ સમિતિ રચાશે અને નવેસરથી અહેવાલ બનશે.
સાચી વાત તો એ છે કે સુરક્ષા દળોના કેમ્પની સલામતીના મુદ્દે ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ જરા પણ ચાલી શકે નહીં. આવા બનાવો વેળા સુરક્ષામાં ચૂક માટે જવાબદારી નક્કી કરીને દોષિતોને સજા થવી જોઇએ. સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે કાશ્મીર સહિત દેશમાં ક્યાંય પણ આતંકી હુમલા ન થાય. નેતાઓએ ‘આકરી નિંદા'થી આગળ વધીને સુરક્ષા સંબંધિત આનુષાંગિક પગલાંઓ પણ લેવા જોઇએ. સુરક્ષા દળોમાં જોડાયેલા એક એક જવાનની જિંદગી દેશ માટે અમૂલ્ય છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં.
ભારતે હવે સમયની માગને ધ્યાનમાં લઇ તેની સુરક્ષા નીતિ બદલવી રહી. હુમલો થયા બાદ વળતી કાર્યવાહી કરવાના બદલે હુમલાખોરની હિલચાલનો તાગ મેળવીને તેના મૂળમાં જ ઘા કરવાની નીતિ અપનાવવી પડશે. ઇઝરાયલ આપણી સામે શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારત ક્યાં સુધી યુદ્ધ વગર જ જવાન અને તેમના પરિવારજનોના જીવ આપતું રહેશે? એક વાર ઊંઘતા ઝડપાવું એ અકસ્માત કહેવાય, બીજી વાર ઊંઘતા ઝડપાવું એ બહુ મોટી ભૂલ કહેવાય પરંતુ આવી ચૂકના ગંભીર પરિણામ ભોગવ્યા બાદ પણ ફરી ઊંઘતા ઝડપાવું એ તો અક્ષમ્ય અપરાધ જ ગણાય.