વિશ્વના સૌથી મોટા આર્થિક સંમેલન જી-૨૦ની શિખર પરિષદ આર્જેન્ટિનામાં યોજાઈ, જેમાં ભારતને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને જાપાન અને બીજી તરફ, રશિયા અને ચીન સાથે ત્રિપક્ષીય બેઠક યોજીને રાજદ્વારી મુત્સદી દર્શાવવા સાથે ભારતના વિશ્વસ્તરે વધી રહેલા મહત્ત્વને નક્કરતા બક્ષી છે.
ભારતને આર્થિક ભાગેડુઓની સમસ્યા સતાવી રહી છે. લિકર કિંગ વિજય માલ્યાથી માંડી લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના ફાંદેબાજોનો આમાં સમાવેશ થાય છે. ભારતે આવા ભાગેડુ આરોપીઓની મિલકતો સ્થગિત કરવામાં આવે તે માટે અસરકારક કાયદાકીય પ્રક્રિયા તેમજ તેમના વિરુદ્ધ દેશમાં કાનૂની પ્રક્રિયા અંતર્ગત કામ ચલાવી શકાય તે માટે પ્રત્યાર્પણ સરળ બનાવવા સહિતના મુદ્દે જી-૨૦ દેશોના સક્રિય સહકારનો અનુરોધ કર્યો છે. આર્થિક અપરાધીઓને જી-૨૦ દેશો અને કરચોરો માટે સ્વર્ગસમાન પ્રદેશોમાં પ્રવેશ જ ન અપાય તેવી વ્યવસ્થા ઘડવાનો વિચાર ભારતે રજૂ કર્યો હતો. શિખર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેક્સ સિસ્ટમ્સ સંબંધિત સેશનમાં વડા પ્રધાન મોદીએ ભાગેડુ આર્થિક અપરાધીઓ વિરુદ્ધ નવ મુદ્દાનો એજન્ડા રજૂ કરીને વાહવાહી મેળવી છે.
વિશ્વના દેશોમાં સૌથી મોટી આર્થિક વ્યવસ્થા સ્વરુપે ભારતનું મહત્ત્વ વિશેષ હોવાનું બધી મહાસત્તાઓ સુપેરે જાણે છે. બધાને ભારતની જરુર છે. જાપાન, અમેરિકા અને ઈન્ડિયા (JAI) વચ્ચે પ્રથમ ત્રિપક્ષીય બેઠક આ સ્પષ્ટપણે દર્શાવે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠકમાં વ્યૂહાત્મક ઈન્ડો-પાસિફિક વિસ્તારને સહભાગી આર્થિક વૃદ્ધિ, સમાન સમૃદ્ધિ અને સ્થિર શાંતિમય ક્ષેત્ર બનાવવા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા સાથે ત્રણે દેશો વચ્ચે સહકાર અને સંબંધો વધુ મજબૂત બનાવવાની વાતચીત પણ થઈ છે. દેખીતી રીતે જ ઈન્ડો-પાસિફિક વિસ્તારમાં પગદંડો જમાવવા મથતા ચીનને ખાળવાની આ એક મહત્ત્વપૂર્ણ ચાલ છે. આ બેઠક એવા સમયે યોજાઈ હતી જ્યારે દક્ષિણ ચીન સમુદ્ર અને ઈસ્ટ ચાઈના સમુદ્ર વિસ્તારોમાં ચીને પોતાના દાવાઓ કરી ક્ષેત્રીય વિવાદો ઉભા કર્યા છે. આ બંને સમુદ્ર વિસ્તારો અઢળક ખનિજો, ઓઈલ અને અન્ય કુદરતી સંસાધનોમાં સમૃદ્ધ હોવાથી ચીનનો તેના પર ડોળો રહ્યો છે. ચીનના આક્રમક વલણથી એશિયાની બે મોટી તાકાત- ભારત અને જાપાનની ચિંતા વધી છે. આ બંને દેશો સાથે અમેરિકા પણ સામેલ થાય તો આ ક્ષેત્રમાં ચીનને મજબૂત પડકાર આપી શકાય તેમાં કોઈ શંકા નથી. નોંધપાત્ર બાબત એ છે કે આ સમુદ્રક્ષેત્ર મારફત દર વર્ષે ત્રણ ટ્રિલિયન ડોલરનો વૈશ્વિક વેપાર થાય છે.
આ જ રીતે, વિશ્વસ્તરે સાચી તટસ્થતા દર્શાવવા ભારતે અમેરિકાના દુશ્મનો ચીન અને રશિયાને પણ સાચવી લીધા છે. બાર વર્ષ પછી ભારત, ચીન અને રશિયા વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. મોદી, જિન પિંગ અને પુતિને યુનાઈટેડ નેશન્સ અને વિશ્વ વેપાર સંસ્થા સહિત બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાઓ સાથે બહુરાષ્ટ્રીય વેપારપદ્ધતિના લાભ તેમજ વૈશ્વિક વદ્ધિ અને સમૃદ્ધિ અર્થે ખુલ્લા વૈશ્વિક અર્થતંત્રની હાકલ કરી હતી.
ભારતની આઝાદીને વર્ષ ૨૦૨૨માં ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે તેને અનુલક્ષીને ભારતમાં આ સમયે જી-૨૦ શિખર પરિષદ યોજાય તે માટે વડા પ્રધાન મોદીએ ઈટાલીને સમજાવવામાં જરા પણ પાછીપાની કરી નથી. આનુ કારણ એ છે કે વર્ષ ૨૦૨૨માં જ ઈટાલીમાં શિખર પરિષદ યોજાવાની હતી તેના બદલે ૨૦૨૧માં યોજવાના નરેન્દ્ર મોદીના અનુરોધને ઈટાલીએ સહર્ષ સ્વીકારી લીધો હતો. ભારત માટે આ કૂટનીતિક સફળતા અને ઈટાલી સાથેના ઉષ્માસભર સંબંધોનું પરિણામ જ ગણી શકાય.
એક કહેવત છે કે ‘વાર્યા ન વળે તે હાર્યા વળે’. આવી જ હાલત વેપારયુદ્ધમાં લગભગ ખુવાર થયેલા ચીન અને અમેરિકાની થઈ છે. જોકે, આ સંમેલનમાં જિન પિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ શાણપણ દાખવી ટ્રેડવોરનો અંત લાવવા સંમત થયા છે. એકબીજા દ્વારા માલસામાનની આયાતો પર ભારે ડ્યૂટી લાદવાથી કોઈનું કલ્યાણ નહિ થાય તે હવે ચીન અને અમેરિકા સમજી ગયા છે. જોકે, આ સંમેલનમાં ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિન સાથે બેઠક રદ કરી દેતા બંન્ને દેશો વચ્ચે કડવાશ વધી ગઈ છે.