પહેલાં નોટબંધી અને હવે જીએસટી. ભાજપના નેતૃત્વ હેઠળ ભારતની શાસનધુરા સંભાળી રહેલી એનડીએ સરકાર પોતાના જ નિર્ણયમાં અટવાઇ રહી છે. નોટબંધીના વર્ષ પછી પણ તેના નફા-નુકસાનના આંકડામાં સહુ કોઇ ગૂંચવાઇ રહ્યા છે તો ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) દેશમાં લાગુ થયાને ચાર મહિના થયા છે પરંતુ હાલત એવી છે કે ના તો વેપારી, ના તો સરકાર અને ના તો પ્રજા આ મુદ્દે એકમત થઇ શક્યા છે. ‘એક રાષ્ટ્ર, એક ટેક્સ’ના નારા સાથે જીએસટી લાગુ થયો ત્યારે અર્થશાસ્ત્રીઓથી માંડીને છૂટક દુકાનદારને આશા હતી કે જાતભાતના વેરાઓની જંજાળ ગઇ, પરંતુ આજે જીએસટી માથાનો દુઃખાવો બની ગયો છે. વેપારી કે પ્રજાની વાત તો છોડો, આ મુદ્દે સરકારમાં જ વિરોધાભાસી મત વ્યક્ત થઇ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન જાહેર સભાઓમાં નોટબંધી અને જીએસટીને લાગુ કરવાના નિર્ણયને સરકારની સિદ્ધિમાં છોગાસમાન ગણાવે છે. તો તેમની સરકારના જ રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાના મતે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પરનું આર્થિક ભારણ હળવું કરવા જીએસટી દરોમાં ધરમૂળથી પરિવર્તન જરૂરી છે. આ ઓછું હોય એમ તેમણે કહ્યું છે કે સેલ્સ ટેક્સ, સર્વીસ ટેક્સ, ‘વેટ’ જેવા એકાદ ડઝન કેન્દ્રીય અને રાજય વેરાઓ દૂર કરીને લાગુ થયેલા જીએસટીના ફળ મળતાં એકાદ વર્ષનો સમય લાગી શકે છે.
જીએસટીના અમલ સાથે જ વેપારીઓ દ્વારા નવી કરપ્રથા સાથે સંકળાયેલી સમસ્યાઓ સંબંધિત ફરિયાદોનો ઢગલો થયો હતો, જે આજેય ચાલુ છે. વિવિધ રાજ્યો અને પક્ષોના પ્રતિનિધિઓની બનેલી જીએસટી કાઉન્સિલની શ્રેણીબદ્ધ બેઠકો અને મૂળ પ્રસ્તાવમાં અનેક નાનામોટા સુધારાવધારા બાદ જીએસટી લાગુ થયો હોવા છતાં આ હાલત છે. તાજેતરમાં દિવાળીના તહેવારો પૂર્વે નાણાં પ્રધાન અરુણ જેટલીએ જીએસટીમાં કેટલીક વધુ રાહતો જાહેર કરીને તેને વેપારીઓ અને પ્રજા માટે દીવાળી ભેટ ગણાવી હતી. જોકે આ રાહતો પણ બજારનો માહોલ સુધારી શકી નથી. આ વર્ષે દિવાળી પર્વે વેપાર-ધંધા ૧૫થી ૪૦ ટકા ઓછા રહ્યાના અહેવાલ છે. રેવન્યુ સેક્રેટરીના નિવેદન બાદ હવે વડા પ્રધાન અને નાણાં પ્રધાને આ મુદ્દે દેશની સામે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા યોજના મુદ્દે થઇ રહેલા વિરોધાભાસી દાવા અસમંજસ પેદા કરી રહ્યા છે, જે ના તો દેશની આર્થિક સ્થિતિના હિતમાં છે, અને ના તો સરકારના હિતમાં છે.
સોમવારે ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ ગાંધીનગરમાં જાહેર સભાને સંબોધતા જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ ગણાવીને મોદી સરકાર પર પસ્તાળ પાડી હતી. જોકે આ કટાક્ષ કરતી વખતે કદાચ તેઓ એ ભૂલી ગયા છે કે જીએસટી કાઉન્સિલમાં કોંગ્રેસના પ્રતિનિધિ પણ છે, અને આ કાઉન્સિલ જ જીએસટીના અમલથી માંડીને તેમાં સુધારાવધારાની કામગીરી સંભાળે છે. કોંગ્રેસના હૈયે જો ખરેખર પ્રજાનું, વેપારીઓનું હિત હોય તો તેના પ્રતિનિધિએ કાઉન્સિલમાં અવાજ ઉઠાવવો જોઇએ. આ વાત કોંગ્રેસને જ નહીં, કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ ધરાવતા તમામ પક્ષો અને રાજ્ય સરકારના પ્રતિનિધિને લાગુ પડે છે. આ સમય રાજકીય આક્ષેપબાજીનો નહીં, સાથે મળીને જીએસટીનું માળખું લોકભોગ્ય બનાવવાનો છે.