જ્હોન્સનની નેતાગીરીમાં ટોરી પાર્ટીની આગેકૂચ

Tuesday 11th May 2021 16:02 EDT
 

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં મધ્યવર્તી ચૂંટણીમાં ફરી એક વખત કન્ઝર્વેટિવ પાર્ટીને વિજય અપાવ્યો છે.
પરિણામોથી એક બાબત તો સ્પષ્ટ થઈ છે કે બોરિસ જ્હોન્સનની સરકારે કોવિડ-૧૯ સામે પ્રતિભાવમાં અણઘડ હાથે કામ લીધું હશે તો પણ ગંભીર ખરોંચ વિના ઉગરી ગઈ છે. સારી રીતે ચલાવાયેલા વેક્સિનેશન અભિયાનો તેમજ આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં સફળતાએ લોકોની ગમગીન યાદદાસ્તનું વિસ્મરણ કરાવી દીધું છે. મહામારી દરમિયાન લોકડાઉન સમયે લોકોના ખિસ્સાં ખાલી હોય ત્યારે લાંબા સમય સુધી વર્કર્સના વેતન ચૂકવવા અને બિઝનેસીસને ઊભાં કરવા મોટા પાયે સરકારી ધીરાણો આપવા સહિતના પગલાં સાથે અર્થતંત્રને મંદી તરફ ધકેલાવા નહિ દઈને જ્હોન્સને લોકપ્રિયતા જાળવી રાખી હતી. આ ઉપરાંત, બજેટમાં મોટાં કરવેરા પણ લદાયા નહિ તેનો લાભ કન્ઝર્વેટિવ પાર્ટીને આ ચૂંટણીમાં થયો છે.
પીઠ્ઠુવાદના આક્ષેપો તેમજ તેમની પ્રામાણિકતા સામે ઉઠેલી આંગળીઓ છતાં, સ્કોટલેન્ડ સિવાયના વિસ્તારોમાં બોરિસ જ્હોન્સનનું સંમોહન ચાલી ગયું છે. જહોન્સન પૂર્વ વડા પ્રધાનો માર્ગારેટ થેચર અને ડેવિડ કેમરનથી પોતે અલગ જ હોવાની પ્રતીતિ લોકોને કરાવી શક્યા છે.
ઈંગ્લેન્ડમાં જ્હોન્સનને થયો તેવો જ લાભ વેલ્સમાં લેબરના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડને અને સ્કોટલેન્ડમાં નિકોલા સ્ટર્જનને થયો છે. સ્કોટિશ નેશનલ પાર્ટીનો વિજય જ્હોન્સનની ઊંઘ હરામ કરી દેશે તે નિશ્ચિત છે. ચૂંટણી અગાઉ સ્ટર્જન પક્ષીય રાજકારણથી જરા ભીંસમાં હતાં. જોકે, વિજય હાંસલ કરવા સાથે જ તેમણે યુકેથી આઝાદ થવાનો બૂંગિયો વગાડી જ દીધો છે. જ્હોન્સને યુનાઈટેડ કિંગ્ડમનું વિભાજન થાય તેવા કોઈ પણ જનમતને અટકાવી દેવાનું ભારપૂર્વક જણાવ્યું જ છે. સ્કોટલેન્ડ ચાર દેશના સંઘમાંથી અલગ થાય તે યુકેના હિતમાં નથી.
લેબર પાર્ટીને નેતાગીરી બદલ્યાનો કોઈ લાભ થયો નથી. કોર્બીન પોતાની ડંફાસોમાંથી ઊંચા આવતા ન હતા તો સર કેર સ્ટાર્મરનું વલણ ‘મહેતા મારે નહિ અને ભણાવે નહિ’ જેવું જ છે. તેના લાલ કિલ્લા ધીમે ધીમે ધ્વસ્ત થતાં જાય છે તેનો પ્રત્યક્ષ પુરાવો હર્ટલપૂલ પેટાચૂંટણીએ આપ્યો છે. લગભગ ૫૦ વર્ષથી લેબરના હાથમાં રહેલી બેઠકને ટોરી જિલ મોર્ટિમેરે આંચકી લીધી છે. બે વર્ષ અગાઉ જ લેબર પાર્ટીએ અહીં સરસાઈ મેળવી હતી. લેબર પાર્ટીના જ નેતાઓ કહે છે કે સ્ટાર્મરે હર્ટલપૂલમાં પ્રચાર કરવામાં જરા પણ રસ લીધો ન હતો. તેમણે પાર્લામેન્ટમાં જ્હોન્સનને ઘણી વખત ભીડાવ્યા પરંતુ, લોકોની નજરમાં તે દેખાયું નહિ. સામા પક્ષે મહામારી દરમિયાન જ્હોન્સન રીતસરના છવાઈ ગયા હતા. લેબર પાર્ટી માટે જ્હોન્સન મુશ્કેલ દુશ્મન બની રહ્યા છે. ઊંચા ટેક્સ, ઊંચા ખર્ચની સાથોસાથ પ્રાદેશિક વિકાસ તેમજ ક્રાઈમ અને ઈમિગ્રેશન સામે કડકાઈ રાખવાની ઘણી ડાબેરી નીતિઓ તેમણે અપનાવી છે. તેઓ ઝડપથી પોતાની રાજકીય કાંચળી બદલવાની ક્ષમતા ધરાવે છે.
લેબર પાર્ટીના ભારતવિરોધી, હિન્દુવિરોધી વલણે મતદારોને અને ખાસ કરીને ભારતીય મતદારોને તેમજ યહુદીવિરોધી વલણે જ્યુઈશ મતદારોને વિમુખ બનાવ્યા છે. જોકે, લંડનના મેયર સાદિક ખાને ફરી એક મુદત મેળવીને આબરુનું ધોવાણ થતું બચાવ્યું છે. એક બાબતમાં લક્ષમાં રાખવી જરુરી છે કે સાદિક ખાનના મતની ટકાવારી આ વખતે ઘટી છે. નવાસવા કન્ઝર્વેટિવ ઉમેદવાર શોન બેઈલીની તરફેણમાં જોરદાર પ્રચાર થયો હોત તો તેમના વિજયની તક વધી જાત તેમ ટોરી નેતાઓ હવે સ્વીકારે છે. અન્ય ઘણા શહેરોનું મેયરપદ લેબર પાર્ટીની ઝોળીમાં ગયું છે.
બોરિસ જ્હોન્સન અને કન્ઝર્વેટિવ પાર્ટી અભૂતપૂર્વ વિજય બદલ અભિનંદનના અધિકારી છે પરંતુ, વિજયના નશામાં ઝૂમતા રહેવાના બદલે તેમણે કામે લાગી જવું પડશે અને વડા પ્રધાને પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી દીધી છે તે સારી વાત છે. લેબર પાર્ટી હવે કામદારોની નહિ, નેતાઓની જ પાર્ટી બની રહી છે. બ્રિટિશ પ્રજાની નાડ પારખશે તો જ લેબર પાર્ટી વિજયનો માર્ગ પકડી શકશે અન્યથા ભવ્ય ભૂતકાળની ગાથામાં ખોવાઈ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter