સોમવારે આખી દુનિયાની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હતી. અને આ સ્વાભાવિક પણ હતું. ‘માથાફરેલા નેતા’ની ઓળખ ધરાવતા ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખ પદ સંભાળ્યા બાદ ભારતીય વડા પ્રધાનનો આ પહેલો અમેરિકા પ્રવાસ હતો. આમ તો મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં નવી ઉષ્મા આવેલી છે. ઓબામાના કાર્યકાળમાં આ સંબંધો સોળે કળાએ ખીલ્યા હતા અને હવે ભારત-અમેરિકી સંબંધોના નિષ્ણાતો ટ્રમ્પ-મોદીની મંત્રણાને સફળ ગણાવી રહ્યા છે. આ નેતાઓની મુલાકાત બાદ ભલે ઊડીને આંખે વળગે તેવી કોઇ જાહેરાત સાંભળવા નથી મળી, પરંતુ બન્ને નેતા વચ્ચે આ બેઠક યોજાઇ તે જ મહત્ત્વનું છે. બન્ને નેતા તેમના આતંકવાદવિરોધી આકરા અભિગમ માટે જાણીતા છે. ટ્રમ્પના નિમંત્રણથી મુલાકાત નક્કી થઇ ત્યારથી ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ થઇ ગઇ છે. ચીન અને પાકિસ્તાન બન્ને એક યા બીજા પ્રકારે પડોશી દેશોને કનડતા રહ્યા છે. પાકિસ્તાન તો આતંકવાદીઓનો અડ્ડો બન્યું છે. આ સંજોગોમાં ભારત-અમેરિકા ઘનિષ્ઠતા અન્યોન્ય માટે ઘણી ઉપકારક બની શકે તેમ છે.
મંત્રણાની પૂર્વસંધ્યાએ અમેરિકાએ મોદીને ‘સાચા મિત્ર’ ગણાવ્યા. તેમજ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતા ને ભારતવિરોધી આતંકી ષડયંત્રો ઘડનાર હિઝબુલ મુજ્જાહિદીનના સૈયદ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો. આ જાહેરાતો ભારત સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવાની અમેરિકાની તત્પરતા દર્શાવે છે.
ટ્રમ્પ-મોદીની મંત્રણામાં ટેરરિઝમ અને ટ્રેડ કેન્દ્ર સ્થાને રહ્યા છે. આ મુદ્દા એવા છે જે બન્ને દેશના હિતોને સમાન રીતે સ્પર્શે છે. ટ્રમ્પે બાદમાં કહ્યું એમ તેમની મંત્રણામાં ઇસ્લામિક કટ્ટરવાદ અને ત્રાસવાદી સંગઠનોનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો, અને બન્ને દેશો આવા પરિબળોનો સફાયો કરવા દૃઢ નિશ્ચયી છે. જોકે આ મંત્રણામાં એચ-૧બી વિઝાનો મુદ્દો ચર્ચાયો નથી તે નોંધનીય છે. ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ એચ-૧બી વિઝા સહિત વિઝાનીતિમાં જે ફેરફારો આદર્યા છે તેના કારણે ભારતીયોમાં કચવાટ છે. ટ્રમ્પ-મોદીની આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધો વધુ ઉષ્માપૂર્ણ બનવા આશા છે. અમેરિકી સાંસદો પણ આવું જ ઈચ્છે છે. સોમવારે બંને દેશોના વડાઓ વચ્ચે મંત્રણા યોજાઇ તે પૂર્વે રિપબ્લિક અને ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પને અનુરોધ કર્યો હતો કે તેમણે ભારત સાથેના વેપાર અને મૂડીરોકાણ આડેનાં અવરોધો દૂર કરવા જોઇએ. સાંસદોએ ટ્રમ્પને લખ્યું હતું કે ભારતીય અર્થતંત્રમાં હજુ અનેક ક્ષેત્રો ઘણા સમૃદ્ધ અને સલામત છે. અમેરિકન કંપનીઓ માટે ભારત સાથેનો વેપાર હજુ સરળ નથી. સાંસદોની આ રજૂઆત દર્શાવે છે કે અમેરિકી બિઝનેસ-આલમ માટે ભારત કેટલું મહત્ત્વ છે. ટ્રમ્પ ભલે ‘અમેરિકા ફર્સ્ટ’નો ઝંડો લઈને ફરતા હોય, પણ સાંસદોની આ લાગણી જુદું જ ચિત્ર ઉપસાવે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૫ વર્ષમાં અમેરિકા-ભારત વચ્ચેનો વેપાર પાંચ બિલિયન ડોલરથી વધીને ૬૫ બિલિયન ડોલર થયો છે. પરંતુ ભારતમાં અમેરિકી મૂડીરોકાણ ઘટ્યું છે. એક સમય એવો હતો કે અમેરિકા કહે તે પ્રમાણે ભારતે વર્તવું પડતું હતું. હવે સમય બદલાયો છે. ભારત અમેરિકાના સૌથી મોટા બિઝનેસ પાર્ટનર દેશ પૈકી એક છે. ૧૯૯૨-૯૩માં ભારત-અમેરિકા વચ્ચે ૪.૮૩ બિલિયન ડોલરની આયાત-નિકાસ થઇ હતી, જે ૨૦૧૬-૧૭માં વધીને ૬૪.૪ બિલિયન ડોલર થઇ છે. બીજી તરફ, ભારતમાં અમેરિકી મૂડીરોકાણ ઘટ્યું છે. ઓગસ્ટ ૧૯૯૧થી ડિસેમ્બર ૨૦૦૦ના અરસામાં ભારતને મળેલા સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)માં અમેરિકી ફાળો ૨૦.૧ ટકા હતો. જે ૨૦૧૦થી ૨૦૧૬ સુધીમાં ઘટીને ૫.૮૦ ટકા થયો છે. મોદીએ આથી જ અમેરિકી કંપનીના વડાઓને ભારતમાં મૂડીરોકાણ કરવા ભારપૂર્વક અપીલ કરી છે. એક સમયે ભારતમાં મૂડીરોકાણ કરીને ઉદ્યોગો શરૂ કરવાની પ્રક્રિયા ખાસ્સી અઘરી હતી, પણ હવે સરકારના બદલાવા સાથે સમય બદલાયો છે. મૂડીરોકાણ સરળ બન્યું છે ત્યારે અમેરિકી ઉદ્યોગો પણ ભારતમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક હોવાના સંકેત અમેરિકી સાંસદોના પત્રથી મળે છે. મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન બે બિલિયન ડોલરના ડ્રોન સોદા સિવાય ભલે કોઇ મહત્ત્વપૂર્ણ કરારો થયા ન હોય, પરંતુ મોદીના આ પ્રવાસે બન્ને દેશો વચ્ચે સહયોગની તકોના દરવાજા તો ખોલી જ નાખ્યા છે.