દરેક દેશને પોતાના હિતમાં નિર્ણયો લેવાની છૂટ હોય છે પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળની યુએસ સરકાર આમ માનતી નથી. અમેરિકા પોતાના હિતોને જ સર્વોપરી ગણે છે અને દુનિયાના દેશોને તે આદેશ આપી શકે છે તેમ માને છે. તાજેતરમાં જ પોતાના ઉદ્યોગોને મંદીમાંથી બહાર લાવવા ટ્રમ્પે વેપારયુદ્ધ છેડ્યું હતું અને હવે ઈરાન સાથે ઓઈલની ખરીદીનો વેપાર કરનારા ભારત અને ચીન સહિતના દેશો પર આકરા પ્રતિબંધ લાદવાની તેમણે જાહેરાત કરી છે. આ સાથે ટ્રમ્પે અમેરિકી ઉત્પાદનોની આયાત પર તાજેતરમાં લગાવેલી ૧૦૦ ટકા ડયૂટીને પણ ભારત દૂર કરે તેવી માગણી કરી છે. વર્તમાન વિશ્વમાં દેશોએ આર્થિક વિકાસ સાધવો હોય તો તેની મુખ્ય ચાવી વેપારમાં જ રહેલી છે. ભારત, બ્રિટન અને ચીન સહિતના દેશો આ બરાબર સમજે છે. બ્રેક્ઝિટ પછી તો બ્રિટનને ઈયુ સિવાયના દેશો સાથે બહોળાં પ્રમાણમાં વેપાર કરવાની ફરજ પડવાની જ છે.
મે મહિનામાં જ પ્રમુખ ટ્રમ્પે ઇરાન સાથેના પરમાણુ કરારો તોડી નાખ્યા પછી ઇરાન પર આર્થિક પ્રતિબંધો મુકી દીધા છે. જેને પગલે અમેરિકાની સાથે સંકળાયેલા ભારત સહિતના મોટા ભાગના દેશોએ ઇરાન સાથે કોઇ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવો મુશ્કેલ પડી શકે છે. નવેમ્બર માસની ચોથી તારીખ સુધીમાં ઇરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવાની ચીમકી દુનિયાના દેશોને ટ્રમ્પે આપી છે. આમાં ભારતની સ્થિતિ કફોડી થઈ શકે છે. જો ભારત ઇરાન પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરે તો પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળે તેવી શક્યતા છે. ભારત ઇરાક અને સાઉદી અરેબિયા પછી ઇરાન પાસેથી સૌથી વધુ એટલે કે વર્ષે ૧૮.૪ મિલિયન ટન ક્રુડ ઓઇલની આયાત કરે છે. ભારત પોતાની સવલત અનુસાર ઈરાની ઓઈલ માટે ડોલરમાં નહિ, પરંતુ રુપિયામાં ચુકવણી કરે છે. જો ટ્રમ્પની ધમકીને વશ થઈ ભારત ઈરાની ક્રુડ ઓઇલની આયાત પર કાપ મુકી દે તો એવી સ્થિતિમાં ઓઈલની આયાત માટે સાઉદી અરેબિયા, ઇરાક સહિતના અખાતી દેશો અને અમેરિકા પર જ નિર્ભર રહેવું પડશે, જેના ઊંચા ભાવ ડોલરમાં ચુકવવા પડશે. અત્યારે પણ, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઊંચા છે, જે સાતમા આસમાને જઈ શકે છે. જેના પરિણામે, ભારતના આર્થિક વિકાસની ગાડી પાટા પરથી ઉતરી શકે છે.
ઓઈલના વેચાણ દ્વારા ઈરાનને મળતાં ભંડોળને અટકાવવાનો પ્રયાસ અમેરિકા કરી રહ્યું છે. નવા પ્રતિબંધો અંતર્ગત કોઇ દેશને છૂટછાટ અપાશે નહિ. અમેરિકાના મોટાભાગના સહયોગી દેશો ઈરાનથી ક્રુડ આયાત અટકાવી દેવા સંમત થયાં છે. પરંતુ, ભારત માટે આ મોટી ચિંતાનો વિષય છે. તાજેતરમાં ભારતે અમેરિકાથી ક્રૂડની આયાત શરુ કરી છે. જો ભારત ઈરાકી ઓઈલની ખરીદી મુદ્દે અમેરિકી પ્રતિબંધની અવગણના કરશે તો તેના પર પણ અમેરિકી પ્રતિબંધો લદાઇ શકે છે, જેની વિપરીત અસરો ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી શકે છે.
અમેરિકાએ ઓબામાના શાસનમાં ઈરાનનો અણુકાર્યક્રમ અટકાવવા ૨૦૧૫માં સંધિ કરી હતી, જેમાં ચીન, રશિયા, જર્મની, ફ્રાંસ અને બ્રિટન પણ જોડાયા હતા. આ સમજૂતી અંતર્ગત ઈરાને તેની સામે લદાયેલા આર્થિક પ્રતિબંધો હટાવવાના બદલામાં અણુ કાર્યક્રમ સીમિત કરવા તૈયારી દર્શાવી હતી. જોકે, પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથેની અણુ સંધિ મે ૨૦૧૮માં તોડી નાખી તે અણુ કાર્યક્રમ સંપુર્ણ બંધ ન કરે ત્યાં સુધી આકરા આર્થિક પ્રતિબંધો લાદવાની ઘોષણા કરી હતી. કેટલાંક આર્થિક પ્રતિબંધનો અમલ ૬ ઓગસ્ટથી કરાશે, જ્યારે ઓઇલ સેક્ટર સંબંધિત પ્રતિબંધ નવેમ્બરથી લાગુ થશે. ટ્રમ્પનો દાવો છે કે, ઈરાન તેની અણુસામગ્રીનો ઉપયોગ બેલેસ્ટિક મિસાઈલ સહિતના શસ્ત્રો બનાવવા કરે છે તેમજ સીરિયા, યમન અને ઈરાકમાં શિયા યોદ્ધાઓ અને હિજબુલ્લાહ જેવા સંગઠનોને હથિયાર સપ્લાય કરે છે.