‘નેશન ઓફ ડ્રીમ્સ’ કહેવાતા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જઈ સુખી અને સમૃદ્ધ થવાના લોકશમણાં અધૂરાં રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ધરાવતા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશીઓ માટે અમેરિકામાં વસવાટ દુર્ગમ બની રહે તેવા પગલા લઈ રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દેશના નાગરિકોને નોકરીઓમાં વધુ લાભ મળે તે માટે જાન્યુઆરી ૨૦૧૯થી ઈમિગ્રેશન નીતિમાં નોંધપાત્ર બદલાવ લાવી રહ્યું છે. વિદેશીઓના હાથે દેશના નાગરિકોની નોકરીઓ તેમજ વેપાર છીનવાઈ રહ્યાં છે તેમ માનતા પ્રમુખ ટ્રમ્પે ચીન સહિતના દેશો સાથે વેપારયુદ્ધ પણ છેડી દીધું છે. ટ્રમ્પતંત્ર એચ-૪ વિઝાધારકોને વર્ક પરમિટ બંધ કરવા માગે છે, જેની અસર મુખ્યત્વે ભારતીયો સહિત ૭૦,૦૦૦થી વધુ વિદેશીઓને થવાની છે. એક રીતે જોઈએ તો આ મુદ્દો રક્ષણવાદનો જ છે. યુએસ હોય, યુકે હોય કે ભારત, એક અથવા બીજી રીતે પોતાના નાગરિકોને ફાયદેમંદ રહે તે રીતે જ નીતિઓ ઘડતા હોય છે.
એક રીતે જોઈએ તો યુએસ વિવિધ દેશોના વસાહતીઓનો જ બનેલો દેશ છે. તેના મૂળ વતનીઓ તો રેડ ઈન્ડિયન્સ જ હતા. કુશળ વિદેશીઓએ યુએસને પોતાનો દેશ બનાવી લીધો છે અને ત્યાંના નાગરિક બની ગયા છે. આ નાગરિકોને હવે ‘વિદેશીઓ’નો ડર સતાવી રહ્યો છે. અભ્યાસ અર્થે યુએસ જનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે અને અભ્યાસ પછી તેઓ નોકરી સાથે ત્યાં જ વસવાનું પસંદ કરે છે. જો આ રીતે વિઝાનીતિ ટ્રમ્પના તરંગો અનુસાર બદલાતી રહેશે તો અમેરિકાના ટેકનોલોજિકલ પ્રભુત્વને માઠી અસર પહોંચશે. ભારતની આઈટી કંપનીઓ અને તેમના કર્મચારીઓને તેમજ યુએસમાં ભારતીય અમેરિકનોની માલિકીની મધ્યમ કદની કોન્ટ્રાક્ટ પેઢીઓને ચોક્કસપણે વિપરીત અસર થશે.
ભારતીય પાસપોર્ટધારકો માટે અમેરિકાની મુલાકાત વધુ કઠણ બનવાના અણસાર છે. આ વર્ષની ૧૨મી સપ્ટેમ્બરથી અમલી બનેલા નવા વિઝા નિયમ અનુસાર યોગ્ય દસ્તાવેજો સામેલ નહિ કરવા સહિતની ભૂલો હવે ચલાવી નહિ લેવાય અને સત્તાવાળાઓ અરજદારને ખુલાસાની તક આપ્યા વિના જ તેને નકારી શકશે. આમ પણ, યુએસના વિઝા મેળવવાની પ્રક્રિયા ભારે જટિલ ગણાય છે અને આ નિયમથી તે વધુ જટિલ, કંટાળાજનક કહેવાય તેટલી લાંબી અને વધુ ખર્ચાળ બની રહેશે. વધુ મુશ્કેલી તો એ નડશે કે યુએસમાં રહેતી વ્યક્તિ પણ પ્રોસેસ દરમિયાન સ્ટેટસ ગુમાવે તો વિઝાઅરજીમાં ભૂલોના પરિણામે તેને દેશનિકાલ પણ કરી દેવાશે. આ નિયમ H1B વિઝાધારકોને પણ લાગુ પડી શકે છે. જે વિદેશીઓ યુએસનું નાગરિકત્વ કે ગ્રીન કાર્ડ હાંસલ કરવા ઈચ્છતા હોય, નાગરિક તરીકે રહેવા ઈચ્છતા હોય, ઈમિગ્રન્ટ્સ, હંગામીપણે દેશમાં રહેવા અને કામ કરવા માગતા નોન-ઈમિગ્રન્ટ્સ, આ તમામને નવા બદલાવની ઝાળ લાગશે તેમાં કોઈ શંકા નથી.
અમેરિકા દ્વારા વિવિધ પ્રકારના વિઝા જારી કરાય છે તેમાં કૌશલ્યપૂર્ણ વિદેશીઓને એચ-૧ વિઝા મળે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર એચ-૧ વિઝા માટે રોજગારી અને વિશિષ્ટ નોકરીઓ વિશેની વ્યાખ્યામાં ફેરબદલ કરી રહી છે. ઓબામાતંત્ર દ્વારા એચ-૧ વિઝાધારકો જીવનસાથીને સાથે રહેવા બોલાવી શકે એચ-૪ વિઝાધારકોને વર્ક પરમિટની અપાયેલી તે સવલત હવે ટ્રમ્પ વહીવટીતંત્ર બંધ કરી રહ્યું છે. આના પરિણામે, ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં ભારતીય વ્યાવસાયિકો સહિત હજારો ઇમીગ્રન્ટ્સના જીવનસાથીઓ કામ કરી શકશે નહિ, જેનો સંભવિત લાભ અમેરિકી કામદારો મેળવશે.