ડોકલામ સરહદે ચીનનું સખળડખળ

Tuesday 22nd August 2017 16:48 EDT
 

ભારત-ચીન વચ્ચે સિક્કીમની ડોકલામ સરહદે છેલ્લા બે મહિનાથી પ્રવર્તી રહેલો તણાવ વકર્યો છે. ૧૫ ઓગસ્ટે એક તરફ ભારતભરમાં ૭૧મા સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ લદ્દાખમાં બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઝપાઝપી ચાલી રહી હતી. બેનર ડ્રીલ નામની રોજિંદી કવાયત દરમિયાન ચીની સૈનિકોએ ભારતીય જવાનો પર પથ્થરમારો કરતાં મામલો બિચક્યો હતો. બન્ને દેશના સૈનિકોએ એકબીજા પર પથ્થરમારો કર્યાના તેમજ એકમેકને બંદૂકના બટ પણ માર્યા હોવાના અહેવાલ છે. લદ્દાખના પેનગોંગ લેક વિસ્તારમાં આ ઘટના બની હતી અને ભારત-ચીનના સૈનિકો વચ્ચે લગભગ એક કલાક સુધી છૂટા હાથની મારામારી થઇ હતી. છેવટે ભારતીય જવાનોએ સ્થાનિક લોકોની મદદથી ચીની જવાનોને ખદેડ્યા હતા. ચીન સરકારે આ મુદ્દે નરો વા કુંજરો વાની નીતિ અપનાવતાં પહેલાં તો એવું જ નિવેદન કર્યું કે આવી કોઇ ઘટના બન્યાનું અમારી જાણમાં જ નથી. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે સિક્કીમ સરહદે આવી ઘટના બન્યાને સમર્થન આપ્યું તેના બાદ બે દિવસ બાદ ચીને કાચિંડાની જેમ રંગ બદલતું નિવેદન કર્યું છે કે અમે નહીં, ભારતીય સૈનિકોએ અમારા જવાનો પર પથ્થરમારો કરતાં ઘર્ષણની ઘટના બની હતી.
ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચીની જવાનોને ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો તે સાચું, પણ લદ્દાખમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપીની આ ઘટના ગંભીર છે. ચીન વારંવાર એક યા બીજા પ્રકારે ભારતને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યું છે. ક્યારેક ડોકલામમાં રસ્તો બનાવવાના નામે તો ક્યારેક લદ્દાખમાં ઘુસણખોરીનો પ્રયાસ કરીને. ચીનનું સરકારી મીડિયા પણ ભારતને યુદ્ધની ધમકી આપવાનું ચૂકતું નથી. થોડાક દિવસ પહેલાં બન્ને દેશની લશ્કરી સજ્જતાની સરખામણી કરીને ભારતને નીચાજોણું કરાવવા પ્રયાસ કર્યો અને હવે તેણે એવો અહેવાલ પ્રકાશિત કર્યો છે કે (ભારત સાથે) યુદ્ધ થાય તો તેવા સંજોગોને પહોંચી વળવા માટે પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી)ના જવાનોએ ફાયરિંગ પ્રેક્ટિસ શરૂ કરી છે. આ અને આવા અહેવાલો તેમજ સરહદે અટકચાળા કરીને ચીન ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. અલબત, ભારતીય નેતૃત્વ પણ ચીનના આ રાજદ્વારી વ્યૂહથી વાકેફ છે. આથી જ તે સંયમપૂર્વક વર્તીને ચીનને તેના દરેક પગલાંનો જવાબ તેની જ ભાષામાં આપી રહ્યું છે.
અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે ચીન - આર્થિક રીતે હમણાં પ્રમાણમાં નબળું પડી રહ્યું હોવા છતાં - સરહદે તણાવ વધારીને પોતાના જ પગે કુહાડો કેમ મારી રહ્યું છે? એક નહીં બે કારણસર. એક તો, તેને ભારતની અમેરિકા સાથે ગાઢ બની રહેલી દોસ્તી પોતાના માટે ખતરારૂપ લાગી રહી છે અને બીજું, સરહદે તણાવ ચાલુ રહે તો દેશવાસીઓનું ધ્યાન બીજે આકર્ષાય તો આંતરિક રાજકીય ખેંચતાણથી સર્જાયેલું દબાણ હળવું થાય. ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી નિકટતા અન્યોન્ય માટે ભલે લાભકારક હોય, પણ ચીન માટે નુકસાનકારક છે. ભારત સાથેના સંબંધ મજબૂત કરવા પાછળ અમેરિકાનો સ્વાર્થ પણ છે. અમેરિકાએ સાઉથ ચાઇના સીમાં ચીનને દાબમાં રાખ્યું છે. નોર્થ કોરિયા સાથેની ચીનની મિત્રતાથી અમેરિકા ખુશ નથી. આથી તે ભારતનો વિશ્વાસમાં લઇને ચીન પર સકંજો કસવા માગે છે. ચીનને આ વાત પસંદ નથી. ભારત સાથેના ઘર્ષણના મૂળમાં ચીનનું આંતરિક રાજકારણ પણ છે. ત્રણ મહિના પછી ચીનની શાસનધૂરા સંભાળતી કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. દર પાંચ વર્ષે યોજાતા આ અધિવેશનમાં ચીનની ભાવિ દશા અને દિશા નક્કી થતી હોય છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ પક્ષમાં પોતાની છબી સૌથી વધુ મજબૂત નેતા તરીકે ઉભારવા પ્રયત્નશીલ છે. અને આ માટે તે ભારત સાથેના સરહદી તણાવનો ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષોમાં ચીનની અર્થવ્યવસ્થા લથડતી ગઇ છે. પીએલએમાં અસંતોષ અને જૂથબંધીના સમાચાર ચમકતા રહે છે. જિનપીંગ સરકાર આ સ્થિતિને અંકુશમાં લાવવા માટે ભારત સાથે યુદ્ધનો માહોલ ઉભો કરવા માગે છે. આંતરરાષ્ટ્રીય સંરક્ષણ નિષ્ણાતોના મતે બન્ને દેશો વચ્ચે યુદ્ધની સંભાવના ઘણી ઓછી છે. જોકે આ અભિપ્રાય છતાં ભારતે સતર્ક રહેવું પડશે - રાજદ્વારી મોરચે પણ અને યુદ્ધની સંભવિત તૈયારીના મુદ્દે પણ. ભૂતકાળમાં પીઠમાં ખંજર ભોંકી ચૂકેલા ચીન સામે ભારતે દરેક પગલું ફૂંકી ફૂંકીને ભરવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter