લલિત મોદી વિવાદે વિરોધ પક્ષને મોદી સરકારને ભીંસમાં લેવાનો મોકો આપી દીધો છે. ભારતીય કાયદાના ગાળિયાથી બચવા માટે ‘નાસતાફરતા’ લંડનનિવાસી લલિત મોદીને વિદેશ પ્રવાસમાં મદદરૂપ થવાના કેસમાં પહેલાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું ખૂલ્યું. સ્વરાજનો બચાવ કરીને ભાજપના પ્રવક્તાઓ હાશકારો અનુભવે તે પહેલાં તો રાજસ્થાનના મુખ્ય પ્રધાન વસુંધરા રાજેનું લલિત મોદી કનેક્શન ખૂલ્યું. મોદી સરકારના વરિષ્ઠ પ્રધાન અને પછી રાજસ્થાનના મુખ્ય પ્રધાનનું નામ પણ આ પ્રકરણમાં ખૂલતાં દેશના રાજકીય માહોલમાં ઉકળાટ વધવો સ્વાભાવિક હતો. વિરોધ પક્ષ તરફથી બન્નેના રાજીનામાની માગ થવી જોઇતી હતી. તે પણ થઇ. અને ભાજપ તરફથી પોતાનો બચાવ થતો પણ જોવા મળ્યો. મતલબ એ બધું જ થયું, જેની મારા-તમારા જેવા સહુ કોઇને ધારણા હતી. જોકે આ દરમિયાન ઘણું બધું એવું પણ થયું છે જેની ધારણા ભાગ્યે જ કોઇને હતી. કોઇ આને સંયોગ ગણાવે છે તો કોઇ આને રાજકીય દ્વેષપૂર્ણ કાર્યવાહી ગણાવે છે, પરંતુ હકીકત એ છે કે મોદી-સ્વરાજ-રાજે વિવાદના ચગવા સાથે જ કેટલાક બીજા ગોટાળા પણ બહાર આવ્યા છે.
મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળના નિવાસસ્થાન અને ઓફિસ સહિતના ૧૬ સ્થળો પર એકસાથે એન્ટી-કરપ્શન બ્યૂરો (એસીબી)ના દરોડા પડ્યા. ગુજરાતમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઇએ દરોડા પાડ્યા. તેઓ યુપીએ સરકારમાં ટેક્સટાઇલ પ્રધાન હતા ત્યારે નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (એનટીસી) હસ્તકની જમીન વેચવાના કેસમાં ગેરરીતિ થયાના આરોપસર દરોડા પડાયા હતા. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન વીરભદ્ર સિંહ અને અને તેના પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચારના એક કેસ સંદર્ભે સીબીઆઇ તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (‘આપ’)ના ૨૧ વિધાનસભ્યો સામે ગુનો નોંધાવાના સમાચાર પણ આવ્યા.
વિરોધ પક્ષ તરફથી આક્ષેપોનો મારો થયો કે આ બધા દરોડા અને તપાસની કાર્યવાહી તો લલિત મોદી વિવાદના કારણે ભાજપની પ્રતિષ્ઠાને ખરડાતી બચાવવા માટે થઇ છે. સરકારનું કહેવું છે કે આ તમામ કેસમાં અગાઉથી તપાસ ચાલતી જ હતી અને તેના અનુસંધાને આનુષાંગિક પગલાં લેવાઇ રહ્યા છે. આપણે ધારી લઇએ કે વિરોધ પક્ષનું કામ આરોપ મૂકવાનું હોય છે અને સરકારનું કામ બચાવનું, પરંતુ છગન ભુજબળ, શંકરસિંહ વાઘેલા અને વીરભદ્ર સિંહની સામે એક સાથે કાર્યવાહીથી કોઇને પણ શંકા જાય તેવું તો છે જ. ભાજપ જ્યારે વિપક્ષની પાટલીએ બેસતો હતો ત્યારે પોતાના નેતાઓ સામે સીબીઆઇનો દુરુપયોગ થઇ રહ્યાનો આરોપ મૂકતાં થાકતો નહોતો. ભાજપનો સમય બદલાયો છે તે સાથે તેનું વલણ પણ બદલાયું નહીં હોય તેવી આશા રાખીએ. આપણે માની લઇએ કે આ દરોડાઓ, કાનૂની કાર્યવાહીઓ કાગનું બેસવું અને ડાળનું તૂટવું જેવો જ સંયોગ હોય. જો વિપક્ષની પાટલીએ બેસીને સીબીઆઇના ‘દુરુપયોગ’ની વાત કરનારો પક્ષ સત્તા સંભાળતા જ સીબીઆઇનો ‘સદુપયોગ’ કરવા લાગશે તો તે દેશના લોકતંત્ર માટે સૌથી કમનસીબ પળ હશે.