ભારતની મુખ્ય તપાસકર્તા એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એજન્સીની આબરૂના લીરેલીરાં ઉડી રહ્યાં છે, જેના છાંટા નરેન્દ્ર મોદી સરકાર પર પણ પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સંસ્થાના બે સર્વોચ્ચ અધિકારીઓ, ડાયરેક્ટર આલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાના, વચ્ચે વર્ચસ અને અહમની લડાઈ હદ વળોટી જતાં મોદી સરકારને બન્નેને તાત્કાલિક રજા પર ઉતારી દેવાનું પગલું ભરવું પડ્યું છે. જોકે, હવે બન્ને અધિકારીઓએ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અમારી સામે કિન્નાખોરી દર્શાવી રહી છે જેવી રજૂઆતો કરી સરકારને જ આરોપીના પીંજરામાં ખડી કરી દીધી છે.
મહાભારત મહાકાવ્યમાં પાંડવપત્ની દ્રૌપદીનું ભરસભામાં વસ્ત્રાહરણ કરાયાનું કથાનક આવે છે. વર્તમાનમાં સીબીઆઈનું વસ્ત્રાહરણ કરાઈ રહ્યું છે. ભગવાન કૃષ્ણે ચીર પૂરી દ્રૌપદીની મદદ કરી તે જ રીતે સુપ્રીમ કોર્ટ પણ મદદમાં આવી છે. જોકે, આ વસ્ત્રાહરણની ઘટના આજની નથી, વર્ષોથી તે ચાલતી આવી છે. સીબીઆઈ, સરકારની કઠપૂતળી અથવા પાળેલો પોપટ હોવાના આક્ષેપો સતત થતા રહ્યા છે. આક્ષેપો કરનારા પક્ષો (વિપક્ષ) અને બચાવ કરનારા પક્ષો (સરકાર) બદલાતા રહે છે. દરેક રાજકીય પક્ષ અને નેતાઓના કબાટમાં ભ્રષ્ટાચાર સહિતના હાડપિંજરો બંધ છે, જેને શોધી નેશનલ સિક્યુરિટીના નામે રાજકીય પ્રતિસ્પર્ધીઓને પોતાની તરફેણમાં રાખવા, તેમના પર ધોંસ જમાવવા કે તેમને મૌન રાખવાનું કાર્ય શાસક પાર્ટી કરે છે. આ માટે તેની પાસે સૌથી કલંકિત સીબીઆઈ સહિતની ગુપ્તચર એજન્સીઓ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), આયકર વિભાગ (આઇટી) પરનું નિયંત્રણ હાથવગું રહે છે. આ બધી એજન્સીઓનું રાજકીયકરણ કોઈ નવી વાત નથી. જોકે, આ કિસ્સામાં સીબીઆઈ અધિકારીઓએ પોતાના ગુનાઓ છુપાવવા સુપ્રીમ કોર્ટનો આશ્રય લીધો હોવાનું હાલના તબક્કે જણાય છે. સમયની સાથે સત્ય અવશ્ય બહાર આવશે, પરંતુ ત્યાં સુધી સરકાર અને સીબીઆઈની વિશ્વસનીયતાને ભારે ગ્રહણ લાગી ચુક્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સીબીઆઈ ચીફ આલોક વર્મા હસ્તકના કેસોમાં સૌથી સંવેદનશીલ કેસ સરકારના રાફેલ યુદ્ધવિમાન સોદાનો છે. ફ્રાન્સ સાથે થયેલા રાફેલ ખરીદીના સોદામાં કૌભાંડ થયાંની ફરિયાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશંવત સિંહા, અરુણ શૌરી અને કાનૂનવિદ્ પ્રશાંત ભૂષણ તરફથી વર્માને મોકલાઈ હતી. સીબીઆઈ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જવાથી હવે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પણ કેન્દ્ર સરકાર પર હુમલો કરવાની તક ઝડપી લીધી છે.
સીબીઆઈને કટાક્ષમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ કરપ્શન તરીકે પણ ઓળખાવાય છે. સંસ્થાના વડા આલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા વિરુદ્ધ મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યાના જાહેર આક્ષેપો કરીને કોઠીનો કાદવ ધોવાની શરૂઆત કરી અને મોદી સરકારે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે બંને અધિકારીઓને ફરજિયાત રજા પર ઉતારી દીધા અને કાર્યકારી વડા તરીકે નાગેશ્વર રાવને બેસાડી દીધા. જોકે વાત અહીં પૂરી થતી નથી. હાલની સમસ્યા અહીંથી જ ઉભી થઈ છે.
જોકે, આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાના અને તેમના સ્થાને રાવની નિયુક્તિના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે મોટો ફટકો માર્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે રાવ વધુ સુનાવણી અને ચુકાદા સુધી નીતિવિષયક નિર્ણયો લઈ નહિ શકે તેમ જણાવી તેમની પાંખો વેતરી નાખી છે. રાવે હોદ્દો સંભાળ્યા બાદ ૨૩ ઓક્ટોબરથી લીધેલા તમામ નિર્ણયો સીલબંધ કવરમાં ૧૨મી નવેમ્બરે હાથ ધરાનારી સુનાવણીમાં રજૂ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે, જે નિર્ણયોની ચકાસણી કરાશે. આ ઉપરાંત આલોક વર્મા પર મુકાયેલા આરોપોની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એ. કે. પટનાયકની સીધી દેખરેખમાં બે સપ્તાહમાં પૂરી કરવાનો આદેશ પણ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ને આપ્યો છે. નિવૃત્ત જજની દેખરેખ હેઠળ કામ કરવાના આદેશથી સીવીસીની નિષ્પક્ષતા પર પણ સવાલ થવાના મુદ્દે કોર્ટે એ સ્પષ્ટતા પણ કરી છે કે અમે બંધારણીય સત્તામંડળ પર શંકા કરતા નથી. કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતાં નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસનો આદેશ આપ્યો છે. સીબીઆઇ ડાયરેક્ટરની નિયુક્તિ વડા પ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસની સમિતિ દ્વારા બે વર્ષ માટે કરાય છે. સીબીઆઈ ડિરેક્ટર બદલવા માટે આ સમિતિની મંજૂરી જરૂરી હોવાના મુદ્દા પરત્વે પણ કોર્ટનું ધ્યાન દોરાયું છે, જે સંબંધે પણ બેન્ચ ચકાસણી કરશે.
આ સંદર્ભે નાણાપ્રધાન અરુણ જેટલીએ નિવેદન કર્યું છે કે સીઝરની પત્ની પણ શંકાથી પર હોવી જોઈએ. તાજેતરની ઘટનાઓથી તપાસકર્તા એજન્સીની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાથી આવું પગલું ભરવાની ફરજ પડ્યાની જેટલીની દલીલમાં વજૂદ હોઈ શકે, પરંતુ આ તો રાંડ્યા પછીનું જ ડહાપણ કહેવાય એમ નથી લાગતું? બંને અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આરોપ છે. એક તપાસમાં અડચણરૂપ બની રહ્યા હતા, તો બીજાએ લાંચ લીધાનો આરોપ છે. વર્મા સામે કાનૂનને ધોળીને પી જનારા વેપારીઓની તપાસમાં અવરોધ અને કરોડોની લાંચ લેવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ, અસ્થાના પણ સરકાર સામે ભ્રષ્ટ વડા વર્માની તરફેણ કરવાનો અને પોતાની યોગ્ય સત્તાવાર કામગીરી બજાવવા બદલ હેરાનગતિ કરાયાનો આક્ષેપ કરી રહ્યા છે.
સામાન્ય જનતાને અત્યાર સુધી સીબીઆઈમાં ભારે વિશ્વાસ હતો, પરંતુ આ ઘટનાથી વિશ્વાસ ડગમગ્યો છે.