તામિલનાડુની રાજકીય ક્ષીતિજે નવા ‘સિતારા’નો ઉદય

Tuesday 09th January 2018 14:36 EST
 

તામિલનાડુના રાજકારણને નવો ‘મેગાસ્ટાર’ મળી ગયો છે. ફિલ્મ અભિનેતા રજનીકાંતની રાજકારણમાં એન્ટ્રીથી પ્રાદેશિક રાજકારણમાં એક નવા અધ્યાયનો આરંભ થયો છે એમ કહી શકાય. રાજ્યના રાજકીય તખતે છેલ્લા કેટલાય મહિનાઓથી ભારે નાટ્યાત્મક ઘટનાઓ આકાર લઇ રહી છે. આ માહોલ વચ્ચે તમિળ ફિલ્મોના સુપરસ્ટારની રાજકીય પ્રવેશની જાહેરાતથી હલચલ થવી સ્વાભાવિક છે. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા મુખ્ય પ્રધાન જે. જયલલિતાના નિધન બાદ પ્રાદેશિક રાજકારણમાં જાણે શૂન્યાવકાશ સર્જાયો છે. રાજ્યના નેતાઓથી માંડીને અભિનેતાઓ સહુ કોઇ આ સ્થાન મેળવવા તલપાપડ છે. પહેલાં કમલ હસન અને હવે રજનીકાંતે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. રજનીકાંતે કોઇ પક્ષમાં જોડાવાને બદલે પોતાનો જ નવો પક્ષ રચવાની અને રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી વેળા તમામ ૨૩૪ બેઠકો પર પોતાના પક્ષના ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે.
આ સાથે જ રજનીકાંતના રાજકારણ પ્રવેશ મુદ્દે છેલ્લાં બે દસકાથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. રાજકારણમાં ઇમાનદારી અને ગુડ ગવર્નન્સની હિમાયત કરતાં રજનીકાંતનું કહેવું છે કે ભારતીય રાજકારણ ખોટા માર્ગે આગળ વધુ રહ્યું છે. દરેક બાબતમાં પરિવર્તનની જરૂર છે. પારદર્શિતાની જરૂર છે. અમે લોકોની મદદથી આ વિરાટ કાર્ય સાકાર કરશું. મેગાસ્ટારનું કહેવું છે કે હાલના સમયમાં તામિલનાડુમાં લોકશાહીની હાલત બહુ ખરાબ છે અને અન્ય રાજ્યોમાં તામિલનાડુ હાંસીપાત્ર બન્યું છે. આવા સમયે રાજકારણમાં પ્રવેશ નહીં કરું તો જિંદગીભર અપરાધભાવ અનુભવીશ.
રજનીકાંત તમિળ સિનેમામાં ઇશ્વર જેવું સ્થાન ધરાવે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આથી જ રજનીકાંતની જાહેરાતને હજારો ચાહકોએ જોશભેર આવકારી છે, આતશબાજી કરીને તેમના નિર્ણયને આવકાર્યો છે. તામિલનાડુમાં સિનેમા અને રાજકારણ એકમેક સાથે બહુ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. તમિળ ફિલ્મઉદ્યોગે એમ. જી. રામચંદ્રન્, જયલલિતા અને કરુનિધાનીધિ જેવા દિગ્ગજ નેતાઓની રાજકારણને ભેટ આપી છે. તમિળ પ્રજાજનો પોતાના નેતામાં કરિશ્મા સિવાય બીજા કોઇ ગુણોની ભાગ્યે જ અપેક્ષા રાખે છે. રજનીકાંતે એવા સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો છે, જ્યારે જયલલિતાનાં નિધન અને કરુણાનધિનાં - લગભગ - રાજકીય વનવાસને કારણે રાજ્ય સ્તરે કરિશ્માઇ નેતાનો ખાલીપો વર્તાય છે. એક સમયે એમજીઆર અને જયલલિતાના નેતૃત્વ હાલની એઆઇએડીએમકે (ઓલ ઇંડિયા અન્ના દ્રમુક મુનેત્ર કડગમ્) હવે પલાનીસામી અને પનીરસેલ્વમનાં વડપણ હેઠળ ભાજપની બી ટીમ જેવી બની ચૂકી છે. બીજી તરફ, સ્ટાલિન ડીએમકેને પિતા કરુણાનિધિ જેવું સક્ષમ નેતૃત્વ આપી શકશે કે કેમ તે અંગે હજુ શંકાઓ પ્રવર્તે છે. ત્રીજી તરફ આર. કે. નગર પેટા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવીને દિનાકરને પુરવાર કરી દેખાડ્યું છે કે નાણાંના જોરે ચૂંટણી જીતવાની આવડતમાં તે ડીએમકે અને એઆઇએડીએમકેના હાલના તમામ નેતાઓ કરતાં ચઢિયાતાં છે. એઆઇએડીએમકેથી છૂટા પડીને નોખો ચોકો માંડનાર દિનાકરને રાષ્ટ્રીય પક્ષો સાથે ઝઝૂમનાર પ્રાદેશિક નેતા તરીકે પોતાની ઇમેજ તો ઊભી કરવા માંડી છે, પરંતુ તેઓ કેટલી ઝીંક ઝીલી શકશે તે મોટો સવાલ છે. દિનાકરનના આ બળવાખોર મિજાજથી નારાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાની સત્તાનો ઉપયોગ કરીને તેમની અને હાલ જેલવાસ ભોગવી રહેલા શશીકલા આસપાસ કાનૂની ગાળિયો વધુ મજબૂત બનાવીને તેમનું રાજકારણ વહેલી તકે ખતમ કરવા પ્રયાસ કરશે એ નક્કી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter