ભારતમાં રાજકીય નેતાઓનું એક અને એકમાત્ર લક્ષ્ય સત્તા પર કબ્જો જમાવવાનું હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે તામિલનાડુમાં સત્તાધારી અન્ના દ્રમુકના બે (કટ્ટર વિરોધી) જૂથ આખરે એક થઇ ગયા છે. જયલલિતાના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારી બનીને મુખ્ય પ્રધાન પદ સંભાળનાર ઓ. પન્નીરસેલ્વમે એક જમાનામાં જયલલિતાના સખી રહેલા શશિકલાના વિશ્વાસુ સાથીદાર મુખ્ય પ્રધાન પલનીસ્વામી સાથે હાથ મિલાવ્યા છે. બન્ને દુશ્મન દોસ્ત થઇ ગયા છે અને હવે જેલમાં કેદ શશિકલાને પક્ષના મહાસચિવ પદેથી હટાવવાનો કારસો પણ ઘડી નાખ્યો છે. નવી સમજૂતી અનુસાર, પન્નીરસેલ્વમ્ નાયબ મુખ્ય પ્રધાન બનશે અને તેમના સમર્થક એવા ત્રણ-ચાર ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન અપાશે. ભારતીય રાજકારણમાં મૂલ્યોનું સતત પતન થઇ રહ્યું તેનું આ સૌથી તાજું અને સૌથી મોટું ઉદાહરણ છે. રાજકારણમાં તો ના બાપ બડા ના ભૈયા... સૌથી મોટું સત્તાનું સિંહાસન હોય છે. ખુરશી માટે રાજકીય નેતાઓ ગમેતેટલી હદે નીચા ઉતરવા તૈયાર છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં આવું પહેલી વખત બન્યું છે એવું પણ નથી. એમ. જી. રામચંદ્રન્ બાદ જયલલિતાએ કઇ રીતે સત્તા હસ્તગત કરી હતી અને આંધ્ર પ્રદેશમાં એન. ટી. રામરાવના મૃત્યુ બાદ સત્તા માટે કેવી ખેંચતાણ ચાલી હતી તે જગજાહેર છે. તાજેતરમાં બિહારમાં જનતા દળ (યુ)એ વિપક્ષના મહાગઠબંધન સાથે છેડો ફાડ્યો. મુખ્ય પ્રધાન અને પક્ષના અધ્યક્ષ નીતિશ કુમારે જે પ્રકારે પક્ષના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના લાલુ પ્રસાદ યાદવને ફટકો માર્યો છે તે જોતાં આ રાજકીય તડજોડ તકવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થાય તેમ છે. આવી રાજકીય સાંઠગાંઠ માટે શાસક ભાજપ સામે આંગળી ચીંધાઇ રહી છે. આક્ષેપ એવો થઇ રહ્યો છે કે ભાજપ દેશને કોંગ્રેસમુક્ત બનાવવાના તેના અભિયાનના ભાગરૂપે તમામ પક્ષોને એનડીએમાં જોડવા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યો છે. પણ શું ખરેખર આવું છે? ના. રાજકીય જોડતોડના આ અને આવા દરેક કિસ્સા દર્શાવે છે કે પક્ષો કે તેના નેતાઓ જીસ કે તડમેં લડ્ડુ, ઉસકે તડમેં હમના ન્યાયે નિર્ણય કરી રહ્યા છે. તેમને લાભ દેખાય ત્યાં તેઓ ઢળી રહ્યા છે. નેતાઓની આવી સ્વાર્થી નીતિરીતિ ખરેખર ચિંતાજનક છે. બિહાર પૂરથી તો તામિલનાડુ દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યું છે, પરંતુ રાજનેતાઓ પોતાના રોટલા શેકવામાં વ્યસ્ત છે. દર વર્ષની જેમ બિહાર અને બીજા પૂર્વીય રાજ્યોમાં સેંકડો લોકો અને હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. અબજો રૂપિયાની સંપતિને નુકસાન થયું છે. નીતિશ કુમારની નજર ભારત સરકાર તરફથી મળનારા ૧૨૫ કરોડ રૂપિયાના પેકેજ પર અટકી છે તો અન્ના દ્રમુકના નેતાઓને કેન્દ્ર સરકારમાં સ્થાન મેળવવાની લાલચ છે. લાલચુ નેતાઓની ચુંગાલમાં આમ આદમી પીસાય
રહ્યો છે.