દાર્જિલિંગમાં ઊકળતો ચરુ

Tuesday 20th June 2017 15:19 EDT
 

ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીર ખીણ પ્રદેશમાં છેલ્લા કેટલાય મહિનાઓથી લપકારા મારતી અશાંતિની આગ બૂઝાય તે પહેલાં દાર્જિલિંગના પહાડોમાં રાજકીય અશાંતિએ માથું ઊંચક્યું છે તે દેશ માટે શુભ સંકેત નથી. પશ્ચિમ બંગાળ સરકારના એક વગરવિચાર્યા કહી શકાય તેવા નિર્ણયે પર્યટન માટે સુપ્રસિદ્ધ દાર્જિલિંગને હિંસામાં હોમી દીધું છે.
પ્રદેશની તમામ શાળાઓમાં બંગાળી ભાષાનો અભ્યાસ ફરજિયાત કરવાના સરકારી આદેશના વિરોધમાં ગુરખા સમુદાય રસ્તા પર ઉતરી પડ્યો છે. ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ)એ શરૂ કરેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદેશના તમામ રાજકીય પક્ષો જોડાયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શાળાઓમાં બંગાળી ભાષા ફરજિયાત કરવાના નિર્ણયના વિરોધની સાથોસાથ આંદોલનકારીઓએ સ્વાયત્ત ગોરખાલેન્ડની પોતાની જૂની માંગણી પણ જોડી દીધી છે. લગભગ ત્રણ દસકા પૂર્વે સુભાષ ઘીસિંગના નેતૃત્વમાં અલગ ગોરખાલેન્ડની માગ સાથે પ્રચંડ આંદોલન ચાલ્યું હતું. આ ઉગ્ર આંદોલન બાદ લોકોને અલગ રાજ્ય તો નહોતું મળ્યું, પણ દાર્જિલિંગ હિલી કાઉન્સિલ રચીને પ્રદેશને આંશિક સ્વાયત્તતા આપવાનો પ્રયાસ થયો હતો. કાઉન્સિલ બાદ ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (જીટીએ)ની સ્થાપના થઇ. તેના પ્રતિનિધિઓની પસંદગી સીધી ચૂંટણી વડે થાય છે અને સ્થાનિક વહીવટમાં તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગોરખાલેન્ડની સ્વાયતત્તાનો મુદ્દો લગભગ વિસરાઇ ગયો હતો, પરંતુ બંગાળી ભાષાને ફરજિયાત કરવાના સરકારી આદેશે આ લીલાછમ પ્રદેશની શાંતિને ફરી ડહોળી નાખી છે. દેશવિદેશના હજારો પ્રવાસીઓને તેમના પ્રવાસને અધવચ્ચે ટૂંકાવીને પરત ફરવું પડ્યું છે અને બીજા હજારો પ્રવાસીઓએ તેમના પ્રવાસ મુલત્વી રાખ્યાના અહેવાલ છે. સમગ્ર પ્રદેશનું અર્થતંત્ર ખોરવાઇ ગયું છે, પણ અફસોસની બાબત એ છે કે રાજકીય નેતાઓ શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવાના બદલે એકબીજા સામે આક્ષેપ કરવાના કામે લાગ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ આંદોલનને ઊંડું કાવતરું ગણાવી ભાજપને આરોપીના કઠેડામાં ઊભા કરી રહ્યાં છે. તો એક સમયે ગાઇવગાડીને સ્વાયત્ત ગોરખાલેન્ડની માગને ટેકો આપનારો ભાજપ આ મુદ્દે અવઢવમાં છે. તેને મોટી મૂંઝવણ એ છે કે જો તે આંદોલનને સમર્થન આપે તો તેને બંગાળી મતદારોના વિરોધનો સામનો કરવો પડે તેમ છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી પશ્ચિમ બંગાળમાં ભાજપનું સ્થાન મજબૂત થઇ રહ્યું છે. આ સંજોગોમાં સ્વાયત્ત ગોરખાલેન્ડ આંદોલનને સમર્થન આપે તો તેને પારાવાર નુકસાન થવા આશંકા છે. આ આંદોલનમાંથી સમાધાનકારી માર્ગ ન તો મમતા બેનરજીને મળી રહ્યો છે અને ન તો મોદી સરકારને. મમતાએ તો ભારત સરકાર તરફથી માંગવામાં આવેલો રિપોર્ટ મોકલવાનો પણ ઇન્કાર કરી દીધો છે. હિંસક વિરોધ પ્રદર્શનોનું પ્રમાણ થોડુંક ઘટ્યું છે અવશ્ય, પણ તણાવપૂર્ણ માહોલ યથાવત્ છે. આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલાં પશ્ચિમ બંગાળ સરકાર અને ભારત સરકારે આંદોલનકારી નેતાઓ સાથે મંત્રણા કરીને કોઇ સમાધાનકારી મારગ કાઢવો જ જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter